પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : સામાન્ય રીતે આપણે ત્યાં સતત સાથે રહેતા લોકોમાં પતિ-પત્ની પહેલા ક્રમે આવે છે, આમ તો બાળક માતા-પિતાની સાથે પણ સતત રહે છે પરંતુ તે સંબંધ કઈક જુદા જ પ્રકારનો હોય છે., આ જ રીતે આપણો પડોશી, આપણો મિત્ર, અને આપણી સાથે કામ કરતા સહકર્મી પણ આપણા દિવસના કુલ કલાકમાં આપણી સાથે લાંબો સમય રહે છે, જેમની સાથે આપણને ફાવે છે તેની સાથે તો વાંધો નથી પણ જેની સાથે ફાવતુ નથી તેવી વ્યકિતની જ આપણે અહિયા વાત કરીશુ, જેની સાથે ફાવે છે તેની સાથે કેમ ફાવે છે તેવુ કોઈ કારણ પુછે તો કદાચ તમે મુંઝાઈ જશો, પણ જેની સાથે નથી ફાવતુ તેનું કારણ પુછો તો તમને એકસો કારણ મળશે, આપણે આજે આ વિષયને લઈને વાત કરીશુ. આપણને ચંદ્રયાનનો સંપર્ક કેમ તુટી ગયો તેની કદાચ ખબર હોઈ શકે પણ આપણો સંપર્ક આપણા સંબંધી, મિત્ર અને પડોશી સાથે કેમ તુટી ગયો તેનું કારણ કોઈ પુછે તો કદાચ આપણે તેનો જવાબ આપી શકીશુ નહીં કારણ આપણે તે અંગે કયારેય વિચાર્યુ જ નથી.

બહુ બારીક બાબત છે પણ આપણે તે તરફ ધ્યાન આપ્યુ નથી, આપણો સંપર્ક જેની સાથે તુટી ગયો છે અથવા જેમની સાથે આપણને ફાવતુ નથી તેનું સૌથી મહત્વનું કારણ આપણે તે વ્યકિતને આપણી ઈચ્છા પ્રમાણે બદલવા માંગીએ છીએ, આપણે તેવી અપેક્ષા રાખીએ છીએ કે આપણે જેવા છીએ અથવા આપણે જેવો વ્યવહાર કરીએ છીએ, આપણને જે ગમે છે અને જે ગમતુ નથી તેવુ બધુ જ તે વ્યકિતમાં હોવુ જોઈએ ખાસ કરી આવુ પતિ-પત્નીના કિસ્સામાં વધારે થાય છે. આપણે સતત આપણી સાથે રહેતી વ્યકિતને બદલવાનો પ્રયાસ કરીએ છીએ અને જયારે આપણી અપેક્ષા પ્રમાણે થતુ નથી ત્યારે સંબંધોમાં તંગદીલી છવાઈ જાય છે અને કયારે સંબંધોના અંત સુધી વાત પહોંચી જાય છે. આપણે જેવા આજે છીએ અથવા આપણી સાથે જે વ્યકિત છે તે આવો કેમ છે તેના અનેક કારણો હોય છે જેમાં જન્મથી લઈ, શિક્ષણ, ઉછેર , સંગત વિચારવાની પધ્ધતિ અને જીવનના સારા-માઠા અનુભવો લઈ અનેક બાબતો સમાયેલી હોય છે.

આમ તમે કોઈને મળો અને તમને લાગે કે ફલાણી વ્યકિત બરાબર કરતી નથી તેણે તો આમ જ કરવુ જોઈએ તો  તેવુ થવાનું નથી કોઈ વ્યકિતએ આવુ જ વિચારવુ જોઈએ, કોઈ વ્યકિતએ આવુ જ બોલવુ જોઈએ કોઈએ આવો જ વ્યવહાર કરવો જોઈએ તેવી અપેક્ષા જયારે પણ થાય તે વાજબી નથી, દરેક માણસ આપણી અપેક્ષા પ્રમાણેનો સારો જ માણસ હોય તે આદર્શ તરીકે ઉત્તમ છે, પણ જયારે તેવુ થતુ નથી ત્યારે આપણે તેને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. આમ તો તેવુ કહેવાય છે તે પ્રાણ અને પ્રકૃતિ મૃત્યુ સાથે રાખ થાય છે પણ તે પણ સાચુ નથી, દરેક માણસ પોતાની રીતે બદલાઈ શકે છે, પણ તેના માટે તેને સમય આપવો પડે અને બદલાવવાની પ્રક્રિયા સ્વૈચ્છાએ અને આપમેળે થતી પ્રક્રિયા છે હું મારી જીંદગીને પાછળ ફરી જોઉ ત્યારે મને ખબર પડે છે હું પંદર-વીસ પહેલા હતો તેવો આજે નથી, હું ત્યારે જેવો હતો તેવો મને બદલવા માટે અનેક સ્વજનોએ મિત્રો પ્રયત્ન કર્યો પણ હું બદલાયો નહીં જેના કારણે તેઓ હું બદલાઈશ જ નહીં તેવુ માની મને છોડી જતા રહ્યા.

