પ્રશાંત દયાળ (દિવાલ- ભાગઃ23): આખુ અમદાવાદ શહેર મિનીટોમાં બરબાદ થઈ ગયુ હતું, પોલીસને અલગ અલગ સ્થળેથી બોમ્બ ધડાકા થઈ રહ્યા હોવાના સંદેશા મળી રહ્યા હતા, બધુ એક સામટુ જે રીતે થઈ રહ્યું હતું તે રીતે પોલીસ માટે કયા સ્થળ ઉપર પહેલા જવું તેવી એક સમસ્યા હતી. એમ્બુલન્સ પણ ખુટી પડી હતી. જેના કારણે લોકો જે વાહન મળે તેમાં લોહીલુહાણ હાલતમાં ઘવાયેલાઓને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. હોસ્પિટલમાં પણ માહોલ એવો હતો કે ડૉકટર અને નર્સ ઘવાયેલાઓને સારવાર આપવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. અનેક ઘવાયેલા હોસ્પિટલ પહોંચે તે પહેલા તેમણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. અમદાવાદની સિવિલ અને એલજી હોસ્પિટલનું પ્રાગંણ માણસોથી ઉભરાઈ ગયું હતું, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તે દિવસે બપોરની સીફટમાં ડૉ. વિરેન આવ્યા હતા. મુળ ઈડરના ડૉ. વિરેનનું એમબીબીએસ પુરૂ થયુ હતું અને તે બીજે મેડીકલ કોલેજમાં એમડી મેડીસન ભણી રહ્યા હતા. વિરેન તે જ દિવસે ઈડરથી અમદાવાદ આવ્યા હતા. ડૉ. વિરેન ઘરે ગયા ત્યારે તેમના મમ્મીએ તેમના માટે એક છોકરી જોઈ હતી, તેને જોવા પણ ગયા હતા. વિરેનને કેતા પસંદ પડી હતી. કેતા ઈડરની કોલેજમાં ઈગ્લીસની પ્રાધ્યાપક હતી. એક દિવસ કેતા અને  વિરેન  પોળોના જંગલમાં સાથે ફરવા પણ ગયા હતા. જે દિવસે વિરેન અમદાવાદ આવવા નિકળ્યા ત્યારે કેતા ખાસ તેમને મળવા પણ આવી હતી. બપોરે ડયૂટી ઉપર આવેલા ડૉ. વિરેનના મનમાં બસ કેતાના જ વિચારો હતા, સિવિલ હોસ્પિટલ હોવાને કારણે રોજ પ્રમાણે ઈમરજન્સી વોર્ડમાં દર્દીઓનો ધસારો તો હતો, પણ ડૉ. વિરેનને તેની ટેવ હતી, તેના કારણે કઈ વાંધો આવે તેવું ન્હોતુ, પણ સાંજે સાત વાગે જ્યારે પહેલુ પેશન્ટ લઈ એમ્બુલન્સ સિવિલમાં આવી ત્યારે પેશેન્ટની હાલત જોતા બ્લાસ્ટ કેટલો ખતરનાક હશે તેનો અંદાજ આવી ગયો હતો. જો કે પછી તો ડૉ. વિરેન એક ઈજાગ્રસ્તને બચાવવાનો પ્રયત્ન કરે તે પહેલા તો બીજી એમ્બુલન્સ આવીને ઊભી રહેતી હતી. ડૉ. વિરેનનું મગજ બ્હેર મારી ગયુ હતું. ડૉ. વિરેને તરત પોતાના સિનિયર અને હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટને ફોન કરી વધુ સ્ટાફ મોકલી આપવા વિનંતી કરી હતી. સિનિયર ડૉકટરો પણ ઈમરજન્સી વોર્ડમાં આવી ગયા, અનેક દર્દીઓનું ઓપરેશન કરવાની જરૂર હતી. કારણ તેમના શરીરમાં પત્તરા ધુસી ગયા હતા. તો કોઈકના શરીરમાં બોમ્બ સાથે મુકેલા છરા હતા. બ્લડ બેન્કમાં લોહીનો જથ્થો ખુટી પડયો હતો કારણ, મોટા ભાગના ઈજાગ્રસ્તોના શરીરમાંથી ખાસ્સુ લોહી વહી ગયુ હતું, દર્દીઓ સાથે આવેલા લોકોની રોકકળ અને બુમાબુમ માહોલને વધુ ડરામણો બનાવી રહી હતી.


