મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ દંગલ ગર્લ ઝાયરા વીસીમે ઘણી ઓછી ઉંમરમાં જ પોતાની દમદાર એક્ટીંગથી બોલીવુડમાં પોતાની અલગ છાપ બનાવી દીધી છે. હવે તે સોનાલી બોસની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકમાં પર્દા પર નજરે પડશે. જોકે, હવે તેની એક પોસ્ટે ફેન્સ વચ્ચે હંગામો ઊભો કરી દીધો છે. ઝાયરા વસીમે સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે એક્ટીંગ છોડી દેવાનું એલાન કર્યું છે.

ઝાયરાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 5 વર્ષ પહેલાં મે બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી મારી જિંદગી સંપૂર્ણ બદલાઇ ગઇ. પાંચ વર્ષની મારી બોલિવૂડ યાત્રા ઘણી જ થકવી નાખનારી રહીં. હું મારા અંતરાત્મા સાથે લડતી રહી. હું મારા નાનકડાં જીવનમાં આટલી મોટી લડાઇ નથી લડી શકતી. તેથી બોલિવૂડથી મારા સંબંધો હમેશાં માટે તોડી રહી છે. ઝાયરા આગળ લખે છે કે, મે ઘણું સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. હું ભલે અહીં ફિટ થઈ રહી હોઉં પણ હું અહીંની નથી મને મારા ઈમાનથી દૂર કરી રહ્યું છે.

તેણે સોશ્યલ મીડિયા પર 6 પાનાની ચિઠ્ઠી લખી છે, જેમાં તેણે કુરાનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેનું કહેવું છે કે આ રસ્તો તેને અલ્લાહથી દૂર કરી રહ્યો છે. જોકે સોશ્યલ મીડિયા પર ફેન્સ વચ્ચે પણ આ જ ચર્ચા છે કે ઝાયરાએ આ પોસ્ટ કોઈ દબાણ વસ લખી હોઈ શકે છે, સોશ્યલ મીડિયા પર કોઈ તેના આ નિર્ણયનું સમર્થન કરે છે તો કોઈ વિરોધ.

ફિલ્મ દંગલ માટે નેશનલ એવોર્ડ જીતનારી ઝાયરા વસીમનું આ નિવેદન અને પગલું ખરેખરમાં આશ્ચર્ય પમાડે તેવું છે. ફિલ્મમાં તે પહેલવાન ગીતા ફોગાટનો બાળપણનો રોલ કરી રહી હતી. નાની ઉંમરમાં તેણે મોટી સફળતા મેળવી હતી. બોલિવૂડમાં મોટા મોટા ફિલ્મ મેકર્સની નજર તેની ઉપર હતી. દંગલ બાદ 2017માં ઝાયરા વસીમ અને આમિર ખાને 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મ પણ કરી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક એવોર્ડ મળ્યો હતો. ઝાયરા ટૂંક સમયમાં 'સ્કાય ઇઝ પિંક'માં નજર આવશે. આ ફિલ્મની શૂટિંગ પૂર્ણ થઇ ગઇ છે. આ ફિલ્મમાં તે પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સાથે સ્ક્રિન શેર કરશે.