મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: કચ્છનાં પાટનગર ભુજમાં રહેતા એક પરિવારે બટેટાનું શાક ખાતા ખોરાકી ઝેરની અસરને કારણે બે બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે. બાળકોના માતા પિતા પણ હાલમાં સારવાર હેઠળ છે .

ભુજનાં રિલાયન્સ મોલ પાછળ ભાનુશાલી નગર પાસેની વસાહતમાં રહેતા વિજયભાઈ વિશ્રામ સોલંકી, તેમના પત્ની પૂનમબેન, તેમના સંતાનો પુત્ર ધવલ (8 વર્ષ), પુત્રી માનસી (14 વર્ષ) ખોરાકી ઝેરની અસરનો ભોગ બન્યા હતા. ગુરુવારની રાતે રિલાયન્સ મોલ સામે આવેલી લારીમાંથી તેઓ વડાપાઉં અને બટેટાનું શાક લઈ ગયા હતા. પોતાને ઘેર બનાવેલી ખીચડી આરોગ્યા  બાદ આ પરિવારને ખોરાકી ઝેરની અસરની જાણ થતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ભોગ બનનાર પરિવારના પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું હતું  રાત્રે જમ્યા બાદ સવારે સફાઈ માટે બાજુવાળા બહેને દરવાજો ખટખટાવતા આ બનાવ સામે આવ્યો હતો આ સમયે બે બાળકો બેભાન હાલતમાં ઘરમાં પડ્યા હતા. ત્યારબાદ 108 દ્વારા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન ડો.જી.એસ.કાલરીયાએ બાળકોને મૃત જાહેર કર્યા હતા, પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બાળકોનાં મોત પાછળ ખોરાકી અસર છે કે પછી અન્ય કોઈ કારણ તે બાબત પણ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.