 

 

 

 

 

હોસ્પિટલની બહાર હજી તો પ્રેસ ફોટોગ્રાફર વિવેક આવીને ઊભો જ હતો, તેણે પોતાનું મોટરસાયલ પાર્કિગમાં પાર્ક કરવાને બદલે પાર્કિગથી પચાસ મીટર દુર પાર્ક કર્યું હતું. તેની નજર ચારે તરફ દોડી રહી હતી, ફોટોગ્રાફર વિવેકના તંત્રીને લાગ્યુ કે ઈજાગ્રસ્તો તો હોસ્પિટલ જ પહોંચશે તેથી તેમણે તરત વિવેકને સિવિલ પહોંચી જવાની સૂચના આપી હતી. વિવેકની આંખો કોઈ સારી ફ્રેમ મળે તેનો ઈંતઝાર કરી રહી હતી. ઈમરજન્સી વોર્ડની બહાર રહેલી પોલીસ લોકોને ધક્કા મારી દુર હડસેલવાનો પ્રયત્ન કરી રહી હતી. કારણ આ ભીડને કારણે ફરજ ઉપરના ડૉકટર અને નર્સને તકલીફ પડી રહી હતી, પણ જેમ જેમ બોમ્બ ધડાકાના સમાચાર ફેલાતા ગયા અને ઈજાગ્રસ્તો હોસ્પિટલ આવી રહ્યા હતા, તેના કારણે તેમના સગાઓ દોડીને સિવિલ આવી રહ્યા હતા. સગાઓ પહેલા પોતાના સ્વજન કેમ છે, તે જાણવા માટે ઈમજન્સી વોર્ડમાં જવા માગતા હતા અને પોલીસ તેમને રોકી રહી હતી. વિવેક આ બધો માહોલ જોઈ રહ્યો હતો, તેણે પોતાના ખભા ઉપર લટકી રહેલી કેમેરા બેગમાંથી કેમેરા બહાર કાઢયો, તેનો લેન્સ ચેક કર્યો અને કેમેરાની આઈને પોતાની આંખ પાસે લાવી ફોકસ ચેક કર્યું હતું. બસ હવે તે કલીક કરવાની તૈયારીમાં જ હતો, ત્યારે પાર્કિગમાં પાર્ક એક કારમાંથી પ્રચંડ ધડાકો થયો, ધડાકાનો અવાજ અને તેમાંથી નિકળી પ્રચંડ આગના પ્રકાશે વિવેકની આંખો આંજી નાખી હતી. આગની જવાળાઓ એટલી ઉપર સુધી ગઈ કે કાર એક ઝાડ નીચે પાર્ક હતી, તે ઝાડ પણ આગની જવાળાઓમાં લપેટાઈ ગયું પાર્કિગ પાસે ટોળા વળેલા લોકો અને ઈમરજન્સી વોર્ડની બહાર ઊભા રહેલા લોકો પણ તે આગની જવાળાઓ અને ધડાકાને કારણે બચી શકયા નહીં. આખા શરીરમાં આગ લાગી હોય તેવા માણસો મદદ માટે ચીસો પાડી દોડાદોડી કરી રહ્યા હતા, વિવેક એક સારી ફ્રેમ મળે તેની અપેક્ષામાં ઊભો હતો, પણ તેની આંખ સામે જે દર્શ્ય હતું તે તેણે કયારેય જોયું જ ન્હોતુ, તે થોડીક ક્ષણ માટે ભુલી ગયો કે તે ફોટોગ્રાફર છે, અને ફોટો લેવા માટે આવ્યો છે. તેની આંખ સામે કોઈ ફિલ્મનું દર્શ્ય હોય તેવું તેને લાગી રહ્યું હતું, પણ બીજી જ ક્ષણે તેણે પોતાના મગજ ઉપર છવાયેલા ડરને ખંખેરી એક પછી એક ફોટો કલીક કરવાની શરૂઆત કરી હતી. ચારે તરફ માણસો પડયા હતા. બધા જ લોહીમાં લથબથ હતા. કોણ જીવે છે અને કોણ મરી ગયુ તેની ખબર પડતી ન્હોતી, એક તબ્બકે તો વિવેક પણ ધ્રુજી ગયો તેણે કલીક કરવા માટે જેવો કેમેરા પોતાની આંખ પાસે મુકયો. બીજી જ ક્ષણે તેના શરીરમાંથી અરેરાટી પ્રસરી ગઈ, એક માણસનું ઘડ અને માથુ  કપાઈ દુર પડયુ હતા.


