મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં ચોરી અને લૂંટના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. ત્યારે કરણપરા વિસ્તારના ચબૂતરા નજીકથી અંદાજે 20 કિલો ચાંદી સહિત દોઢ તોલા સોનાના દાગીના ભરેલા થેલાની દિલધડક લૂંટ થયાની ઘટના સામે આવી છે. ત્રણ અજાણ્યા બાઈકસવારો ફિલ્મી ઢબે જામનગરના સોની વેપારી પાસેથી સોના-ચાંદી ભરેલો આ થેલો લઈને નાસી છૂટ્યા હતા. સોની બજાર નજીક બનેલી ઘટનાથી વેપારીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

જામનગરમાં રિધ્ધિ સિધ્ધિ નામની સોનાચાંદીના ઘરેણાંની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ વજાણી રાજકોટ આવ્યા હતા. અંદાજે 20 કિલો ચાંદી અને દોઢ તોલા સોનાના દાગીના ભરેલો થેલો લઈને તેઓ જામનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કરણપરાના ચબૂતરા ચોકમાં પોતાના મિત્ર રમેશભાઈ સાથે ઊભા હતા. ત્યારે અચાનક એક શખ્સ ચાલીને આવ્યો હતો અને મહેશભાઈના હાથમાં રહેલી ચાંદી અને રોકડ ભરેલો થેલો લૂંટીને નાસી છૂટ્યો હતો. થોડે દૂર બાઈક લઈને તૈયાર રહેલા અન્ય બે શખ્સો સાથે આ શખ્સ નાસી છૂટ્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રિપલ સવારી બાઈકમાંથી બે લોકો ઉતરે છે. થોડી જ વારમાં આ પૈકી એક શખ્સ થેલો ઝુંટવીને નાસી છૂટે છે. અને ભોગ બનનાર વેપારી ત્યાં પહોંચે તે પહેલાં જ બંને ફરીથી બાઈકમાં બેસી જાય છે. ત્યારબાદ તરત જ ચાલક બાઈક ભગાવે છે અને આ એક જ બાઈક પર ત્રણેય નાસી છૂટે છે. ઘટનાની જાણ થતાં SOG , ક્રાઈમ બ્રાન્ચ, તેમજ સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.