મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગત રવિવારે લીક થયેલ લોકરક્ષક દળની પરીક્ષાના લીક થયેલા પેપર મામલે મુખ્ય સૂત્રોધાર એવા યશયાલસિંહ સોલંકી ઉર્ફે યશપાલ ઠાકોરની પોલીસે મહિસાગર જીલ્લાના વીરપુર નજીકથી અટકાયત કરી લીધી છે અને બપોર સુધીમાં તેની કાયદેસરની ધરપકડ કરાશે. પોલીસ યશપાલને ગાંધીનગર લઇ આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. યશપાલ પેપર લેવા માટે દિલ્હી ગયો હતો અને ત્યાથી ફ્લાઇટમાં વડોદરા આવ્યો હતો. એટલું જ નહીં યશપાલ પોતે પણ આ પરીક્ષા આપવાનો હતો. જેથી આ સમગ્ર પેપર લીકમાં હજુ પણ મોટા માસ્ટર માઇન્ડના ખુલાસા થઇ શકે છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા ગત રવિવારે યોજાવાની હતી અને તેના એક કલાક પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના સામે આવતા પરીક્ષા બોર્ડના અધિકારી વિકાસ સહાયે આ પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષામાં પોણા નવ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી મનહર પટેલ સામે તો ગાંધીનગર એસપી ચાવડાને અરજી કરવામાં આવી હતી કે TATની પરીક્ષાનું પેપર તેણે ફોડ્યુ હતું. જો કે પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી.