પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-21): (આઠ વર્ષ પહેલા: સ્ટોરી અહીંથી ફ્લેસબેકમાં જાય છે) અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલી કામેશ્વરની પોળમાં રાધિકા તેના દસ વર્ષના પુત્ર રાજુ સાથે એકલી જ રહેતી હતી. ત્રણ વર્ષ પહેલા રાધિકાનો પતિ કેશવ ફેક્ટરીમાંથી છુટી સ્કૂટર પર ઘરે આવી રહ્યો હતો ત્યારે એએમટીએસ બસનું વ્હીલ તેની ઉપર ફરી વળ્યુ અને તેનું પ્રાણપંખેરૂ ત્યાંજ ઉડી ગયુ હતું. તે દિવસે રાધિકા ખુબ રડી હતી કારણ તેણે ઘરેથી ભાગીને કેશવ સાથે લગ્ન કર્યા હતા. કેશવ બીજી કોમનો હોવાને કારણે રાધિકાના ઘરવાળા લગ્ન કરવા માટે રાજી ન્હોતા. કેશવ જતો રહ્યો હવે કોના સહારે લાંબી જીંદગી નિકળશે તેવા ડરે તેને તોડી નાખી હતી. થોડાક જ દિવસોમાં તેણે પોતાના સાત વર્ષના દિકરા રાજુ સામે જોઈ જીંદગી જીવવાની હિમંત કેળવી લીધી હતી. પિયરમાં પાછુ જઈ શકાય તેમ ન્હોતુ એટલે તેણે તે દિવસે જ હવે આગળની લડાઈ પોતે જ લડશે તેવુ મન બનાવી લીધુ હતું. રાધિકા ભણેલી ન્હોતી, તેના કારણે નોકરી ક્યાં કરવી અને કોણ આપે તેવો તે પણ પ્રશ્ન હતો, પણ રાધિકાએ રસ્તો શોધી કાઢ્યો અને ખાડીયામાં આવેલી દુકાનમાં કચરા-પોતાનું કામ તેણે શોધી લીધુ હતું. હવે તેની જીંદગીનો એક માત્ર સહારો તેનો પુત્ર રાજુ હતો. ત્યારે રાજુ બીજા ધોરણમાં જ ભણતો હતો પણ દુખનું ઓસડ દાહડા, તેમ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ તેમ રાજુ અને રાધિકાની જીંદગી ગોઠવાતી ગઈ. રાજુને મન તેના મમ્મી અને પપ્પા એટલે તેની મમ્મી જ હતી. રાધિકા પોતાના દિકરાને તમામ લાડકોડ પોતાની હેસીયત પ્રમાણે પુરા કરતી હતી. રાજુ પાંચમાં ધોરણમાં આવ્યો હતો, તેણે જોયુ કે રાજુ એક દિવસ તેની ઉમંરના છોકરાઓની સાયકલ પાછળ દોડી રહ્યો હતો. રાજુને સાયકલનો શોખ હતો પણ તેની પાસે સાયકલ ન્હોતી. રાધિકાએ બીજા જ દિવસે જે દુકાનમાં કામ કરતી હતી ત્યાંથી ઉપાડ લઈ રાજુને સાયકલ લઈ આપી હતી. રાજુ સ્કૂલેથી આવ્યો ત્યારે પોતાના ઘરની આગળ નવી સાયકલ જોઈ, તે આશ્ચર્ય સાથે ઘરમાં આવ્યો હતો. જ્યારે રાધિકાએ તેના હાથમાં નવી સાયકલની ચાવી મુકી ત્યારે આનંદથી ઝુમી ઉઠ્યો હતો. બસ પછી તો તે સ્કૂલે જતા પહેલા અને સ્કૂલેથી આવી માત્ર સાયકલ જ ચલાવતો હતો. તે સાયકલ લઈ સ્કૂલે જવા માગતો હતો પણ તે નાનો હતો અને કેશવનું જે રીતે રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ હતું તેના કારણે રાજુ સાયકલ લઈ રસ્તા ઉપર જવાની વાત કરતો ત્યારે રાધિકા ફફડી જતી હતી. તે રાજુને સમજાવતી કે બેટા મોટો થાય પછી સાયકલ લઈ નિકળજે અને તે માની જતો હતો.


 

 

 

 

 

