પ્રશાંત દયાળ, (મેરાન્યૂઝ.અમદાવાદ) : મેં છ-આઠ મહિના પહેલા તેનું નામ પણ સાંભળ્યું ન્હોતુ, એક સાંજે મને મારી પત્રકાર મિત્ર ગોપી મણીયારનો ફોન આવ્યો તેણે મને કહ્યું દાદા સંદેશ ચેનલમાં એક પત્રકાર છે દેવાંશી જોષી, તે રિપોર્ટીંગ માટે કરમસદ ગઈ હતી જયાં રિપોર્ટીંગ દરમિયાન તેની સાથે આણંદ ડીએસપી મકરંદ ચૌહાણે ખુબ ખરાબ વ્યવહાર કર્યો હતો, હું કઈ પુછું તે પહેલા ગોપીએ કહ્યું મારી પાસે તેના વીડિયો પણ છે, તેણે મને વીડિયો મોકલ્યા અને તે જોયા પછી મેં દેવાંશી સાથે જે કઈ બન્યું તે અંગે લખ્યું, બીજા દિવસે મને આજતકના કેમેરામેન અને મારા મિત્ર ઉજ્જવલ ઓઝાનો ફોન આવ્યો તેણે મને પુછયું તમે જે દેવાંશી અંગે લખ્યું તેને કયારેય મળ્યા છો?  મેં કહ્યું ના કેમ? તેણે મને કહ્યું તમે દેવાંશીને મળજો તમારી પત્રકારત્વની કલ્પનામાં તે ફીટ બેસે છે, ઉજ્જવલ મુળત્વ કેમેરામેન પણ વર્ષોથી જોઉં છું કે માણસને પારખવાની તેની સમજ ગજબની છે. જો કે ત્યાર બાદ હું દેવાંશીને મળવાનું ભુલી ગયો પરંતુ સંદેશ ટીવી ઉપર મેં અનેક વખત રિપોર્ટીંગ કરતા અને એકરીંગ  કરતી જોઈ ત્યારે લાગ્યુ વાતમાં દમ છે.

હું નવજીવન ટ્રસ્ટમાં  પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે પણ કામ કરૂ છું થોડા દિવસ પહેલા મને વિચાર આવ્યો કે મારા પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે દેવાંશી જોષીની  મુલાકાત કરાવુ, મેં તેને ફોન કર્યો તેણે મને કહ્યું તમે કહો કયાં અને કેટલાં વાગે મળીશું અને તે અમને મળવા આવી. હું પણ તેને પહેલી વખત મળી રહ્યો હતો, અમે વાતનો દૌર શરૂ કર્યો, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના  નાનકડા વડાગામે સરકારી શાળામાં અભ્યાસ કરી અમદાવાદ આવી પત્રકારત્વ શરૂ કરનાર દેવાંશીની સફર અને વર્તમાનની સ્પષ્ટતા  સ્પર્શી જાય તેવી હતી  સમગ્ર મહિસાગર જિલ્લામાં કર્મકાંડી બ્રાહ્મણ તરીકે જાણિતા વિનોદચંદ્ર જોષીની બીજા નંબરની દીકરી દેવાંશીનો ઉછેર યજ્ઞ, આહુતીઓ અને મંત્રોચ્ચાર વચ્ચે થયો છે, પણ ધર્મની સમજ કોઈ પ્રખંડ બ્રાહ્મણ કરતા વધારે સ્પષ્ટ અને સરળ છે, તેણે પોતાના ધર્મ અને પત્રકારત્વને અલગ રાખ્યો છે તેની અંદર રહેલો બ્રાહ્મણ તેના પત્રકારત્વ ઉપર હાવી થાય નહીં તેની તે તકેદારી રાખે છે.

દેવાંશી હજી નાની છે, તે માત્ર પચ્ચીસની છે અને પત્રકારત્વમાં તેને માત્ર ચાર વર્ષ થયા છે. પણ તેના વિચારોની સ્પષ્ટતા, પ્રશ્નની સમજ, લોકો માટેની નીસ્બત બહુ ઓછા પત્રકારોમાં જેવા મળે છે અને છેલ્લાં કેટલાય વર્ષોથી પત્રકારત્વમાંથી નીસ્બત તો જાણે ખોવાઈ ગઈ હોય અને પત્રકારત્વ માત્ર નોકરી બની ગઈ હોય ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રિપોર્ટીંગ સરકારી જાકજમાળ વચ્ચે  તેને સરદારની પ્રતિમાના ચહેરા ઉપર એક રેખા ઓછી હોવાનું લાગે છે અને તેને લાગે કે દેશના સરદારના ચહેરા ઉપર સંતોષની રેખા નથી કારણ પ્રતિમા પાસે કામ કરનાર આદિવાસી મજુરના ઘરમાં ધાન નથી, સુરતમાં થયેલી તક્ષશીલા હોનારાતના રિપોર્ટીંગ વખતે જાણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તે પ્રકારની પીડામાં  પોતાના આંસુ રોકી શકતી નથી, દેવાંશી  માને  છે કે પત્રકારનું કામ લોકોનો અવાજ બનવાનું છે પત્રકાર ભગવાન નથી, તેની ખબર છે જ્યારે તે લોકોનો અવાજ બનવાનું કામ કરે છે ત્યારે તેની આસપાસ તેનો અવાજ રોકવાનો કોલાહલ પણ છે પણ તે પોતાના કામમાં મક્કમ છે.

સરકારને ગમતા થવુ તે તો સરળ રસ્તો છે પણ સરકારને ગમે નહીં તેવા પ્રશ્નો પુછવાનો કઠીન રસ્તો તેણે પસંદ કર્યો છે, તેના અવાજમાં આક્રોશ છે, પણ આક્રોશમાં પણ શબ્દની શાલીનતા છે, પત્રકાર હોવાનું મીથ્યાભીમાનને સ્પર્શયું નથી, દેવાંશી જોષી જો ઈન્ટરવ્યું લેવા આવશે તો સાહેબ ઈન્ટરવ્યું નહીં આપે તેવું મુખ્યમંત્રી કાર્યાલયનું ફરમાન કોઈ પત્રકારત્વના રાષ્ટ્રીય એવોર્ડ કરતા ઓછું નથી, દેવાંશી માને છે કે તે નહીં બોલે તો ચાલશે પણ જ્યારે પણ બોલશે  ત્યારે સાચુ જ બોલશે, રાજનેતા તેને પસંદ કરતા નથી તે સારી રીતે જાણતી હોવા છતાં તેમની તરફ ધૃણાનો ભાવ નથી, કારણ તેની પાસે કોઈનો તીરસ્કાર કરવાનો સમય નથી  તેનો કામ પ્રત્યેનો પ્રેમ તેને ફુરસદ આપતો નથી. રિપોર્ટીંગની સજ્જતા અને વિચારોની સ્પષ્ટતા તેની બે મોટી તાકાત છે.નાનકડા ગામમાંથી આવેલી દેવાંશીને અમદાવાદનું વૈચારિક પ્રદુષણ દુષીત કરી શક્યું નથી.

તેને માઠું લાગે છે પણ પોતાના માટે નહીં તેને નોકરી માટે વલખા મારતા બેરોજગારો, પાક વિમા માટે રડતા ખેડૂતો, અધિકાર માટે લડતી સ્ત્રીઓ, તેને લાગે છે કે આ તેમનો પ્રશ્ન નથી આ  પ્રશ્ન તેનો પોતાનો છે. તેના કારણે દેવાંશીના અવાજમાં કાયમ પોતાનાપણાની પીડા હોય છે, દેવાંશીને રોજ લડવું પડે છે. પોતાની સાથે આવું કેમ થાય તેનો જવાબ સતત તે શોધ્યા કરે છે. તેની સતત પોતાની અંદર રહેલા માણસને જગાડતી રહે છે. માતા નિરૂબહેન જોષીએ તેને ઉત્તમ માણસ થવામાં ખુબ મદદ કરી છે. દેવાંશીને ઈશ્વરમાં અગાધ શ્રધ્ધા છે પણ તેની અંદર રહેલો માણસ તેના કરતા પણ બળવાન છે. દેવાંશી વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહી હતી, ત્યારે જાણે વિદ્યાર્થીઓની આંખ સામે કોઈ ચિત્રો ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું, ઘણા વર્ષો પછી મને પણ કોઈ પત્રકારને મળ્યા પછી સારૂ લાગ્યુ તેવું બન્યું તેની અંદર પત્રકારત્વની આગ છે પણ તે વિનાશક નથી એક નવા સર્જનની અપેક્ષા છે.

દેવાંશી કયારેક થાકી પણ જાય છે નિરાશા હાવી પણ થવા લાગે છે ત્યારે તેનો  એન્જીનિયર  પતિ સંકેત વ્હાલથી તેનો હાથ પકડી કહે છે હું છું તારી સાથે, દેવાંશી અને હું છુટા પડયા ત્યારે તેને જતી જોઈ હું વિચારી રહ્યો હતો, તું જે રસ્તે ચાલી રહી છે તે મને ગમ્યું પણ રસ્તો બહુ જ પથરાળ છે, બહુ જ કઠીણાઈઓ આવશે, આમ છતાં આજે તે જે રસ્તે જવાની હિંમત કરી છે, વર્ષો પહેલા હું પણ આ જ રસ્તે નિકળ્યો હતો, મને થયેલી પીડાઓ જેવી તને થશે તેનો ડર પણ લાગે છે, છતાં કહીશ  આ માર્ગ ઉપર ચાલતી રહેશે આજે જેવી છે તેવી તું કામય રહેજે, ઈશ્વર તને મદદ મોકલતો રહેશે.