મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા સિંધરોટ ચેકડેમ પર મોતનો સીલસીલો હજી યથાવત છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે. ચેકડેમ ઉપર દર વર્ષે સરેરાશ 4થી 5 મોત થાય છે, તેમ છતાં ત્યાં સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. તેવામાં આજે શહેરના વધુ એક યુવાનનો સિંધરોટ ચેકડેમ પર ભોગ લેવાયો છે. જ્યારે અન્ય ત્રણ યુવકોને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલા બારોટ મહોલ્લામાં રહેતો રાહુલ બારોટ નામનો યુવક આજે બપોરે કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની મજા લેવા માટે તેના ત્રણ મિત્રો સાથે સિંધરોટ ચેકડેમ ઉપર ગયો હતો. ચારે મિત્રો ચેકડેમ પર પહોંચ્યા બાદ નાહવા માટે પાણીમાં પડ્યા હતા. જોકે તેઓ ડુબકી લગાવી એક વખત બહાર પણ આવી ગયા હતા, પરંતુ રાહુલને પોતાના મોબાઇલ ફોનમાં સેલ્ફી લેવાનું મન થતા તે અન્ય ત્રણ મિત્રો સાથે ફરી ચેકડેમ પર ગયો હતો. જ્યાં ચેકડેમ ઉપર સેલ્ફી લેતા અચાનક રાહુલનો પગ લપસ્યો હતો. જેથી ચારે મિત્રો પાણીમાં ડુબ્યા હતા. સ્થળ પર હાજર ગ્રામજનોએ યુવકોની ચિચિયારીઓ સાંભળી તેમને બચાવવા માટે દોડ્યા હતા. જેમાં ગ્રામજનોને ત્રણ યુવકોને બચાવવામાં સફળતા મળી હતી, પરંતુ તેઓ રાહુલને બચાવી ન શક્યા, જેથી તેનું મોત નિપજ્યું હતું.

ટુંક સમય પહેલા જ રાહુલની માતાની માતાનું નિપજ્યું હતું, જેથી તે હવે તે એકલો જ હતો અને આવતા મહિને ઇન્દોરની એક યુવતિ સાથે તેના લગ્ન પણ નક્કી કરવામા આવ્યા હતા. રાહુલ મે મહિનામાં લગ્નના ફેરા ફરે તે પહેલા જ કાળનો કોળીયો બન્યો. બનાવની જાણ તાલુકા પોલીસને કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી મેડિક્લ હોસ્પિટલમાં લઇ જવાયો છે.