 

 

 

 

 

ઈમજન્સી વોર્ડની બહારથી લોકોને ઉચકી અંદર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એકદમ સ્ટાફ નર્સે રોકકળ કરી મુકી હતી. પહેલા તો વિવેક સહિત ત્યાં હાજર લોકોને સમજાયુ જ નહીં કે નર્સો શું કામ ર઼ડી રહી છે, પણ નર્સ જે તરફ ઈશારો કરી રહી હતી, તે એકદમ ધ્રુજાવી મુકે તેવું હતું. જ્યારે ઈજાગ્રસ્તો હોસ્પિટલ આવી રહ્યા હતા, ત્યારે તે ઈજાગ્રસ્તોને જલદી સારવાર માટે માટે ડૉ. વિરેન ઈમરજન્સી વોર્ડની બહાર જઈ એમ્બુલન્સમાં આવી રહેલા દર્દીને લેવા માટે બહાર નિકળ્યા હતા અને ત્યારે ઈમરજન્સી વોર્ડની બહાર કારમાં મુકવામાં આવેલો બોમ્બ ફાટયો હતો. જેમાં બીજાને બચાવવા નિકળેલા વિરેન પોતાને પણ બચાવી શકયા નહીં, નર્સની રીતસરની ચીસો સાંભળી સિનિયર ડૉકટર પણ બહાર દોડી આવ્યા. તેમણે જોયું તો ફુરચા ઉડી ગયેલી એમ્બુલન્સની પાસે કેટલાંક લોકો લોહીના ખાબોડીયામાં પડયા હતા. તેમાં ડૉ વિરેન પણ હતા. તેમનું સફેદ એપ્રોન પણ લોહીને કારણે આખુ લાલ થઈ ગયું હતું. સિનિયર ડૉકટરો પણ ડૉ. વિરેનને જોઈ ધ્રુજી ગયા પણ તેમણે બીજી જ ક્ષણે વિરેને પોતાના હાથોમાં ઉચકી લીધો, તેમને લોહી નિગળતી હાલતમાં વોર્ડમાં લઈ ગયા, સિનિયર ડૉકટરે વિરેનની પલ્સ તપાસી, તે એકદમ મંદ થઈ ગઈ હતી.

તેમણે નર્સેને રીતસર બુમ પાડી ગ્લુકોઝ બોટલ શરૂ કરવા કહ્યુ, પેલી રડી રહેલી નર્સે ધ્રુજતા હાથે ડૉ. વિરેનના શાંત શરીરમાં કોણી પાસે પંકચર કરી બોટલ શરૂ કરી, તરત સિનિયર ડૉકટરે ઓપરેશન થીયેટરને એલર્ટ કર્યુ બ્લડ બેન્કને પણ લોહી તૈયાર રાખવાની સૂચના આપી, ડૉકટર ફોન ઉપર જ્યારે સૂચના આપી રહ્યા હતા, ત્યારે નર્સે ડૉકટર કહી એવી ચીસ પાડી કે સિનિયર ડૉકટર ફોનની અધુરી વાત છોડી વિરેન પાસે આવ્યા તેનું શરીર પહેલા ખેંચાયું, જાણે તે પોતાના ફેફસામાં શ્વાસ ફરી જીવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ બીજી ક્ષણે ખેંચાયેલુ શરીર શાંત થઈ ગયું. સિનિયર ડૉકટરે પલ્સ ચેક કરી તે બંધ થઈ ચુકી હતી, ત્યારે સિનિયર ડૉકટરનું ધ્યાન ડૉ. વિરેનના નશ્વર થઈ ગયેલા શરીરમાં ડાબા હાથની હથેળી ઉપર ગયુ, ડાબા હાથની હથેળીમાં અંગુઠા નીચે ડૉ. વિરેને પેનથી એક નામ લખ્યુ હતું, કેતા...

(ક્રમશ:)