હું બદલાઈશ નહીં તેવુ તેઓ એટલા માટે પણ માનતા હતા કે હું પોતે પણ કહેતો હતો હું જેવો છુ તેવો આવો જ છુ અને આવો જ રહીશ મને બદલવાનો પ્રયત્ન કરશો નહીં, પણ અંદરથી મને સમજાતુ હતું કે હું જેવો છુ તેવો યોગ્ય નથી, મારી બદલવાની પ્રક્રિયા બીજાનો જોઈ, બીજાને સાંભળી ્અને બીજા સાથે રહીને થઈ છે. આમ હું જેવો હતો તેવો મને સ્વીકારી મારા અનેક મિત્રો મારા બદલાવ સુધી મારી સાથે રહેવાનો નિર્ણય જેના કારણે હું બદલાવ સુધી પહોંચ્યો, મારા અનુભવમાંથી મને ખબર પડી કે બોલીને અથવા કહીને કોઈને બદલી શકાય નહીં અને જયારે પણ આપણે તેવુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે તે વ્યકિતથી દુર જઈએ છીએ, મારા સિનિયર પત્રકાર મિત્ર મુકુંદ પંડયા કહે છે કે આપણે જેને મિત્ર માનીએ તેની તમામ મર્યાદાઓ સાથે આપણે તેને સ્વીકારવો પડે કારણ એકસો ટકા તો કોઈ જ હોતુ નથી એટલે જયારે આપણે કોઈને મિત્ર કહીએ ત્યારે તે આપણો ચાલીસ ટકા મિત્ર અને સાંઈઠ ટકા નહીં તેવુ કયારેય થઈ શકે નહીં તે જેવો છે તેવો આપણો છે.

આવુ જ પરિવારના સંબંધોમાં પણ હોવુ જોઈએ આપણે આપણા સ્વજન, પડોશી, સહકર્મી અને મિત્રોને તેની મર્યાદા સાથે જ સ્વીકારવો પડે કારણ આપણને પણ બીજા આપણી મર્યાદા સાથે જ સ્વીકારે છે. આમ આ સહજ લાગતી બાબતનો જયારે આપણે અમલ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે શરૂઆતમાં આ સહજ બાબત અઘરી લાગે છા કારણે આખી જીંદગી આપણે જાણે અજાણે આપણા પ્રમાણે બીજાને બદલાનો પ્રયત્ન કર્યો છે એટલુ જ નહીં બીજાને બદલવાના પ્રયત્નમાં આપણી જીંદગીના અનેક કલાકો આપણે વેડફી નાખ્યા છે પણ તેની આપણને ખબર જ રહી નથી, પરંતુ આપણને જે બાબત પસંદ નથી  તેવી વ્યકિતને  વખત તેવુ કહેવાનો પ્રયત્ન કરજો કે તુ જેવો છે તેવો મારો છે અને મને ગમે છે, તો આ વાકયનું ચમત્કારીક પરિણામ આવવાની સંભાવના છે, સંભવ  છે કે તમે જયારે કોઈ વ્યકિતને તેના મુળ સ્વરૂપમાં સ્વીકારવાની વાત કરો ત્યારે તે પણ તમારા ગમતા થવાનો પ્રયત્ન કરશે દરેક બીજાના હ્રદયમાં જીવવુ કાયમ ગમતુ હોય છે ટ્રાય કરજો તમે જેવા છો તેવા મારા છો તેવુ કહેવાનો....