મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ લોકોને થતી બિમારીઓ, પીડાઓ, હેરાનગતીઓ ઘણા લોકો માટે ધંધો છે, લોકોની જીંદગી બચાવવાના નામે જ્યારે કાળો કારોબાર થવા લાગે ત્યારે જીવ બચાવનારી દવાઓ જ જોખમી સાબીત થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આપ પણ ઘણીવાર વિવિધ શહેર જિલ્લાના સરકારી દવાખાનામાં ગયા હશો અને ત્યાં દર્દીઓની હાલત પણ જોઈ હશે. ઘણા સ્થાનો પર એટલા પ્રામાણીક પણે કામ થાય છે કે તેની સામે ખાનગી દવાખાનાઓની સારવાર પણ કાંઈ ન કહેવાય તો ઘણા જગ્યાએ એવા ધંધા માંડ્યા છે કે માણસની જીંદગીની જાણે કોઈ કિંમત જ નથી, ગરીબને જાણે જીવવાનો હક્ક જ નથી, ગરીબ છે એટલે ગમે તેમ દોડાવવાના-સારવાર કરવાની સારવારમાં ધ્યાન આપ્યા વગર કામ કરવાનું વગેરે વગેરેથી લોકો જે તકલીફોમાં પડે છે તે પણ આપે જોયું હશે. આવું જ કાંઈક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બન્યું છે.

અહીં સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે દવાઓની ચાલતી યોજનામાં સુરતની સરકારી હોસ્પિટલ્સ દ્વારા ૫ લાખ જેટલા દર્દીઓને એવી દવાઓ આપી દેવાઈ છે જેના સેમ્પલ જ ફેઈલ નિકળ્યા છે. અહીં સુધી કે તંત્રએ દવાઓના રિપોર્ટની રાહ પણ ન જોઈ અને ધમધોકાટ દર્દીઓને દવાઓ આપી રાખી. એમ કહીએ કે ૫ લાખ લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે.

૮ પ્રકારની દવાઓ એવી છે જે દવાઓ સાવ બિનઅસરકારક છે એટલે કે તે દવાઓમાં એ કન્ટેન્ટ જ નથી કે જે બિમારીને દૂર કરવામાં અસર કરી શકે. બ્લડ પ્રેશર, મેલેરિયા, યુરિનને લગતી, ઘા ભરાવા, ડાયેરિયા, એસિડીટી જેવી ઘણા રોગોની દવાઓ હતી. આ દવાઓનો રિપોર્ટ તો આવ્યો છે પરંતુ એ રિપોર્ટ આવ્યો તે પહેલા જ પાંચ લાખ જેટલા દર્દીઓને તે દવાઓ આપી દેવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે કંપનીઓ દવાઓથી અઢળક નફો કમાય છે જોકે સરકાર પણ તેની પાછળ ખર્ચા કરે જ છે, પરંતુ બિનઅસરકારક દવાઓ લોકોને આપી દે તેની પાછળ કોઈ મોટું કૌભાંડ હોય તેવું નજરે ચઢી રહ્યું છે. હવે આ ૫ લાખ લોકોની તબીયતને કોઈ જોખમ થયું તો તેની જવાબદારી કોની.