મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને પોઝીટીવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.  ત્યારે આજે PGVCLનાં 24 અધિકારી અને કર્મચારી સહિત કોર્પોરેશનનાં 5 કર્મચારીઓ સહિત ડઝનથી વધુ ડોક્ટરોનાં રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. જેને લઈને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિત નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા છેલ્લા એક સપ્તાહથી થયેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉપરાંત રાજકોટમાં શિક્ષણ જગતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ડીડીઓ કચેરીના ઈ.આઈ સહિતના 25 શિક્ષકો કોરોના પોઝિટિવ થયા હોવાનું ચર્ચાઓ ચાલી છે અને અહીં સુધી કે એક શિક્ષકનું મોત પણ થયાની વાત ચાલી હતી પરંતુ શિક્ષક સંઘ રાજકોટના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાએ તેને અફવા હોવાનું કહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ શહેરના વેસ્ટ ઝોનમાં આવેલી મનપાની કચેરી ખાતે તમામ કર્મચારીઓનાં સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા સહિત વર્કશોપના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રકાશ કાસુન્દ્રાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ પણ હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમજ ફાયર સ્ટેશન ઓફિસર અમિત દવે કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મનપાના ડેપ્યુટી કમિશ્નર એ. આર. સિંહનો રિપોર્ટ પહેલા જ પોઝીટીવ આવી ચુક્યો છે. 

બીજીતરફ શહેરમાં PGVCL સિટી સર્કલમાં આવતી કચેરીઓનાં 406 કર્મચારીના ટેસ્ટ કરાયા હતા. જેમાં પણ 24 કર્મચારીઓ પોઝીટીવ આવતા તમામને હોમ આઇસોલેટ કરાયા છે. તેમજ જે કચેરીમાં કેસ સામે આવ્યા તેને સેનેટાઇઝ કરીને સાથી કર્મચારીઓને કવોરંટાઈન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ મહામારીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડોક્ટર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં ટોચના તબીબો ડો. અમીત હપાણી, ડો. સુનીલ શાહ, ડો. પિયુશ દેસાઈ, ડો. નિખિલ ગેરીયા, ડો.હિમાંશુ દેસાઈ, ડો. રૂપા દેસાઈ, ડો. રાજેશ ગણાત્રા, ડો.કાંત જોગાણી, ડો. જયેશ મહેતા, ડો. દિપ્તી મહેતા, ડો. મોટેરીયા, ડો. દીપક મહેતા, તેમજ ડો. કીંજલ ભટ્ટ સહીતના તબીબો કોરોના સંક્રમીત થયા હોવાનું જાણવા મળ્યું છે.