મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ભાજપના નેતા કાંતી ગામીતે પોતાની પૌત્રીના લગ્નમાં બોલાવેલા હજારો લોકોનો મુદ્દો સમાચાર માધ્યમાં આવતા ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યકત કરતા સવાલ પુછયો હતો કે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઈ રહ્યા હતા ત્યારે તાપીના એસપી અને સ્થાનિક પોલીસ શુ કરી રહી હતી, ગુજરાત હાઈકોર્ટમાં કોરોનોના મુદ્દે ચાલી રહેલી સુઓમોટો અરજીની સુનવણી દરમિયાન હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈ નારાજગી વ્યકત કરી હતી

પુર્વ મંત્રી અને ભાજપના નેતા કાંતી ગામીની પૌત્રીના  લગ્ન હતા જેમાં છ હજાર લોકો એકત્રીત થયા હતા અને ડીજીના તાલ ઉપર નાચ્યા  પણ હતા, ગુજરાત સરકારના આદેશ અનુસાર લગ્નમાં 100 વ્યકિતઓને હાજર રહેવાની પરવાનગી છે , સામાન્ય માણસને આ મંજુરી લેવા  માટે પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે, પરંતુ ભાજપના નેતાઓ તમામ નિયમોની અને કોરોનાની અવગણના કરી હજારોની ભીડ લગ્નમાં એકત્ર કરી હતી, આ મુદ્દે સોશીયલ મિડીયા અને માધ્યમો આવતા ગુજરાત  હાઈકોર્ટે આ મુદ્દે નારાજગી વ્યકત કરી સરકારે શુ પગલાં લીધા તેની જાણકારી માંગી હતી.

કોરોનાના કહેર વચ્ચે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પણ ભાજપના તમામ કાર્યક્રમો રદ કરવાનો આદેશ આપ્યો છે આમ છતાં ભાજપના જ નેતાઓ આ આદેશની અવગણના કરી જાહેર કાર્યક્રમ કરી રહ્યા છે.