મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત સમીટને માટે માત્ર ૧૫ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ પર ટીકા કરતા કહ્યું છે કે નારાજ રોકાણકારો હવે ભાગીદારમાંથી ભાગી રહ્યા છે. રાહુલ ગાંધીની આ વાઈબ્રન્ટ ટીકાનો સખત શબ્દોમાં જવાબ આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને શરમવિહોણાં ગપ્પીદાસ ગણાવી કહ્યું કે, કોઈપણ ભોગે ગુજરાત નિષ્ફળ જાય તેવી રાહુલ ગાંધીની ધૃણા ખુલ્લી પડી ગઈ છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધતા ટવીટ કર્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯માં નારાજ સ્પોન્સર્સ ભાગી રહ્યા છે. મોદીને પોતાની આજુબાજુ ખાલી ખુરશીઓ જ ગમતી હોવાથી હવે વાઇબ્રન્ટમાં સ્ટેજ પર કોઈ જ રહ્યું નથી. રાહુલ ગાંધીએ મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સંતોષકારક કોમર્શીયલ પરિણામો નહિ મળતા યુકે હતી ગયું.. આ અગાઉ અમેરિકા પણ ઇનકાર કરી ચુક્યું છે. આમ વાઈબ્રન્ટની સાથે નરેન્દ્ર મોદીના વળતા પાણી શરૂ થઇ ગયા છે.

રાહુલ ગાંધીની આ વાઈબ્રન્ટ ટીપ્પણી સામે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આકરી ટીકા કરતા રાહુલ ગાંધીને શરમવિહોણાં ગપ્પીદાસ ગણાવ્યા છે. રુપાણીએ કહ્યું કે, કોઈપણ ભોગે ગુજરાત નિષ્ફળ જાય તેવી રાહુલ ગાંધીની ધૃણા ખુલ્લી પડી ગઈ છે. તેના કારણે જ ગુજરાતીઓ કોંગ્રેસને સતત જાકારો આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, વાઈબ્રન્ટ-૨૦૧૭માં ભાગીદાર રહેલા ૧૦ રાષ્ટ્રોની સામે આ વખતે ૧૬ રાષ્ટ્રો ભાગ લેવાનાં છે. ગુજરાતની ખોદણી સાથે બદનામી કરવા માંગતા કોંગ્રેસ પ્રમુખ જુઠ્ઠનું મશીન ચલાવવાનું ચાલુ જ રાખશે એમ સીએમે ઉમેર્યું છે. જયારે રાહુલ ગાંધીની ટવીટ સામે ધુઆપુઆ થતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતના કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીને ખોટી માહિતી આપી છે. આથી રાહુલે ગુજરાતનું અપમાન કર્યું હોવાથી જનતાની માફી મંગાવી જોઈએ.