મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): અત્યારે આખું ભારત કોરોનાના વધતાં જતાં વ્યાપને લઈને ચિંતામાં છે. ત્યારે આ સંકટનો સામનો કરવા, સમજવા અને તેના પર કાબુ મેળવવા માટે પહેલું અને મહત્ત્વનું હથિયાર છે “સચોટ માહિતી”. અને સામાન્ય નાગરિક માટે માહિતી મેળવવાનું એક માત્ર માધ્યમ છે “મિડીયા”. આ માહિતી પ્રકાશિત કે પ્રસારિત કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ મીડિયાની જ છે. જેમ કે માહિતીની ખરાઈ, આધાર પુરાવા, તેનાથી થતા ફાયદા-ગેરફાયદા વગેરે.

આ બધુ આપણે જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે, આજના 4gના યુગમાં કોઈપણ માણસ પત્રકારથી કમ નથી. કારણ કે સોશિયલ મીડિયાનાં માધ્યમથી તે જાતે અભિવ્યક્તિ અને માહિતી પ્રસાર કરી શકે છે. ફરક માત્ર એટલો જ છે કે, મીડિયાકર્મી તે વ્યાવસાયિક રીતે કરતો હોવાથી તેની ઢબ જરા વ્યવસ્થિત અને આકર્ષક હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મીડિયાને પણ સામાન્ય નાગરિકની જેમ જ બંધારણે અભિવ્યક્તિ અને વાણી સ્વતંત્રતા આપેલા છે અને એ જ સ્વતંત્રતાના માનમાં દર વર્ષે 3જી મે World Press Freedom Day તરીકે ઉજવવામાં આવે છે.

World Press Freedom Dayની ઉજવણીની શરૂઆત

દર વર્ષે 3જી મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે. 1991માં યુનેસ્કોની જનરલ કન્ફરન્સનાં છઠ્ઠાં અધિવેશનમાં થયેલી ભલામણોને ધ્યાનમાં રાખી 1993માં યુએનની જનરલ એસેમ્બલીએ આ દિવસની ઘોષણા કરી હતી.

ઉદ્દેશ

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રેસની સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવા અને વિશ્વભરમાં સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો છે. એ સમયે વિશ્વના લગભગ ૧૨ દેશોમાં કે જ્યાં અખબારોને સરકાર દ્વારા સેન્સર કરવામાં આવતાં હતાં, દંડવામાં આવતાં હતાં, સસ્પેન્ડ કરવામાં આવતાં હતાં અને બંધ પણ કરાવી દેવામાં આવતાં હતાં. પત્રકારો, સંપદકો, તંત્રીઓને ત્રાસ આપવામાં આવતો હતો, અટકાયત કરવામાં આવતા હતા, જીવલેણ હુમલાઓ કરવામાં આવતા હતા અને અમુક સંજોગોમાં હત્યા પણ કરવામાં આવતી હતી. તેઓની યાદગીરીમાં આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

પણ હવે ઉદ્દેશ વધારે ગહન બન્યો છે પ્રેસની સ્વતંત્રતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને માન આપવાનું જે તે દેશની સરકારને યાદ અપાવે છે. પ્રેસની સ્વતંત્રતા અને વ્યાવસાયિક નીતિશાસ્ત્રના મુદ્દાઓ વિશે મીડિયા વ્યાવસાયિકોમાં જાગૃતિ લાવવાનો દિવસ છે. તે એવા પત્રકારોનાં યોગદાનને પણ યાદ કરવાનો દિવસ છે કે જેમણે ઉત્તમ પત્રકારત્વ કરવા માટે પોતાનાં જીવનમાં ઘણી અગત્યની વસ્તુઓ, સમય અને સંબંધ ગુમાવ્યાં છે. ઘણા પત્રકારોએ તો જીવ પણ ગુમાવ્યો છે.

ભારતમાં મીડિયાને લોકશાહીનો ચોથો આધારસ્તંભ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ લોકશાહી સરકાર નિરંકુશ બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે મીડિયા નાગરિકોના હિતોની રક્ષા માટે આગળ આવે છે.

