પ્રશાંત દયાળ(ભાગ-46): ક્રાઈમ બ્રાન્ચના વાહનો કતારબંધ રવાના થયા, જો કે પોલીસ કાફલો કયાં જઈ રહ્યો છે તેની જાણકારી ઈન્સપેકટર તરૂણ બારોટ અને આસીસ્ટન્ટ પોલીસ કમિશનર એન આર પરમાર સિવાય કોઈને ન્હોતી. તરૂણ બારોટની બાજુમાં બેઠેલો લતીફ એકદમ શાંત હતો, તેના મનમાં ઘણી ઉથલપાથલ હતી પણ ચહેરો ઉપર શુન્યઅવકાશ હતો, તેને પોતાને પણ ખબર ન્હોતી કે તેને કયાં લઈ જાય છે., જો કે મનમાં સતત કંઈક અમંગળ થવાના વિચાર આવી રહ્યા હતા, કાફલો દર દસ પંદર મિનીટ પછી કોઈ પોલીસ સ્ટેશનમાં રોકાતો લતીફને બહાર લાવી પોલીસ સ્ટેશનમાં બેસાડતા અને તરૂણ બારોટ જે તે પોલીસ સ્ટેશનમાં તેની એન્ટ્રી કરાવી આગળ વધતા હતા. કાફલામાં રહેલા પોલીસ કર્મચારીઓને પણ આશ્ચર્ય થતુ હતું કારણ, આ શું થઈ રહ્યું છે, અથવા શું થવાનું છે તેની ખબર પડતી ન્હોતી. રાતના એક વાગ્યો હશે, પોલીસના વાહનો નોબલ ચોકીમાં રોકાયા, ત્યાં પણ લતીફને નીચે ઉતારી નોબલ ચોકીમાં લઈ ગયા, લતીફ પોલીસ ચોકીની બેંચ ઉપર બેઠો, જીપની અંદર ઠંડી લાગતી હોવાને કારણે તેણે શાલ ઓઢી હતી, પણ ચોકીમાં ખાસ્સો ગરમાવો હતો. તેણે ઓઢેલી શાલ કાઢી બેંચ ઉપર મુકી, થોડીવાર પછી ફરી લતીફને જીપમાં બેસી જવાની સુચના મળતા લતીફ પોલીસ સાથે જીપમાં ગોઠવાયો, જો કે ત્યારે તેને યાદ આવ્યું કે તેની શાલ તો બેંચ ઉપર જ રહી ગઈ. 


 

 

 

 

 

