મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના રહેનાર મોહનભાઈ ડાભી આર્મીમાં ફરજ નિભાવતા વર્ષ 2002માં શહીદ થયા હતા. જોકે સરકાર દ્વારા તેમના પરિવારજનોને 37 વીઘા જમીન સાથ માટે અપાઈ હતી, પરંતુ આ જમીન ખનીજથી ભરપૂર હોવાના કારણે કેટલાક ખનીજ માફિયાઓએ તે જમીનથી મોટી માત્રામાં ખનીજ કાઢી લીધું. વિરોધ કરવા પર શહીદ જવાનના ભાઈ રણમલભાઈ અને પિતા મથુરભાઈને ન ફક્ત ધમકી આપી પણ માર પણ મારવામાં આવ્યો હતો.

પરિજનો તરફથી મળતી માહિતી મુજબ, ઘટનાને પગલે શહીદના પરિવારજનો દ્વારા જિલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓને અરજી કરાઈ હતી. જેનો કોઈ જવાબ જ આપવાની ફુરસદ તંત્રના બની બેઠેલા હીરોમાં નથી. આ અરજીઓનો કોઈ જવાબ ન મળવાને પગલે પરિવારજનો કલ્યાણપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા. જ્યાં એક ફિલ્મમાં જોવા મળે તેવું હળહળતું અપમાન શહીદના પરિવારને ભોગવવું પડ્યું હતું. ત્યાં આ શહીદના પરિવારને કહેવાયું કે, તમારો દિકરો તમારા માટે શહીદ થયો છે, અમારા માટે નહીં. આવું કહીને એક પોલીસ કર્મચારીએ તેમને કાઢી મુકયા હતા. આખરે પરિવારજનો દ્વારા આર્મીમાં જ્યાં તેમનો દિકરો નોકરી કરતો હતો ત્યાં ફરિયાદ કરી હતી.

ત્યાંથી તુરંત જ કર્નલ એસ એસ રાઠોડે કલેક્ટરને પત્ર લખીને તુરંત જ શહિદ પરિવારને ન્યાય અપાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાનું કહ્યું હતું. જોકે તેમ છતાં જાડી ચામડી તો જાડી જ રહી, હજુ સુધી ગુંડાઓ મસ્ત છે અને કાર્યવાહી ઠપ્પ છે. સ્થાનીક એસપી કે રોહન આનંદે મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું કે આ વાત મારા ધ્યાનમાં જ નથી આવી, જેવી ફરિયાદ મળશે તરત કાર્યવાહી થશે. પણ અહીં વાત એ છે કે ફરિયાદ નોંધાવી તો જોઈએ પહેલા...

કોણ હતા શહીદ મોહનભાઈ મથુરભાઈ ડાભી

નાનપણથી જ સાહસિક મોહનભાઈ મથુરભાઈ ડાભી 18 વર્ષની નાની ઉંમરમાં જ આર્મી સાથે જોડાઈ ગયા હતા. વર્ષ 2002ની 12મી એપ્રિલે જમ્મુ કશ્મીરના ડોડા ડિસ્ટ્રીક્ટમાં થયેલા બ્લાસ્ટમાં તે શહીદ થયા હતા. જેને પગલે તેમના પરિવારજનોને સરકાર દ્વારા 37 વીઘા જમીન આપી હતી. પરંતુ બોક્સાઈટથી ભરપુર આ જમીન પર ખનીજ માફિયાઓની નજર પડી ગઈ અને પોલીસ પણ મદદ કરવાને પગલે તે માફિયાઓનો સાથ આપી રહી હોવાનો આક્ષેપ શહીદ ભાઈએ લગાવ્યો છે. તેમના આક્ષેપ સાથે ચર્ચાનો દોર ચાલ્યો છે કે, જો શહીદનો પરિવાર સાથે ખરેખર આવો વ્યવહાર થતો હોય તો તે અત્યંત નિંદનીય છે. કદાચ પોતાના પરિવારની આ દશા જો શહીદ અંદાજ પણ લગાવી ગયો હોત તો... લોહીથી ખાખી સજાવવાની વાત સાચી કરી બતાવી અને ખરેખર માનવતા દાખવી આ પરિવારના ન્યાય માટે કાંઈક કરવું જરૂરી બન્યું છે.