પ્રશાંત દયાળ (દીવાલ-ભાગ-8): જેલર કૌશિક પંડ્યા મોટી મહાનતાની વાત મહંમદ સાથે કરી રહ્યા હતા, તેઓ 1993માં વડોદરા જેલમાં હતા ત્યારે ખાલિસ્તાન ફ્રન્ટના ત્રાસવાદીઓને કેવા સીધા કરી નાખ્યા હતા અને સુરતમાં હતા ત્યારે તેમણે મહારાષ્ટ્રની લૂંટ કરનારી ગેંગને કેવી રીતે સુધરવાનો મોકો આપ્યો હતો. મહંમદને જેલર પંડ્યાની આવા કોઈ મહાનકાર્ય સાંભળવામાં રસ ન્હોતો. છતાં સ્થિતિ એવી હતી કે જેલરને મનમાં ઘણા મહિનાઓ પછી તેમની શૌયગાથાઓ સાંભળવા માટે ગ્રાહક મળ્યો હતો અને મહંમદને ખબર હતી કે જેલર પંડ્યા રાજી રહે તો તેના ઘણા કામ સરળ થવાના હતા. મહંમદ દરેક વાતમાં માથુ હલાવી ચહેરા ઉપર આશ્ચર્ય અને ઉદગાર ભાવ લાવી પંડ્યાની વાત સાંભળી રહ્યો હતો. વોર્ડન ક્યારેક મહંમદ સામે તો ક્યારેક પંડ્યા સામે જોઈ રહ્યો હતો. કારણ કે કેદી વોર્ડને તો પંડ્યા સાહેબની આ વાત અગાઉ અઢીસો વખત સાંભળી હતી. જેલરની કેબીન બહાર બેસતા કેદી વોર્ડન ક્યારેક ચર્ચા કરતા હતા કે પંડ્યા સાહેબના ઘરે તેમની પત્ની બોલવાની ના પાડતી હશે જેના કારણે સાહેબ આપણી ઉપર અત્યાચાર કરે છે. મહંમદની નજર પંડ્યાની ચેમ્બરમાં ફરી રહી હતી. પંડ્યાની ખુરશીની પાછળ ગુજરાત જેલ વિભાગનું તાળું અને ચાવીની નિશાનવાળુ ચીહ્ન હતું. જયારે ડાબી તરફ મહાત્મા ગાંધીનો ફોટો હતો, તે ફોટો સદીઓથી સાફ થયો ના હોય તેવી સ્થિતિમાં હતો, તેની ઉપર ઢગલો માટી હતી. જમણી તરફ બે લાલ કલરની લાઈટો ઝબકારા મારી રહી હતી જે લાઈટો દર્શાવી રહી હતી કે જેલની ઉંચી દિવાલો ઉપરથી પસાર થતા વાયરોમાં ઈલેક્ટ્રિક પ્રવાહ ચાલુ છે. જો કોઈ કેદી ભાગવાનો પ્રયાસ કરે અથવા કોઈ કારણસર વીજ પ્રવાહ બંધ થઈ જાય તો તરત આ લાઈટો પણ બંધ જાય. જેલના તમામ અધિકારીઓની ચેમ્બરમાં આવી લાલ લાઈટો ઝબુક્યા કરતી હતી. 


 

 

 

 

 

જેલરની ખુરશીની સામેની દીવાલ પર વિશાળ ટીવીમાં તમામ બેરેક ઉપર નજર રાખવા માટે લગાવવામાં આવેલા સીસીટીવીના દ્રશ્યો બદલાઈ રહ્યા હતા પણ મહંમદે જોયુ તો પંડ્યા સાહેબ એક પણ વખત ટીવી તરફ નજર રાખતા ન્હોતા. કહેવા પુરતા જેલમાં સીસીટીવી ચાલુ હતા પણ સીસીટીવી જોવાની કોઈ જેલ અધિકારીને ફુરસદ ન્હોતી. મહંમદ પંડ્યા સાહેબની વાત સાંભળતા સાંભળતા ક્યારેક ટીવી સામે જોઈ લેતો હતો, તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે કઈ કઈ બેરેક ઉપર અહિંયાથી નજર રાખી શકાય છે. પંડ્યા સાહેબે જ સામે ચાલી મહંમદને બોલાવ્યો હતો પણ હવે તેઓ ભુલી ગયા હતા કે જેના કારણે મુળ વાત કરવાને બદલે બીજી બધી વાતો કરી રહ્યા હતા. વોર્ડન ચાલાક હતો, તે છેલ્લાં પાંચ વર્ષથી પંડ્યા સાહેબની સેવામાં હતો, તે સમજી ગયો કે સાહેબ વાત ભુલી ગયા છે. જો મહંમદ વાત કરશે નહીં તો સાહેબ મુળ વાત ઉપર આવશે નહીં એટલે કેદી વોર્ડને પંડ્યા સાહેબને વિનંતી કરતો હોય તેવા સુરમાં કહ્યુ સાહેબ મહંમદભાઈને પાછો બેરેકમાં મુકી આવુ? કેદી વોર્ડનની વાત સાંભળી મહંમદને આશ્ચર્ય થયુ, તેને કેદી વોર્ડનનો દાવ સમજાયો નહી એટલે તેણે તરત કહ્યુ અરે સાહેબે મને કોઈ કામ માટે બોલાવ્યો હતો. આ સંવાદ સાંભળતા પંડ્યા સાહેબની ટ્યુબલાઈટ ઝબકી, તેમણે તરત પોતાના ટેબલનું ડ્રોઅર ખોલતા કહ્યુ, અરે ભાઈ કામ કેટલું રહે છે, સરકાર પણ જેલની ખાલી જગ્યાઓ ભરતી નથી. મારા પર ત્રણ જેલરનો ચાર્જ છે. ગઈકાલે તે સુપ્રીટેન્ડન્ટ સાહેબને વિનંતી કરી હતી, તેમણે મને બોલાવી કહ્યુ મહંમદ આપણો સારો કેદી છે તેને તમામ મદદ કરવાની છે, તેમ કહેતા પંડ્યાએ કેટલાંક કાગળો કાઢી મહંમદના હાથમાં મુકતા કહ્યુ આ સાહિત્ય વાંચી લેજે અને પછી તમે નક્કી કરજો તમારે શુ કરવાનું છે. મારા તરફથી તમને તમામ મદદની ખાતરી આપુ છું. મહંમદે કાગળો હાથમાં લેતા તેને પોતાના માથે અડાડ્યા. કાગળ તરફ એક નજર કરી જાણે તેને લાગ્યુ કે જેલમાંથી છુટવાનો ઓર્ડર તેના હાથમાં હોય. મહંમદે બે હાથ જોડી પંડ્યાનો આભાર માન્યા,