રાજુની સ્કૂલમાંથી પ્રવાસ વડોદરા કમાટીબાગમાં જવાનો હતો. જ્યારે રાધિકાએ સ્કૂલમાં જઈ રાજુની પ્રવાસ ફી ભરી તે દિવસથી રાજુ વડોદરા જઈ શું કરશે તેની વાતો તેના મિત્રો અને પોતાની મમ્મીને કહ્યા કરતો હતો, તે ખુબ ખુશ હતો. પ્રવાસની આગલી સાંજે તે ઘરે આવ્યો અને તેણે પોતાની મમ્મીને કહ્યુ મમ્મી બસમાં લઈ જવા માટે મને નાસ્તો આપજે, રાધિકાએ તેને હા પાડી અને કહ્યુ હા મે તારા નાસ્તા માટે સક્કરપારા બનાવ્યો છે. તે સાંભળી તેણે કહ્યુ ના મમ્મી મારે વેફર લઈ જવી છે. રાધિકાએ તેને સમજાવ્યો કે વેફરથી પેટ ભરાશે નહીં, પણ તે વેફર લાવવાની જીદ કરતો રહ્યો એટલે રાધિકાએ તેને વીસ રૂપિયાની નોટ આપી કહ્યુ જા વેફર લઈ આવ, તે રાજી થઈ ગયો અને મમ્મી પાસેથી વીસ રૂપિયા લઈ પોળની બહાર દુકાન ઉપર વેફર લેવા સાયકલ લઈ નિકળ્યો. રાજુ આસપાસની દુકાનવાળાનો લાડકો હતો, કારણ તે બહુ મીઠુ બોલતો, તેણે દુકાનની બહાર સાયકલ મુકી અને વેફરનું પેકેટ લીધુ, તે પોતાની સાયકલ પાસે ગયો ત્યારે તેની સાયકલની બાજુમાં સ્ટેન્ડ કરેલી સાયકલ ઉપર મુકેલી થેલીમાં પ્રચંડ ધડાકો થયો. અવાજ એટલો પ્રચંડ હતો કે ક્ષણવાર માટે બધાની આંખો બંધ થઈ ગઈ હતી, જેવો ધુમાડો શાંત થયો ત્યારે ચારે તરફ લોહીલુહાણ માણસો પડ્યા હતા, જેમાં એક રાજુ પણ હતો. ખરેખર શુ થયુ છે તેની કોઈને ખબર પડતી ન્હોતી પણ ચારે તરફ દોડધામ થઈ ગઈ હતી. પોતાના રસોડામાં કામ કરી રહેલી રાધિકાના કાન ઉપર પણ ધડાકાનો અવાજ આવ્યો, પણ તેને લાગ્યુ કે ઘણીવાર લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડે છે તેવુ કંઈક થયુ હશે, પણ એક માણસો દોડતો અને હાંફતો કામેશ્વરની પોળમાં દાખલ થયો. તે સીધો રાધિકાના દરવાજામાં આવ્યો, તેણે બુમ પાડી રાધિકાને કહ્યુ જલદી ચાલો, રાજુ ત્યાં પડ્યો, બોમ્બ ફાટ્યો છે.


 

 

 

 

 

રાધિકાના હાથમાં રહેલી તપેલી પડી ગઈ, તે એકદમ હાંફળી ફાંફળી દોડી, તેણે પોળની બહાર આવી જોયુ તો લોકો પાગલની જેમ ડરીને ભાગી રહ્યા હતા, તે પણ પાગલની જેમ દોડતી આંખમાં આંસુ સાથે દુકાને પહોંચી ત્યારે તેણે જોયુ તો તે ભાંગી પડી હતી. અનેક માણસો લોહીલુહાણ હતા અને રાજુ તેની નવી સાયકલની બાજુમાં પડ્યો હતો, તે પણ લોહીમાં લથબથ હતો, તેનો ચહેરો કાળો પડી ગયો, તે રાજુ પાસે ગઈ તેણે રાજુનો ચહેરો પોતાના ખોળામાં લીધો અને મોટે મોટેથી રાજુ રાજુ કંઈક તો બોલ કહેવા લાગી, તેના આક્રંદે વાતાવરણ ગમમીન બનાવી દીધુ પણ ત્યારે તેની મદદ કરી શકે તેવુ ત્યાં કોઈ ન્હોતુ, પણ એટલી જ વારમાં ત્યાં પોલીસના વાહનો પહોંચ્યા. સ્થળ ઉપર આવેલા પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર ત્યાં જે લોકો પડ્યા હતા તેમને પોલીસના વાહનોમાં જ વીએસ હોસ્પિટલ મોકલી આપવાની શરૂઆત કરી હતી. પોલીસના વાહનો ઘાયલોને લઈ વીએસ હોસ્પિટલ જઈ રહ્યા હતા પણ પોલીસના વાહનમાં રહેલા વાયરલેસ સેટ સતત એકબીજા પોલીસ સ્ટેશનને એલર્ટનો મેસેજ આપી રહ્યા હતા. અમદાવાદના મણિનગર, ઈસનપુર, કાલુપુર, શાહપુર, ગોમતીપુર, રખીયાલ અને બાપુનગર જેવા વિસ્તારમાં પણ સાયકલ બોમ્બ ફુટવાની શરૂઆત થઈ હતી. પોલીસના વાહનો દોડી રહ્યા હતા અને એમ્બ્યુલન્સની ચીચીયારીઓ સંભળાઈ રહી હતી પણ પોલીસને પણ સમજ પડતી ન્હોતી ક્યાં મદદ કરવી અને કેવી રીતે કરવી? કોણે અને શુ કામ બોમ્બ ફોડ્યા તે પ્રશ્નોનો ઉત્તર તો શોધવાનો હતો, પણ શહેર જાણે સ્તબ્ધ અને સ્થિર થઈ ગયુ હતું. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુંબઈ જતી ટ્રેન નિકળી રહી હતી, જેમાં થર્ડ એસીમાં છ યુવાનો પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર હતા ત્યારે ત્યાં મુકવામાં આવેલા ટીવી સેટ સામે વાંર-વાંર જોઈ રહ્યા હતા, તેમના ચહેરા એકદમ ગંભીર હતા અને તેઓ એકબીજા સાથે પણ વાત કરતા ન્હોતા. ટ્રેન આવી ગઈ, તેઓ ટ્રેનમાં ગોઠવાઈ ગયા ત્યારે ટેલીવીઝન સેટ ઉપર બ્રેકિંગ ન્યુઝ આવ્યા, અમદાવાદના સંખ્યાબંધ વિસ્તારમાં બોમ્બ ધડાકા થયા.

(ક્રમશ:)

ભાગ-20ઃ ‘જજ આપકે સાબ હોંગે હમારે નહીં, હમે ઉઠના ચાહિયે એસા કૌનસે કાનુન મેં લીખા હૈ’