જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): ગુજરાતના અનેક પરિવારો અને યુવક-યુવતીઓ વિદેશમાં સ્થાઈ થઇ રમત-ગમત ક્ષેત્ર હોય કે પછી અભ્યાસ દરેક ક્ષેત્ર અગ્રેસર રહી વિશ્વમાં નામ રોશન કરી રહ્યા છે ત્યારે વધુ એક ગુજ્જુ યુવકે ઓસ્ટ્રેલિયા એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતા માદરે વતન જશ્ન જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતને ગૌરવ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટચુકડા પહાડપુર ગામનો વ્રજ પટેલ નામના યુવકની ઓસ્ટ્રેલિયન એસરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં સૌપ્રથમવાર પસંદગી થતા સમગ્ર જિલ્લા સહીત રાજ્ય માટે ગૌરવની વાત છે.

મોડાસા તાલુકાના પહાડપુર ગામના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્સ નટુભાઈ પટેલનો પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા છે અને હાલ ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં માર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાથી વતન પહાડપુર આવતા જતા રહેતા હોવાથી તેમના પુત્ર વ્રજ પટેલને પહેલાથી પાયલોટ બનાવની રુચિ હોવાથી ઉચ્ચ અભ્યાસ કરી ઓસ્ટ્રેલિયામાં પાયલોટ તરીકે નિમણૂંક પામ્યા પછી તેની મહેનત રંગ લાવી હોય તેમ ઓસ્ટ્રેલિયાની ગ્રાઉન્ડ એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલમાં પસંદગી પામ્યા પછી સખત પરિશ્રમ પછી આખરે રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણુંક થતા વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશેની જાણ વતનમાં થતા વ્રજ પટેલના પરિવારજનો અને સમગ્ર ગામમાં જશ્ન જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. વ્રજ પટેલ અને તેના પરિવારને લોકો સોશ્યલ મીડિયા અને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અરવલ્લી જીલ્લાના પનોતા પુત્ર વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સમાં નિમણૂંક થતા તેને પોતાનું નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વ્રજ પટેલ સાથે પારિવારિક સંબન્ધ ધરાવતા અને મોડાસા સર્વોદય સ્કૂલમાં કેમેસ્ટ્રી ટીચર ઉત્તમ પટેલના જણાવ્યા અનુસાર વ્રજ પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવતો યુવાન હોવાની સાથે ખુબ જ મહેનતુ યુવક છે અને આગામી સમયમાં હજુ પણ વધુ સિદ્ધિઓ મેળવી દેશ અને પાટીદાર સમાજનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી.