મેરાન્યૂઝ નેટવર્ક.વુહાનઃ દુનિયામાં કોરોનાના સૌથી પહેલા કેસનો રિપોર્ટ કરનારા ચીનના વુહાન શહેરમાં આ ખરતરનાક વાયરસની 1 વર્ષ પછી ફરી એન્ટ્રી થઈ છે. તેનાથી ડરતાં ચીને પુરા વુહાન શહેરનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. વુહાન શહેરની વસ્તી 1.1 કરોડની છે. વુહાન તંત્રના અધિકારી લી જાઓએ મંગળવારે કહ્યું કે તમામ નાગરિકોનો ન્યૂક્લિક એસિડ ટેસ્ટ કરવામાં આવશે જેથી કોરોના વાયરસના ફેલાવાની કોઈ પણ આશંકાઓ નાબુદ કરી શકાય.

વુહાનના અધિકારીઓનું કહેવું છે કે પરપ્રાંતિય મજૂરોમાં કોરોના વાયરસના સાત નવા કેસ નોંધાયા છે પરંતુ આનાથી આરોગ્ય એજન્સીઓના કાન ઉભા થઈ ગયા છે, કારણ કે ચીને અડધાથી વધુ વસ્તીનું રસીકરણ પૂર્ણ કરવાનો દાવો કર્યો છે. ચીને કોરોનાના પ્રથમ કેન્દ્ર વુહાનમાં વાયરસને નિયંત્રિત કરવા માટે ખૂબ જ કડક લોકડાઉન લાગુ કર્યું હતું, જેના સારા પરિણામો પણ જોવા મળ્યા હતા. વુહાન વહીવટીતંત્રે સમગ્ર શહેરને તેના ઘરોમાં કેદ કરી દીધું હતું. તમામ સ્થાનિક પરિવહન બંધ હતું.

આ પછી, કોરોના વાયરસની તપાસ અને ચેપ અટકાવવાનું અભિયાન કેટલાક મહિનાઓ સુધી ચાલી રહ્યું હતું. મંગળવારે ચીનમાં કોરોના વાયરસના 61 નવા કેસ મળી આવ્યા છે. ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિએન્ટ પણ ઘણા શહેરોમાં પહોંચી ગયો છે. ચીનના નાનજિંગ પ્રાંતમાં ચેપના સતત કેસ મળી રહ્યા છે, જે સમગ્ર દેશમાં ફેલાવાની સંભાવનાથી હલચલ મચી ગઈ છે.

Advertisement


 

 

 

 

 

બેઇજિંગ સહિત અન્ય ઘણા મોટા શહેરોમાં લાખો નાગરિકોનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. જ્યાં ગ્રુપ્સમાં કોરોના ચેપના કેસ મળી રહ્યો છે, ઇમારતો અથવા પરિસરને પણ સીલ કરવામાં આવી રહ્યા છે. ફરજિયાત ક્વોરંટાઈનની પ્રક્રિયા પણ ઝડપી કરવામાં આવી છે. નાનજિંગ નજીક યાંગઝોઉમાં મોટા પાયે કોરોના તપાસ અભિયાન બાદ 40 નવા કેસ મળી આવ્યા છે. આ પછી લોકોને તેમના ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

યાંગઝોઉની શહેરી વસ્તી 13 મિલિયન છે. અહીં દરેક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિને ઘરની બહાર જવાની અને એક દિવસમાં સામાન ખરીદવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે ચીનના હુનાન પ્રાંતના ઝાંગજીયાજી અને ઝુઝોઉ શહેરોમાં પણ આવા આદેશો જારી કર્યા છે. આ બંને શહેરોમાં વસ્તી 20 લાખથી ઉપર છે.