મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: વર્ષાયોગ જાગરણનો સંદેશ લઇને આવ્યો છે ત્યારે આ દિવસોમાં જેટલું પુણ્ય એકઠુ કરશો તેટલુ આપના જીવનમાં કામ આવશે તેમ ભારત ગૌરવ, તપસ્વી સમ્રાટ, અંતર્મના મુનિ પ્રસન્નસાગરજી મ.સા.એ ગઇકાલે ભારપૂર્વક જણાવ્યું હતું. 

મુનિ પ્રસન્નસાગરજીએ ગઇકાલે મીઠાખળી પાસે આવેલા સરદાર પટેલ સેવા સમાજના પટાંગણમાં શહેરના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો અને ભાવિકો સમક્ષ નમ્રતાપૂર્વક પુછ્યું હતું કે અમદાવાદ શહેરમાં અમારો ત્યાગી સંઘ ચાતુર્માસ કરી શકીએ. ત્યારે સૌ ભાવિકોએ ભાવવિભોર થઇને મુનિને ભાવથી આવકાર્યા હતા.મુનિનો આ 30મો ચાતુર્માસ છે.મુનિની નિશ્રામાં ભવ્યાતિભવ્ય રીતે વિધિપૂર્વક મંત્રોચ્ચાર સહીત મંગલ કલશની સ્થાપના થઇ હતી.મુખ્ય કલશ સ્થાપન કરવાનું સૌભાગ્ય અભયકુમાર જૈન પરીવારને પ્રાપ્ત થયું હતું.

મંગલ કળશની સ્થાપના બાદ સભામંડપમાં ઉપસ્થિત ગુરુભક્તોને મુનિ પ્રસન્નસાગરજી મહારાજ સાહેબે ચાતુર્માસના પ્રારંભે ભક્તિપાઠ કરાવતા જણાવ્યું હતું કે વર્ષા યોગ જાગરણનો સંદેશ લઇને આવ્યો છે.સંત, સરીતા અને સુરજ ક્યારેય કોઇનાથી બંધાતા નથી.પરંતુ સંત આ ચાર મહિના સમાજથી બંધાય છે.આ ચાતુર્માસ ભીડ એકઠી કરવા માટે કે ભોજન કરાવવા માટે નથી.આ વર્ષા યોગ માનસિક શાંતી માટેનો છે.આ વર્ષા યોગ મનના દ્રેશને – મનના કસાયોને ઓછા કરવાનો પ્રયાસ કરે છે.ચાતુર્માસ દરમાયાન ગુરુ સત્સંગથી - પૂજા અર્ચનાથી સ્વલક્ષી બની શકાય છે.સ્વયંની બહુ નજીક આપણે પહોંચી શકીએ છીએ.

ચાતુર્માસના આ ચાર મહિના દરમ્યાન શું કરવું નહી તેની શીખ આપતા મુનિએ જણાવ્યું કે ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન હોટલમાં ખાવુ નહી, રાત્રી ભોજન બને ત્યાં સુધી કરવું નહીં.ચાર મહિના ક્રોધ – કસાય ના કરતા,દરેકને જય જીનેન્દ્ર કહેજો.ચાર મહિના લસણ – બટાકા અને ડુંગળીનો ઉપયોગ કરશો નહીં.આ દિવસોમાં સત્સંગ – પૂજા – અર્ચનાથી જેટલું પુણ્ય એકઠુ કરશો તેટલુ તમારા જીવનની પ્રગતિમાં કામ આવશે.

સૌમ્યમુર્તિ પિયુષસાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે લેવા માટે જ્ઞાન છે અને ત્યાગ માટે અહંકાર છે. તમે અહંકારને ત્યાગો અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવો.ગુરુ – પરમાત્મા પાસે તમે ગમે ત્યારે જઇ શકો છો.ગુરુની દ્રષ્ટી તમારી ઉપર પડી જાય તો તમારા જીવનમાં પરીવર્તન આવશે.