મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: વિશ્વ મહામારી કોરોના પોતાના મૂળ મજબૂત કરી રહી હોય તેમ હજારો લોકોના જીવ લઈ લીધા છે. ત્યારે દુબઈથી આવેલા સાઠંબાના એક વ્યક્તિને કોરોનાની શંકાને લઈને વાત્રક ખાતેની જનરલ હોસ્પિટલમાં આઈસોલેટ કરાવની વધુ તપાસ અર્થે સેમ્પલ આગળ મોકલવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા વાઈરસના અટકાયતી પગલાં તેમજ તકેદારીના ભાગ રૂપે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. બાયડ, ધનસુરા, મો઼ડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને શામળાજી બસ સ્ટેન્ડ ઉપર બહારથી આવતા પેસેન્જરોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. લોકોમાં ભય ન ફેલાય તેમજ જન જાગૃતિ આવે તે હેતુથી સઘન આઈ.ઈ.સી. કરવામાં આવેલ છે. તેમજ તાલુકા અને જિલ્લાકક્ષાના તમામ મેડીકલ ઓફિસર્સને તાલીમ આપવામાં આવી છે.

જિલ્લાના વહીવટી તંત્રએ મહામારીની ગંભીરતા જોતાં તાત્કાલીક અસરથી ૧૪૪ની કલમ લાગુ કરીને અરવલ્લી જિલ્લાના તમામ જાહેર સ્થળો ઉપર કોઈપણ પ્રકારના સભા સરઘસ કે મેળાવળા ઉપરથી તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે. મોલ, મલ્ટીપ્લેક્સ અને મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો અને કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકીને જિલ્લા વહીવટીતંત્રએ આ મહામારી ઉપર કાબુ મેળવવાની દિશામાં પગલા હાથ ધર્યા છે.

નોવેલ કોરોના વાઈરસની માહિતી
1)વિદેશથી આવેલા કુલ પેસેન્જરની સંખ્યા – ૧૩૮
2)હોમ કોરોન્ટાઈન – ૧૦૩
3) હોસ્પિટલાઈઝ્ડ– ૧૧
4)૧૪ દિવસ ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ વિદેશી પેસેન્જરની સંખ્યા – ૨૪
5) કોરોના પોઝીટીવ – ૦

મોડાસા હાઈ રીસ્ક ઉપર, વ્યવસ્થા તંત્ર સજાક રહે તે જરૂરી

મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું જ નહીં પરંતુ રાજસ્થાનના ડુંગરપુર, બાંસવાડા, સીમલવાડા, ભીલવાડા સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ મોડાસા ખાતે સારવાર લેવા માટે આવે છે. આ ઉપરાંત રોજ બરોજના કામો માટે પણ રાજસ્થાનથી ખૂબ મોટી સંખ્યામાં લોકો મોડાસા રોજ અવર જવર કરતા હોય છે. મોડાસા શિક્ષણ અને આરોગ્યનું ખૂબ મોટું કેન્દ્ર હોવાથી મોડાસામાં આંતરરાજ્ય લોકોનો ધસારો વધારે રહે છે. હવે જ્યારે કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે અને દેશ-દુનિયા લોકડાઉન કે સેલ્ફ કોરોન્ટાઈન મોડમાં જઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ અને મોડાસામાં તબીબોએ સાવચેતી રાખી આવતા તમામ લોકોની સઘન તપાસ થાય અને શંકાસ્પદ કેસો તુરંત સરકારી દવાખાનામાં રીફર કરાય તે જોવું જરૂરી છે.