મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: તાજેતરમાં કરવામાં આવેલી PGVCL હેલ્પર ભરતીમાં કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં અધિકારીઓ દ્વારા મેરીટ સાથે ચેડાં કરી લાગતા-વળગતા ઉમેદવારને ઓર્ડર આપી દીધો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા ધોરાજીના યુવાન સંકેત મકવાણાએ મુખ્યમંત્રીને લોહીથી પત્ર લખ્યો છે. જેમાં થોડા સમય પહેલાની આ ભરતી રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.

સંકેતે પત્રમાં લખ્યું છે કે, PGVCL દ્વારા 25 ફેબ્રુઆરી 2018ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ અધિકારીએ મેરીટમાં ચેડા કર્યા હતા. તેમજ જે ઉમેદવારનો મેરીટ ક્રમાંક 426 હતો. તેને 207 કરી ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો. આ અંગે PGVCL ના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી. છતાં જાડી ચામડીનું આ તંત્ર યોગ્ય જવાબ ન આપતા આજે મારા લોહીથી પત્ર લખી ભરતી રદ્દ કરવાની માંગ કરૂ છું.