મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: અયોધ્યામાં રામલલ્લા માટે તરફેણમાં જ ચુકાદો આવવા સાથે કેન્દ્રમાં મોદી સરકાર રામમંદિર નિર્માણ માટે વિધેયક લાવશે જ તેવો વિશ્વાસ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જાહેર કરાયું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણના સંકલ્પ માટે ૨૫ નવેમ્બરથી દેશભરમાં યોજવામાં આવી રહેલી વિરાટ ધર્મસભાઓમાં ગુજરાત ખાતે ૨થી ૧૮ ડિસેમ્બર સુધી ૨૬ સંસદીય મતક્ષેત્રોમાં પણ આ ધર્મસભા યોજવામાં આવશે. જેમાં ગાંધીનગર અને હિંમતનગરથી આ ધર્મસભાઓના થનારા શુભારંભમાં કેન્દ્ર સરકારને કાયદો બનાવી રામમંદિર માટેનો માર્ગ મોકળો કરવાનો સંકલ્પ કરવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સંકલ્પ કરવા ૨૫ નવેમ્બરે અયોધ્યામાં ધર્મસભા યોજાઈ હતી.

આ સાથે સમગ્ર દેશના સંસદીય મતક્ષેત્રોમાં યોજાનારી વિરાટ ધર્મસભાઓમાં ૨ ડિસેમ્બરથી ગાંધીનગર અને હિંમતનગરમાં કાર અને બાઈક રેલી સાથે આ ધર્મસભાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવશે. આ ધર્મસભામાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેનાર વીએચપીના ગુજરાત-રાજસ્થાન ક્ષેત્રના સંગઠન મંત્રી ગોપાલજી ભટ્ટે કહ્યું કે, વિએચપી દ્વારા રામમંદિર માટે ૧૯૮૪થી કરવામાં આવી રહેલા આંદોલનમાં ૨૦ કરોડ લોકો જોડવા સાથે હજારો શહીદ થયા છે. સુપ્રીમ કોર્ટમાં રહેલા રામમંદિરના વિવાદમાં રામલલ્લા તરફી જ ચુકાદો આવવાનો હોવાથી કોંગ્રેસ સહીત તેના વિરોધીઓ તેમાં વિલંબ કરી રહ્યા છે.

આજે પત્રકારોના પ્રશ્નોના મારાથી ભીંસમાં મૂકી જતા વીએચપી અને ભાજપના આગેવાનોમાં સોપો પડી ગયો હતો.

આ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ લાખો હિન્દુઓની આસ્થા હોવા છતાં તેને પ્રાથમિકતા નહીં આપતા હવે પાલિકા પર વિશ્વાસ અને ધૈર્ય રહ્યા નથી. આથી સુપ્રીમ કોર્ટનો કોઈપણ નિર્ણય આવે તો પણ કેન્દ્ર સરકાર રામમંદિર નિર્માણ માટે વિધેયક લાવશે જ તેવો વીએચપીને વિશ્વાસ છે.

મંદિર નિર્માણમાં તેમણે સાડા ચાર વર્ષના વિલંબ છતાં નરેન્દ્ર મોદીને જ સાચા રામભક્ત ગણાવતા કહ્યું કે, રાહુલ ગાંધીની જનોઈ અને બ્રાહ્મણ-ગોત્ર તે દેખાડા-બહાના જ છે. તેમણે ચૂંટણી આવતા જ રામમંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોવાના પ્રશ્ન અંગે કહ્યું કે, વીએચપી છેલ્લા ચાર વર્ષથી રામમંદિર નિર્માણ માટે પ્રયાસ કરી રહ્યું છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ડો.પ્રવીણ તોગડિયાને વીએચપીએ કાઢી મુક્યા નથી, પરંતુ તેઓ જાતે જ જતા રહ્યા છે.