મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં બેફામ ગતિએ વાહનચાલકો વાહન હંકારતા હોવાથી અન્ય નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે. કુશકીના મિત્રો બાઈક સાથે ટીંટોઈ મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા, ટીંટોઈ નજીક કારે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકો રોડ પર પટકાતા બાઈક પાછળ બેઠેલા ભરત ડાહ્યાભાઈ પરમાર નામના યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જેથી મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં અન્ય બે યુવકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે યુવકના મૃતદેહને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હાલ લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કુશ્કી ગામના ત્રણ યુવકો ડિસ્કવર મોટરસાયકલ પર ટીંટોઈ ગામના મિત્રને ત્યાં શનિવારે રાત્રીના સુમારે વરઘોડામાં હાજરી આપવા નીકળ્યા હતા.

ટીંટોઈ નજીક બાઈકને કારે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બાઈક પર સવાર ત્રણ યુવકો કારની ટક્કરે રોડ પર પટકાતા બાઈક પાછળ બેઠેલો ભરત ડાહ્યાભાઈ પરમાર (ઉં.વર્ષ-૨૨) ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પરિવારજનોએ દોડી આવી ત્રણે યુવકોને ઇકો કારમાં સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફરજ પરના તબીબે ભરત કુમારને મૃત જાહેર કરતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું.

ચંદ્રકાન્ત વીરાભાઇ મકવાણા અને જયપાલ દિનેશભાઇ મકવાણા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલના તબીબોએ સઘન સારવાર આપતા બંને યુવકોની સ્થિર બની હતી. મોડાસા રૂરલ પોલીસે મૃતકના ભાઈ યોગેશભાઈ ડાહ્યાભાઈ પરમારની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર કારચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મિત્રના લગ્નમાં હાજરી આપવા જતા યુવકનું અકસ્માતમાં મોત નિપજતા લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી.