મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ચપ્પુ મારીને હત્યા કરનારા બે સાઇકો કીલર મનોરોગી ન હોવા છતાં માનસિક રોગની દવાના આદતી બની ગયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ન હોવાના કારણે બજાર કિંમત કરતા વધુ રકમ આપીને પણ દવા ખરીદતા હતા.

અત્યાર સુધીમાં સત્તાવાર રીતે ચાર હત્યા અને બે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનાની કબૂલાત કરી ચૂકેલા બે સાઇકો કીલર અજય ઉર્ફે ડબ્બી ડાયા જાધવ (ઉ.વ.21) અને રવિ નાયકા (ઉ.વ.19)ને અમરોલી પોલીસની ટીમે પકડી પાડ્યા હતા. જેણે ત્રણ હત્યાની અને એક સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કબૂલાત કરી હતી. ત્યાર બાદ આ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે બન્નેનાં વધુ ચાર દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવી હતી. જેમાં આ બન્નેએ વધુ એક હત્યાની કબૂલાત કરી હતી. એ સાથે જ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પણ એક વધુ ગુનો કબૂલ્યો હતો. બિનસત્તાવાર રીતે આ બન્નેએ એક વર્ષમાં દસથી વધુ હત્યા કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.

પોલીસની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી છે કે આ બન્ને મનોરોગી ન હોવા છતાં માનસિક રોગના દર્દીઓ ઊંઘ બરાબર આવે અને વિચારો ઓછા આવે, મગજ ફ્રેશ રહે તે માટે જે દવા ખાતા હતા તે દવા આ બન્ને ખાતા હતા. જેના બન્ને આદતી બની ગયા હતા. આ દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળે નહીં. આમ છતાં વધુ પૈસા ચૂકવીને પણ બન્ને આ દવા મેળવી લેતા હતા.