ભારતની આઝાદીમાં મીડિયા

અંગ્રેજ સરકારના રાજમાં સરકાર વિરુદ્ધ સાચી વાત લખવી પણ ગુનો ગણાતો હતો. પણ તે સમયે મહાત્મા ગાંધીને એક વિચાર આવ્યો કે, આઝાદી મેળવવા માટે આપણા વિચાર અને આદર્શોનો ફેલાવો અત્યંત જરૂરી છે. પણ સાથે એ પણ ચિંતા હતી કે “આપણો વિચાર લોકો સુધી પહોંચાડીશું કઈ રીતે?” તે સમયનાં અખબારોમાં આઝાદ ભારતના વિચારોને સ્થાન હતું નહીં. આથી ગાંધીજીએ વર્ષ 1919માં અમદાવાદમાં નવજીવનની સ્થાપના કરી અને પોતાના વિચારોને ગુજરાતી અખબાર “નવજીવન”માં વહેતાં કર્યા. ત્યારબાદ હિન્દી અને અંગ્રેજીમાં પણ યંગ ઇન્ડિયા, હરીજન બંધુ, હરીજન સેવક વગેરે અખબારો શરૂ કર્યા. અને તટસ્થ રહીને સરકારની ટીકા પણ કરી, સારી વાતની સરાહના પણ કરી. તથા પોતાની વાત અને વિચાર લોકો અને સરકાર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા. ગાંધીજીએ ભારતમાં આદર્શ પત્રકારત્વનો પાયો નાખ્યો.

હાલના ભારતમાં મીડિયાની સ્વતંત્રતાનું સ્તર કેવું છે અને કેમ? આ જાણવા એક નજર કરીએ World Press Freedom Indexના 2021ના અહેવાલ પર.     

World Press Freedom Index

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એ Reporters With Borders (RWB) પેરિસ આધારિત સ્વતંત્ર એનજીઓ છે. જેમાં યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ, કાઉન્સિલ ઓફ યુરોપ અને ફ્રાન્સની આંતરરાષ્ટ્રીય સંગઠન સમિતિ સલાહકાર તરીકે છે. જે સમગ્ર વિશ્વના નિષ્ણાતો દ્વારા ૨૦ ભાષામાં તૈયાર કરાયેલી પ્રશ્નાવલીના આધારે મૂલ્યાંકનના સમયગાળા દરમિયાન પત્રકારો અને મીડિયા હાઉસ પરના ગેરવ્યાજબી અને હિંસાના કૃત્યોની માહિતી એકઠી કરે છે. જેના આધારે તેના સભ્ય દેશને રેન્ક આપવામાં આવે છે. આ સંસ્થામાં કુલ 180 દેશો સભ્યપદ ધરાવે છે.

રેન્ક શાના આધારે નક્કી કરવામાં આવે છે?

રેન્ક આપવા માટે સંસ્થા દ્વારા જે તે દેશની પત્રકારત્વની અમુક ગુણવત્તા ચકાસવામાં આવે છે. જેમ કે, મીડિયા સ્વતંત્રતા, કાયદાકીય માળખું, સમાચારોમાં પારદર્શિતા, સમાચારોની ગુણવત્તા, સમાચાર દ્વારા માહિતી ઉત્પાદનને ટેકો (Informative News), મીડિયા હાઉસનું વાતાવરણ, સરકારનો મીડિયા પર પ્રત્યક્ષ કે પરોક્ષ કંટ્રોલ, મીડિયા કર્મચારીઓને મળતી સુવિધા, મીડિયાકર્મીને થતી અસુવિધા, મીડિયાની જાતે સેન્સરશીપ વગેરે જેવા મહત્ત્વના અનેક મુદ્દા ચકાસીને જે તે દેશને રેન્ક આપવામાં આવે છે.

2021ના રેન્કમાં ભારતનું સ્થાન

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન છેલ્લા ઘણા સમયથી સતત નીચે જાય છે. ભારતનો ક્રમાંક અત્યારે બાંગલાદેશ(152) અને પાકિસ્તાન(145) ની આસપાસ 142માં ક્રમાંકે રહીને પાડોશીધર્મ નિભાવી રહ્યો છે. અત્યારની પરિસ્થિતિ જોતાં થોડા વર્ષો પછી ચીન(177) સાથે પણ પાડોશીધર્મ નિભાવે તો નવાઈની વાત નહીં! છેલ્લા છ વર્ષનાં પરિણામ મુજબ 2016-133, 2017-136, 2018-138, 2019-140, 2020- 142 2021- 142.