તેણે બારીમાંથી બુમ પાડી પોતાના વાહનમાં બેસવા જઈ રહેલા હેડકોન્સટેબલ અખેરાજ ગઢવીને કહ્યું અરે સાબ મેરી શાલ ચોકી મેં રહ ગઈ, અખેરાજ ગઢવી ચોકીમાં પાછા ફર્યા, અને તરત શાલ લઈ પાછા આવ્યા. જીપની બારીમાંથી લતીફને શાલ આપતા કહ્યું રખ લે શાલ, યહી તેરે સાથ આયેગી. આ વાક્ય સાંભળતા લતીફ સ્તબ્ધ થઈ ગયો, તે કઈ બોલ્યો નહીં, ફરી વાહનો આગળ વધ્યા, લતીફે બાજુમાં બેઠેલા તરૂણ બારોટ સામે જોયું, તે શાંત હતા, પણ તેમના મનમાં ઉચાટ હતો. બારોટની નજર ભલે લતીફ તરફ ન્હોતી, પણ તેમને ખ્યાલ આવી ગયો કે લતીફ તેમની સામે જોઈ રહ્યો છે. થોડીક ક્ષણ થઈ હશે અને બારોટે લતીફને પુછ્યું કુછ ખાના હૈ, લતીફે માથુ હલાવી ના પાડી. પણ હવે લતીફના મનમાં એકદમ વિચારોનો વંટોળ શરૂ થયો. થોડીવાર પહેલા હેડ કોન્સટેબલ અખેરાજ ગઢવીએ શાલ આપતી વખતે કહ્યું હતું કે આ શાલ જ તારી સાથે આવશે, અને બારોટ સાહેબ મને જમવાનું પુછી રહ્યા છે, મામલો શું છે.. ખરેખર તેને જે લાગી રહ્યું હતું તેવું જ કંઈક થવા જઈ રહ્યું છે, પણ શું થવાનું છે, તેની તેને ખબર ન્હોતી. તેણે બારોટનો હાથ પકડતા પુછ્યું સાહબ સચ બતાઓ મુજે કહા લે જા રહે તો, મેરા એન્કાઉન્ટર કરને વાલે હો.. વાક્ય સાંભળતા તરૂણ બારોટે લતીફે પકડેલો હાથ જટકી નાંખતા કહ્યું અરે કીસને બોલા.. ઐસા કુછ નહીં.. પણ લતીફ ભાંગી પડયો, તે નાના બાળકની જેમ રડવા લાગ્યો, તેને લાગ્યું કે હવે મોત થોડીક મિનીટો જ દુર છે, તે વારં વારં હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો તમે કહેશો સાહેબ તે કાગળ ઉપર સહી કરી દઈશ, તમે કહેશો તેવું બધુ જ કરીશ પણ સાહેબ મને જવા દો.. પણ તરૂણ બારોટ એકદમ શાંત હતા, તેમને ખબર હતી કે લતીફને સાત્વના આપવાનો કોઈ અર્થ નથી. 

રાતના બે વાગ્યા હશે, ક્રાઈમ બ્રાન્ચનો કાફલો અમદાવાદ એરપોર્ટ પાસે આવેલા કોતરપુર વોટર વર્કસ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ચારે બાજુ ઘોર અંધકાર અને નીરવ શાંતિ હતી, ત્યારે બે રાઉન્ડ ફાયરીંગનો અવાજ થયો, રાતની શાંતિને કારણે દુર દુર સુધી અવાજ સાંભળી શકાય તેમ હતું, પણ નજીકમાં માનવ વસ્તી જ ન્હોતી, એટલે અવાજ કયાંથી આવે છે તેની કોઈને ખબર પડી જ નહીં. અચાનક બધા વાહનો ઊભા રહી ગયા, સૌથી આગળ જેમનું વાહન હતું તેમાંથી એસીપી પરમાર નીચે ઉતરી ચાલતા તરૂણ બારોટની જીપ સુધી આવ્યા. તરૂણ બારોટે પોતાની જીપમાં રહેલા વાયરલેસ સેટ ઉપર પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો આપ્યો કે તેઓ લતીફને કોતરપુર વોટર વર્કસ પાસેથી લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે લતીફે હાજતે જવાની વાત કરી, લતીફને જીપમાંથી નીચે ઉતાર્યો ત્યારે તેણે પોલીસ ઉપર એક સાપ ફેંકી પોલીસને બે ધ્યાન કર્યા, અને તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. સાથે રહેલા એસઆરપી જવાને તેને રોકવા બે રાઉન્ડ ગોળીબાર પણ કર્યો છે. પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો મળતા થોડીક જ ક્ષણમાં તમામ પોલીસ અધિકારીઓના વાહનોને કંટ્રોલરૂમે નાકાબંધી કરવાનો આદેશ આપ્યો,  ખુંખાર લતીફ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો, તેના સંદેશાઓને કારણે વાયરલેસ સેટ સતત ગુંજી રહ્યા હતા, સિટી કંટ્રોલરૂમે સ્ટેટ કંટ્રોલરૂમને પણ લતીફ ફરાર થયો હોવાની જાણકારી આપતા સમગ્ર રાજયની પોલીસને લતીફ માટે નાકાબંધી કરવાનો વાયરલેસ મેસેજ મળી ચુકયો હતો.