મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના લીમડા ચોકમાં આવેલી હોટલમાં એક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે પ્ર.નગર પોલીસે દોડી જઈ તપાસ કરતા મૃતક નવાગામમાં રહેતો અને બે દિવસ પહેલા લાપત્તા થયો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે જાણ કરતા પરિવારજનોએ દોડી આવી મૃતદેહની ઓળખ કર્યા બાદ હોટલના સંચાલક સામે આક્ષેપ કર્યો હતો. પોલીસે મૃતક યુવાન પાસેથી સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. જેમાં તેણે શાંતિથી મરવા દેજો, કોઈને હેરાન કરશો નહી તેવી તેની છેલ્લી ઈચ્છા હોવાનું લખ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં રહેતા 23 વર્ષ નો કેતન ધીરજલાલ જોબનપુત્રા લોહાણા યુવાને લીમડા ચોક પાસે આવેલ હોટલ સિલ્વર સેન્ડના રૂમ નં.305માં ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પ્રાથમીક તપાસમાં મૃતક યુવાન કેતન બે ભાઈ બે બેનમાં નાનો હતો અને અપરિણીત હતો. તેમજ તેના ભાઈ સાથે પુસ્તક વેચવાનો ધંધો કરતો હોય હાલમાં બાલભવન ખાતે ચાલી રહેલા બુક ફેરમાં સ્ટોલ કર્યો હતો. 

ગુરૂવારે સ્ટોલે જવાનું કહી ભેદી સંજોગોમાં લાપત્તા થઈ જતાં પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ બી-ડીવીઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવી હતી. દરમિયાન તેનું મોબાઈલ લોકેશન લીમડા ચોકમાં હોવાનું જાણવા મળતા પરિવારજનોએ લીમડા ચોકની તમામ હોટલોમાં જઈ ચેતનનો ફોટો બતાવી તપાસ કરી હતી. પરંતુ કંઈ મળ્યું ન હતું. જે હોટલમાંથી લાશ મળી તે હોટલમાં તપાસ કરવા છતાં હોટલ સંચાલકોએ ના પાડી હોઇ પરિવારે તેની સામે આક્ષેપ કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ અપરિણીત કેતન પુસ્તકાલયમાં કામ કરતી એક યુવતીને પ્રેમ કરતો હતો. તેમજ અન્ય એક યુવતી પણ કેતનને પ્રેમ કરતી હતી. પણ પરિવારજનોએ બન્ને યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી તેની જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા તે ગમગીન રહેવા લાગ્યો હતો. જેને લઈને કેતને આ પગલું ભર્યાની આશંકાએ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.