 

 

 

 

 

પંડ્યા પોતાની ખુરશીમાં ઉભા થઈ ગયા. ખાખી પેન્ટ શર્ટના યુનિફોર્મ અને જેલ વિભાગના કાળા પટ્ટાની વચ્ચેથી પંડ્યાનું મોટુ પેટ શર્ટ ફાડી જાણે બહાર નિકળવા માટે ઉતાવળ કરી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતું. મોટા પેટના કારણે કમર પટ્ટાની ઉપર રહેલુ શર્ટનું બટન ખુલી ગયુ હતું. જેમાંથી સફેદ ગંજી દેખાઈ રહી હતી. પંડ્યાએ મહંમદ પાસે આવી તેના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ મહંમદ કંઈ પણ કામ હોય તો મને કહેજે, વોર્ડન નિકળવાની ઉતાવળમાં હતો. તેણે મહંમદ સામે આંખથી ઈશારો કરી બહાર નિકળવા કહ્યુ મહંમદે ફરી તેમને આભાર માન્યો અને તે ચેમ્બરની બહાર નિકળ્યો. વોર્ડન એસઆરપી જવાન પાસેથી પસાર થઈ આગળ જતા રોકાયો, મહંમદ જવાન પાસે આવતા જવાન ઉભો થયો તેણે મહંમદને પગથી લઈ માથા સુધી તપાસ્યો અને મહંમદ પાસે કંઈ વાંધાજનક વસ્તુ નથી તેની ખાતરી કર્યા બાદ તેને જેલમાં જવાની મંજુરી આપી. વોર્ડને જોયુ કે મહંમદ અને પોતાની વાત કોઈ સાંભળી શકે તેમ નથી ત્યારે તેણે ચાલતા ચાલતા મહંમદ પાસે આવી કહ્યુ પંડ્યા સાહેબ ઉપર ખરેખર આપણે માનવ અધિકારનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી શકીએ. કોઈ કેદીને ફાંસીની સજા આપવી તેના કરતા પંડ્યા સાહેબની ચેમ્બરમાં ચોવીસ કલાક પુરી રાખો તો સાહેબ બોલી બોલી તેને મારી નાખે. વોર્ડનની વાત સાંભળી મહંમદ ખડખડાટ હસી પડ્યો. મહંમદ પોતાની બેરેક તરફ પાછો જઈ રહ્યો હતો, પણ હવે તેની સામે કોણ અને કેવી નજરે જોઈ રહ્યુ છે તેની કોઈ ફિકર ન્હોતી, તે બધા સામે જોઈ રહ્યો હતો પણ ખરેખર તે પોતાના વિચારમાં મશગુલ હતો. વોર્ડન તેની સાથે વાત કરી રહ્યો હતો પણ હવે વોર્ડન તેની સાથે ક્યા વિષય ઉપર શુ વાત કરી રહ્યો છે તેની પણ તેને ખબર ન્હોતી. મહંમદ પાકા રસ્તા ઉપરથી કાચી કેડી તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં પેલી હનુમાનની દેરી પાછી આવી ખબર નહીં પણ દેરી જોતા તેણે માથુ નમાવી દેરીને વંદન કર્યા. દેરીની બહાર બેઠેલા કેદીઓને પણ મહંમદના વ્યવહારનું આશ્ચર્ય થયુ કે મીયાભાઈ દેરીને જોઈ કેમ નમ્યો હતો પણ ખરેખર મહંમદે આવુ કેમ કર્યુ તેની તેને પોતાને પણ ખબર ન્હોતી.

મહંમદ જેવો પોતાના વોર્ડના દરવાજા સુધી આવ્યો તેની સાથે જેલર ઓફિસનો વોર્ડન તેને મુકી પાછો નિકળ્યો. મહંમદને આવતો જોઈ યુનુસ અને યુસુફ દોડતા મહંમદને મળવા માટે ગયા. મહંમદના ચહેરા ઉપર એક અલગ જ ખુશી હતી. તેણે નજીક આવેલા યુનુસ અને યુસુફના હાથમાં જેલરે આપેલા કાગળો મુક્યા, તેમણે કાગળો હાથમાં લીધા પણ તેમને મહંમદની ખુશીનું કારણ સમજાયુ નહીં. મહંમદ હસતો હસતો બેરેકમાં જતો રહ્યો.

(ક્રમશ:)