મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કોરોના કાળમાં ગુજરાતમાં ટોળા ભેગા કરવા નિકળેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને અગાઉ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ખોડલધામ ખાતે રજત તુલા કરવામાં આવી હતી. ઉપરાંત પાટીદાર સમાજના ઉમિયાધામ ખાતે પણ તેમની રજત તુલા કરવામાં આવી હતી. હવે તેઓ જ્યારે ઉત્તર ગુજરાતમાં પ્રવાસ પર છે ત્યારે તેમની રબારી સમાજ દ્વારા રજત તુલા કરવામાં આવી છે. ગુજરાતમાં તેમના આ પ્રવાસ દરમિયાન કુલ 275 કિલોથી વધુ ચાંદીથી તેમને તોલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે જ્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સહિતના નિયમોની કડકાઈથી અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખની આ રેલીમાં તંત્રએ આંખો અને કાન બંધ કરી લીધા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને લેઉઆ પાટીદાર સમાજના જાણિતા મંદિર ખોડલધામ ખાતે 100 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. જે પછી મહેસાણા ખાતે પણ કડવા પાટીદાર સમાજના જાણિતા મંદિર ઊંઝા ઉમિયામાતાના મંદિર ખાતે 75 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા અને હવે ઉત્તર ગુજરાતના સમસ્ત રબારી સમાજ દ્વારા વાળીનાથ મંદિર ખાતે ચંદ્રકાંત પાટીલને 101 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા.