મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર-ઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે લોકો આવા ખાડાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર વિરુદ્ધ આક્ષેપો કરતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસનાં કર્મચારીઓએ આવા ખાડાને માટી-પથ્થરોથી પુરીને લોકોને એક નવો રાહ ચીંધ્યો છે. તેઓની આ કામગીરીની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. 

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરનાં આજી જીઆઇડીસી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે મોટા ખાડાઓ પડ્યા હતા. અને અકસ્માતનો ભય હતો. જેને પગલે ટ્રાફિક શાખાના હેડ કોસ્ટેબલ નવીનચંદ્ર પંડિત તથા પોલીસ કોસ્ટેબલ વિક્રમભાઈ આહીરે સ્ટાફના માણસો સાથે મળીને તાત્કાલિક ધોરણે પડેલ ખાડામાં માટી-પથ્થરો નાખી રસ્તો લેવલ કર્યો હતો. ત્યાંથી પસાર થનાર રાહદારીએ તેઓની આ કામગીરીને મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. જેના ફોટોઝ હાલ વાયરલ થયા છે.