રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોઈ છોકરી કોઈ છોકરાને પ્રેમ કરે; એની સાથે સંબંધ રાખે; અને છોકરો એને છોડી દે તો સમાજ છોકરી અને છોકરા તરફ અલગ અલગ દ્રષ્ટિથી જોશે ! આવું કેમ? છોકરી કુંવારી હોવી જ જોઈએ અને છોકરો કુંવારો ન હોય તો ચાલે; એવું કેમ? શામાટે છોકરી ખરાબ થઈ જાય છે? અને છોકરો દૂધે ધોયેલો જ રહે છે? પ્રેમમાં પડેલી યુવતીઓ કેમ છેતરાઈ જાય છે? પ્રેમી દગો દે તો યુવતી શામાટે સ્યુસાઈડ કરે છે? સીતાની અગ્નિ પરિક્ષા થાય પણ રામની અગ્નિ પરિક્ષા ન થાય; આવો દંભ કેમ? રુઢિવાદી લોકોની માંગણી છે કે માતાપિતાની મંજૂરી વિના કોઈ યુવતી લગ્ન ન કરી શકે; તેવો કાયદો કરો ! માબાપને પોતાના સંતાનો ઉપર જ વિશ્વાસ રહ્યો નથી !

અખબારમાં હમણાં સમાજના દંભને ઉજાગર કરતાં બે કિસ્સા વાંચવામાં આવ્યા. પ્રથમ કિસ્સામાં યુવકે યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઊતારીને વારંવાર શરીરસંબંધની તે માંગણી કરતો હતો. યુવતી ધમકીને તાબે ન થઈ એટલે યુવકે તે વીડિયો પોતાના ત્રણ મિત્રોને ફોરવર્ડ કર્યો. ત્રણેય મિત્રોએ પોતાની સાથે સંબંધ બાંધવા યુવતીને કહ્યું. યુવતી મક્કમ રહી. ત્રણેય મિત્રોએ વીડિયો બીજાને ફોરવર્ડ કરી દીધો. યુવતીએ હારીને સ્યુસાઈડ કરી લીધું ! બીજા કિસ્સામાં એક યુવકે, એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી. પોતે અપરણિત છે; અને ડિપ્લોમા સિવિલ એન્જિનીયર છે; એમ કહીને છોકરાએ યુવતી સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. થોડા દિવસ સારું ચાલ્યું. પછી યુવતીને ખ્યાલ આવ્યો કે પતિદેવ તો અગાઉ બે વખત પરણેલા છે, અને 12 માં ધોરણમાં ફેઈલ થયેલ છે ! યુવતીને ચૂપ રહેવા માટે ધમકીઓ મળી. છેતરીને લગ્ન કરનાર યુવક સામે ફરિયાદ કરવા યુવતી પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસે માત્ર અરજી લીધી ! FIR નોંધી નહી. કેટલાંય ધક્કા પછી FIR નોંધી. ધમકી આપનારાઓ આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા. છેતરપિંડી/વિશ્વાસઘાત કરનાર યુવકે આગોતરા જામીન અરજી મૂકી છે. છેતરાયેલી યુવતીની વેદના એ છે કે વિશ્વાસઘાત કરનાર યુવકને પોલીસ પકડતી કેમ નથી? શામાટે એને આગોતરા જામીન લેવાની તક પોલીસ આપે છે? 

પોલીસમાં ભાગ્યે જ કોઈ અધિકારી સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ વ્યક્તિ પણ પોલીસખાતામાં આવતા બિનસંવેદનશીલ બની જાય છે ! પોલીસનો ઢાંચો જ એવો છે ! પોલીસ મદદ કરશે તેવી અપેક્ષા રાખશો તો દુખી થશો. મારી સમક્ષ મોહભંગ થયેલી યુવતીઓના અનેક કેસ આવેલા. તે કેસ ઉપરથી એટલું તારણ નીકળે છે કે યુવતીઓ વિચાર કર્યા વિના, રંગદર્શી ખ્યાલોના કારણે વિશ્વાસ મૂકી દે છે; ત્યારે યુવકને છેતરપિંડી કરવાની તક મળે છે ! ગુનો બન્યા પછી ઉપચાર કરવો તેના કરતા ગુનો ન બને તે માટે સાવચેતી રાખવામાં ડહાપણ છે. Prevention is better than cure. યુવતીઓએ શું કાળજી લેવી જોઈએ? [1] યુવકે શું એજ્યુકેશન લીધું છે, તેની ખરાઈ કરો. તેમનો દાવો ખોટો હોઈ શકે છે. [2] તે પરણિત છે કે અપરણિત તેની ખાત્રી કરો. અગાઉની પત્નીને છૂટાછેડા આપેલ છે કે નહીં, તેની ખાત્રી કરો. [3] યુવકના માતા-પિતાને; ભાઈબહેનને મળવાનો આગ્રહ રાખો, જો યુવક ના પાડે તો સમજી લેવાનું કે દાળમાં કાળું છે ! [4] યુવકના માતાપિતા/ભાઈબહેન શું કરે છે? તેમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે? તેની ખાત્રી કરો. [5] યુવક કઈ જોબ કરે છે; શું ધંધો કરે છે, તેની ખાત્રી કરો. સોશિયલ મીડિયાથી પરિચય થાય તો કાળજી લો; યુવકને જોવા કરતા જાણો. યાદ રાખો; લફંગા યુવકો હંમેશા સુંદર યુવતીઓને જ ભગાડીને લઈ જાય છે ! [6] યુવક વારેવારે કસમ ખાતો હોય; વિશ્વાસ અપાવતો હોય; તો સમજી લેજો કે તે ટ્રેપ કરી રહ્યો છે; તેને શિકાર કરવામાં જ રુચિ છે. [7] યુવક ફિલ્મી સ્ટાઈલમાં પ્રેમનું પ્રદર્શન કરતો હોય તો માનજો કે તેને તમારું શોષણ કરવામાં જ રસ છે ! [8] યુવક કોઈપણ ભોગે શરીરસંબંધ ઈચ્છે તો ચેતવું; એને તમારી લાગણીઓની પડી નથી, એટલું નક્કી માનજો. [9] યુવક લગ્નની ઉતાવળ કરતો હોય કે શરીરસંબંધની ઉતાવળ કરતો હોય તો માનજો કે એ તમને છેતરી રહ્યો છે. [10] યુવક અંગત પળોનો વીડિયો ઊતારે તો ચેતી જજો; એ વીડિયો જાહેર કરવાની ધમકી આપીને યુવક તમારું શારીરિક શોષણ કર્યા કરશે. યાદ રાખો; તમારા પત્રો, કોલ રેકોર્ડિંગ, મોબાઈલ ઉપરના ચેટિંગ બ્લેકમેઈલિંગ માટેનું ઉત્તમ હથિયાર છે ! [11] જો યુવકનું ચરિત્ર સમજાતું ન હોય તો તેના મિત્રો કોણ છે; તેનું નિરીક્ષણ કરો. મિત્રોનું ચરિત્ર હશે, તેવું જ યુવકનું ચરિત્ર સમજવું. 

જો યુવતીઓ આટલી તકેદારી લે તો એને ક્યારેય પછતાવું ન પડે !