વર્ષ 2021નાં પરિણામ મુજબ કુલ 180 સભ્યદેશોનાં મૂલ્યાંકન બાદ સતત ચોથા વર્ષે નોર્વે પ્રથમ નંબર પર છે.

(સ્ત્રોત) https://rsf.org/en/ranking#

 ભારત રેંકિંગમાં શા માટે નીચું આવ્યું?

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના જણાવ્યા મુજબ, ભારતમાં 2020માં ચાર પત્રકારોની હત્યા થઈ છે. અને પત્રકારો પર પોલીસ, રાજકીય કાર્યકરો, ગુનાહિત જૂથો અથવા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હુમલાઓ થયા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બહુમતીથી બનેલી સરકાર તરફથી સરકારના એજન્ડાની તરફેણ કરવા મીડિયા પર દબાણ વધ્યું છે. તેમના અનુયાયીઓ વિરુદ્ધ બોલવા અથવા લખવાની હિંમત કરનારા પત્રકારો સામે સોશિયલ મીડિયા પર આયોજનબદ્ધ અભિયાન ચલાવવામાં આવે છે. જે અત્યંત ભયજનક છે. તેમાં પણ જ્યારે ટારગેટ કોઈ મહિલા હોય ત્યારે આવા અભિયાન ખતરનાક પણ હોય છે. અધિકારીઓની ટીકા કરતા પત્રકારોને હાલાકીમાં મૂકવા માટે દંડ સંહિતાની કલમ 124 (A) "દેશદ્રોહ" લાગુ કરવામાં આવે છે.

ઇન્ડેક્સમાં એક કારણ એ પણ જણાવ્યું છે કે, 2020માં સરકારે સત્તાવાર હોદ્દાથી વિપરિત માહિતી પૂરી પાડતા પત્રકારોની કાર્યવાહી કરીને ન્યૂઝ કવરેજ પર પોતાનું નિયંત્રણ વધારવા માટે કોરોના વાયરસ કટોકટીનો લાભ લીધો હતો.

(સ્ત્રોત) https://rsf.org/en/india

હવે શું?

આઝાદી પહેલા ગાંધીએ ઉત્તમ પત્રકારત્વનું ઉદાહરણ આપી દીધું. અને આઝાદી બાદ લોકતાંત્રિક ભારતે બંધારણ દ્વારા મીડિયાને અને દરેક નાગરિકને અભિવ્યક્તિ અને વાણી સ્વતંત્રતા પણ આપી દીધી. પણ શું મીડિયા એ ખરા અર્થમાં ભોગવે છે? આજે ભારતમાં પ્રેસ સ્વતંત્રતાની સ્થિતિ છે એના માટે માત્ર સરકાર જ નહીં મીડિયા હાઉસ અને પત્રકારો પણ એટલા જ જવાબ દાર છે, કદાચ સરકાર કરતાં પણ વધારે.

કારણ કે, મીડિયા હાઉસના માલિકો પણ પોતાના પત્રકારોને વધુ સ્વતંત્રતા મળે એ પસંદ કરતા નથી. કેટલીક સ્વતંત્રતા પર પાબંદી ખુદ પત્રકારોએ જ સ્વીકારી લીધી છે કારણ કે આઝાદીની કલ્પના મનથી હોય છે, જ્યાં સુધી પત્રકાર પોતે એનો એહસાસ ન કરે ત્યાં સુધી એ સ્વતંત્રતા ભોગવી ન શકે. રહી વાત પત્રકારત્વના વ્યાપારીકરણની તો વ્યવસાય પણ પ્રામાણિક પણે થઈ જ શકે ને! હવે ભારતનો ક્રમાંક ઊંચો આવે એની જહેમત આખરે તો પત્રકારો અને મીડિયા હાઉસે જ ઉઠાવવાની છે.