મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાયા બાદ હવે ગુજરાતી એવા તુષાર મહેતા હવે ભારતના નવા સોલિસિટર જનલર બનશે. આ પદ વર્ષ 2017માં 20 ઓક્ટોબરના રોજ રંજીત કુમારના રાજીનામા બાદથી ખાલી હતું. સોલિસિટર જનરલ તે કાયદા અધિકારી હોય છે જે અદાલતોમાં કેન્દ્ર કે રાજ્ય સરકારોનું પ્રતિનિધિત્વ કરે છે.  કેન્દ્રમાં વર્ષ 2014માં ભાજપ સત્તા પર આવતા જ તુષાર મહેતાને ભારતના એડિશનલ ઓલિસિટર જનરલ બનાવા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મુળ જામનગરનાં તુષાર મહેતાએ 1980ના દાયકામાં વકીલાતની શરુઆત કરી હતી અને હાલ અધિક સોલિસિટર જનરલ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. 2007માં તેમની નિમણૂક ગુજરાત હાઇકોર્ટમાં સીનિયર વકીલ તરીકે કરવામાં આવી હતી અને એ પછી એક જ વર્ષમાં તેમને એડિશનલ એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા હતા. એડિશનલ એડવોકેટ જનરલ તુષાર મહેતાએ સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસ સહિતના મહત્વના અનેક કેસોમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

થોડા મહિનાઓ અગાઉ જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ પર એક ન્યૂઝ વેબસાઇટ દ્વારા રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ જય શાહે વેબસાઇટના પત્રકારો પર અમદાવાદમાં માનહાનીનો કેસ કર્યો હતો. તુષાર મહેતા કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ મંજૂરી લઇને જય શાહ તરફથી કેસ લડી રહ્યા છે.