પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ):  તમે જે મથાણુ વાંચ્યુ તેવુ તમે અનેક વખત સાંભળ્યુ હશે અને સંભવ છે કે તમે કદાચ તમારા બાળકોને પણ આવુ અનેક વખત કહ્યુ હશે, આવુ મારી સાથે પણ અનેક વખત થયુ છે નાનો હતો ત્યારે માતા-પિતા આવુ કહેતા હતા અને સ્કુલમાં મારા શિક્ષક મને આવુ કહેતા હતા, ધીરે ધીરે મને આદત થઈ ગઈ કે આપણા કરતા ઉમંર અથવા સત્તામાં જે લોકો મોટા છે તેઓ આપણને જે કહે તે આદેશ આપણે માની લેવાનો પછી તે વાત સાથે સંમત્ત હોઈએ કે નહીં પણ સામો સવાલ કર્યા વગર તેમની વાત માની લેવાની. પણ આ સારી નિશાની નથી, આજે એવી સ્થિતિમાં આપણે બધા આવીને ઉભા છીએ કે આપણને હવે લગભગ આપણા મનમાં સવાલ ઉઠવાનું બંધ થઈ ગયુ છે.

ખરેખર તો મનમાં સવાલ ઉભા થવા જોઈએ, જયારે જયારે સવાલ ઉભા થાય છે ત્યારે આપણે તેના ઉત્તરની શોધ શરૂ કરીએ છીએ, જયારે આપણે સવાલ પુછતા થઈએ ત્યારે આપણને એક નવી દિશા મળે છે, પણ આપણને બાળપણથી ઘર અને સ્કુલમાં સવાલ નહીં પુછવાના તેવુ  શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે આપણી વ્યકિતગત અને દેશની સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે હવે આપણને સવાલ થતાં જ નથી અને આપણે યંત્રવત જેમ ચાલી રહ્યુ છે તેમા સામેલ થઈ જઈએ છીએ , આવી સ્થિતિ બધાની જ નથી દેશમાં એક નાનકડો વર્ગ એવો પણ છે કે જેમના મનમાં સવાલ ઉઠે છે અને તેઓ સવાલ પણ પુછે છે જેઓ સવાલ પુછે છે તેમને તંત્ર પસંદ કરતુ નથી કારણ તંત્ર તેવુ માની લે છે કે સવાલ પુછનાર તેમની સત્તાને પડકારી રહ્યુ છે.

આવુ આપણા ઘરમાં થાય છે જયારે એક પિતા પોતાના પુત્ર અથવા પુત્રીને કોઈ આદેશ આપે અને ત્યારે સંતાન આવુ કેમ તેવો સવાલ પુછે ત્યારે પિતાને લાગે છે કે તેના સંતાનો પિતા તરીકે તેમને મળેલી સત્તાને પડકારી રહ્યા છે. આવુ જ સરકારો પણ માનતી થઈ છે પ્રજા જયારે મત આપી સરકારને સત્તા સોંપે છે અને સરકાર કોઈ નિર્ણય કરે તેની સાથે પ્રજા સંમત્ત નથી તો પ્રજાને સરકારને સવાલ પુછવાનો અધિકાર છે, પણ હવે સવાલ પુછવાનું ભુલી ગયા છીએ જેના કારણે સરકાર અને તંત્ર તેને ફાવે તેવા નિર્ણય કરે અને આપણે તેને નીચી મુંડી રાખી સ્વીકારી લઈએ છીએ, આપણે માણસ છીએ, એટલે આપણને સવાલ થવો જોઈએ, માત્ર મશીન અને પશુઓને સવાલ થતાં નથી આપણે મશીન નથી આપણે પશુ પણ નથી.

પણ આપણે સૌથી પહેલા પોતાને સવાલ પુછવાની આદત નાખવી પડશે, અને જયારે આપણે પોતાને સવાલ પુછતા થઈશુ ત્યારે આપણે બીજાને પણ સવાલ પુછીશુ, સવાલ પુછવાનો અર્થ તેવો પણ નથી કે જેને આપણે સવાલ પુછીએ તેની દાનત ઉપર આપણે શંકા વ્યકત કરીએ છીએ અથવા સામેની વ્યકિતની અપમાનીત કરવાનો ઈરાદો છે, પણ આવુ કેમ નથી પણ ક્રમશ આપણે સવાલ પુછવાનું છોડી દીધુ જેના કારણે તંત્ર બેફામ થઈ ગયુ હવે તો એક નવો પ્રથા શરૂ થઈ ગઈ છે કે સવાલ પુછનારને આપણને દેશદ્રોહીના ચોકઠામાં બેસાડી દઈએ છીએ, કોઈ સાથે આપણે અને આપણી સાથે કોઈ સંમત્ત ના હોય તેવુ થવાનું છે અને લોકશાહી દેશમાં  અલગ મત રહેવાનો છે.

સામાન્ય માણસે  સવાલ પુછવાનું બંધ  કરી દીધુ પણ વાત ત્યાં અટકતી નથી હવે તો પત્રકારોએ પણ સવાલ પુછવાનું બંધ કરી દીધુ છે, પત્રકારો પણ માનતા થઈ ગયા છે કે સવાલ પુછીશુ તો મંત્રી અને અધિકારીઓને પસંદ પડશે નહીં, જેના કારણે મોટા ભાગનું પત્રકારત્વ  હવે સ્ટેનોગ્રાફર જેવુ થઈ ગયુ છે, મંત્રી અને અધિકારીઓ પત્રકાર પરિષદમાં આવે છે અને બોલી જતા રહે છે., પત્રકારનું કામ તો પ્રજાની તકલીફો અંગે સવાલ પુછવાનું છે પણ તેઓ પણ સવાલ પુછતાં નથી આવુ એટલા માટે થયુ  કે પત્રકારોને ખબર પડી  પ્રજા તો સવાલ પુછતી જ નથી આમ સવાલ નહીં પુછવાની કિમંત આપણે બધા જ ચુકવી રહ્યા છીએ.