મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના 151 ફૂટ ઊંચા ગગનચુંબી શિખર પર લહેરાતી ધ્વજા ભાવિકો આગામી ત્રણેક મહિનામાં સ્વહસ્તે ધ્વજા ચઢાવી શકે તેવી સીસ્ટમ મંદિરમાં લગાવવાનું નક્કી કરાયું હોય તે માટેનો સર્વે પણ થઈ ગયો છે.

આ સીસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચઢાવવા માટે શિવ ભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચઢાવી શકશે. આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ યાંત્રિક સીસ્ટમથી ચઢનારી ધ્વજા શિવભક્તો ખુદ જાતે જ શિખર સુધી ચઢાવી શકશે અને ત્યાંથી શિખર પરથી આગળની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે. આ સીસ્ટમ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ દ્વારા સોમનાથ મંદિરને અર્પણ કરવામાં આવશે. આ સીસ્ટમ સોમનાથ મંદિરમાં લગાવવા માટે સર્વે થઇ ચુક્યો છે અને તેને સંલગ્ન કામગીરી ચાલી રહી છે. આગામી બેથી ત્રણ માસમાં આ નવી સીસ્ટમ કાર્યરત થઈ જવાની આશા છે. હાલ આ પ્રકારની ધજારોહણ સીસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે.

Advertisement


 

 

 

 

 

અત્રે નોંધનીય છે કે, સને. 1951 માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચઢાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યા હતા. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિક સહપરિવાર  ધ્વજપૂજા કરતા અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જાય છે અને આ સમયે ભાવિકો નીચે ઊભી ચઢતી ધજા નિહાળી હર.. હર.. મહાદેવના ગગનભેદી નાદ કરી ધજાને વંદન કરતા હતા પરંતુ હવે ભાવિકો સ્વહસ્તે જ પોતાની ધ્વજા શિખર ઉપર ચઢાવી શકે તેવી સીસ્ટમ કાર્યરત થતા લ્હાવો મળતો થશે.

(સહાભાર અહેવાલ- કમલેશ જુમાણી, ઉના)