મેરાન્યૂઝ નેટવર્ક.વેરાવળઃ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં લાખો કરોડો લોકો દુર દેશથી પણ દર્શન કરવા આવતા હોય છે. અહીં દરીયા કાંઠે આવેલા આ મંદિરના દરિયાનો પણ અદભૂત નજારો છે. આ દરિયાકાંઠે 45 કરોડના ખર્ચે વોક વે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારથી સોમનાથ મંદિરને પ્રયટક સ્થળ તરીકે સરકારે વિકસાવવાનું શરૂ કર્યું ત્યારથી અહીં અલગ અલગ રીતે ભવ્યતા ઉડીને આંખે વળગતી રહી છે. ઉલ્લેખનીય છે કે આવતા સોમવારથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. જેને પગલે વિકાસ કાર્યો લોકો માટે ખુલ્લા મુકાય તેની તૈયારીઓ સરકાર દ્વારા કરી દેવાશે.

હાલમાં જ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત 50 કરોડના ખર્ચે અહીં ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યૂઝિમ તથા અહલ્યાબાઈ મંદિર પરિસરનું ડેવલપમેન્ટ, સવા કિલોમીટર લાંબો વોકવે, પાર્વતીજીનું મંદિર જેવા વિકાસકાર્યો શરૂ થયા છે. અહીં 21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનું પણ નિર્માણ થવાનું છે. જેનો લગભગ શિલાન્યાસ આગામી એકાદ અઠવાડિયામાં કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે આ મંદિરના ટ્ર્સ્ટી પણ છે તેમના હાથે વર્ચ્યૂઅલી કાર્યક્રમ યોજાશે. હાલ મંદિરના શિલાન્યાસથી માંડી અન્ય કાર્યોની પણ તૈયારીઓ આરંભાઈ ગઈ છે.

Advertisement


 

 

 

 

 

આગામી સમયમાં વડાપ્રધાન કાર્યાલયથી તારીખ મળ્યા પછી સત્તાવાર વિગતો અને કાર્યક્રમો નક્કી થશે. ઘણા કાર્યક્રમોના હાલ રિહર્સલ્સ પણ થઈ રહ્યા છે. વોક વે પરથી એક શોભાયાત્રા પણ કાઢવાનું આયોજન થઈ રહ્યું છે જેની તૈયારીઓ શીશુ મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા બેન્ડ સાથે કરાઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સોમનાથ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાયું છે. જે પછી ગૌલોકધામ બનાવવાની તૈયારીઓ ચાલું છે. હવે મંદિર પરીસરમાં જ 21 કરોડના ખર્ચે પાર્વતીજીનું મંદિર પણ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.