કિરણ કાપુરે, મેરાન્યૂઝ . અમદાવાદઃ ફોટોગ્રાફર્સને કાશ્મીર આકર્ષતું રહ્યું છે અને એટલે અનેક ફોટોગ્રાફર્સે કાશ્મીરની સુંદરતાને કેમેરામાં કેદ કરી છે. કાશ્મીર વિશ્વની સુંદરતમ્ જગ્યાઓમાં એક છે, તેમ ત્યાં થઈ રહેલા સંઘર્ષની કહાની પણ લાંબી છે. આ બંને બિંદુ વચ્ચે ઝોલાં ખાતું કાશ્મીર ફોટોગ્રાફર્સ માટે મબલખ અવસરોનું નિર્માણ કરે છે. જેઓ અખબાર અને સામયિકમાં તસવીરોને ધ્યાનથી નિહાળતાં હશે તેમણે કાશ્મીરની અનેક તસવીરો જોઈ હશે, જે તેમના સ્મૃતિપટલ પર આજેય અકબંધ હશે. કાશ્મીરમાં કુદરતની નિરવતા છે તો વળી સૈન્યની હાજરીથી ત્યાં સતત અંજપાની સ્થિતિ પણ નિર્માય છે. અહીં કશું જ ન થતું હોય ત્યારે પણ તે ફોટોગ્રાફર્સનું સ્વર્ગ છે અને જ્યારે કશીક ઘટના બને ત્યારે તો છે જ. આમ, કાશ્મીરની ધરતી પર વેરાયેલા પડેલા દરેક રંગને કેમેરામાં કેદ કરવાનું કામ આનંદ આપનારું તો છે, પણ સાથે પડકારભર્યુંય છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ ઉજવાશે ત્યારે આપણે કાશ્મીરના ચુંનદા ફોટોગ્રાફર્સઅને ફોટોગ્રાફ્સ વિશે વાત કરીએ. ...

દૃશ્યની તીવ્રતા સબળ રીતે દર્શાવવાનું કાર્ય કેમેરા જ કરી શકેઅને આ તીવ્રતા શું હોઈ શકે તે હાલમાં કાશ્મીરની એક તસવીર જે વાઇરલ થઈ છે તેમાં જોઈ શકાય. આ તસવીરમાં બે સૈન્ય તેમના ગન સાથે દેખાઈ રહ્યાં છે, જ્યારે તેમની જ બાજુમાંથી એક છોકરી હાથમાં પુસ્તક લઈનેપસાર થઈ રહી છે. કાશ્મીરની સ્થિતિ આ એક જ તસવીરથી જાણી શકો તેવી આ તસવીર છે. આ ફોટોગ્રાફ આશિષ શર્મા નામના ફોટોગ્રાફરે લીધો છે, જે ‘ઓપન’ મેગેઝિનમાં 2016માં પ્રકાશિત થયો હતો. આ ફોટોગ્રાફ ‘મુંબઈ પ્રેસ ક્લબ’ દ્વારા ‘બિગ પિક્ચર’ નામની કેટેગરીમાં બેસ્ટ તરીકે પસંદગી પામ્યો હતો. જોકે, 370 નાબૂદ થઈ ત્યાર બાદ આ ફોટોગ્રાફનો ઉપયોગ અલગ ઉદ્દેશ્યથી થઈ રહ્યો છે. અત્યારે આ ફોટો કાશ્મીરમાં સ્થિતિ કેટલી શાંત છે અને સૈન્ય વચ્ચે બાળકો પણ કેટલાં બિન્દાસ રીતે હરીફરી શકે છે, તેવું ઠસાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે!!

આ એક જ ક્ષણને અલગ-અલગ દૃષ્ટિથી જોઈ શકાય. કોઈ તેને છોકરીનું બિન્દાસપણું ગણે તો કોઈ વળી સૈન્યના ડરથી તે પુસ્તકમાં જ નજર કરીને આજુબાજુ જોયા વિના ચાલી રહી છે તેવું પણ કહી શકે.  ફોટોજર્નાલિસ્ટ આશિષ શર્માએ કાશ્મીરમાં ચાલતાં સંઘર્ષના આવા અનેક ફોટોગ્રાફ લીધા છે, જેની ઝલક તેમના જ નામની વેબસાઇટ પર જોવા મળી શકે છે. કાશ્મીરની હાલની સ્થિતિમાં પણ અનેક ફોટોગ્રાફર્સ ત્યાંની રોજબરોજની તસવીરો મોકલી રહ્યાં છે. આ તસવીરો પરથી અંદાજો લગાવી શકાય કે હજુ પણ કાશ્મીરની સ્થિતિ થાળે પડી નથી. આ તમામ ફોટોગ્રાફર્સ અત્યારે તેમનું કામ કરવામાં વ્યસ્ત છે પણ અગાઉ જેઓ કાશ્મીરને તસવીરો દ્વારા કવર કરતાં રહ્યાં છે, તેમનાં અનુભવો વિશે જાણીએ. આ યાદીમાં એક નામ ફોટોગ્રાફર-ફિલ્મમેકર અવની રાયનું છે. તેઓએ હાલમાં મુંબઈની કાલાઘોડામાં આવેલી એક આર્ટ ગેલેરીમાં ‘એક્ઝિબિટ એ’ નામનું પ્રદર્શન યોજ્યું, જેમાં કાશ્મીરની તસવીરોને મૂકવામાં આવી હતી. અવની રાય જાણીતાં ફોટોગ્રાફર રઘુ રાયના દીકરી છે અને તેઓ જ્યારે 2014માં પ્રથમવાર કાશ્મીર ગયા ત્યારે તેઓ તેમના પિતાના ફિલ્મનું શૂટિંગ માટે ત્યાં ગયા હતા. પણ ત્યાં જઈને તેમણે કેમેરાના દૃષ્ટિથી કાશ્મીરને જોયું અને પછી તો તેમની ઓળખફિલ્મકારથી તબદીલ થઈને ફોટોગ્રાફર પણ થઈ. અવનીનું માનવું છે કે તેઓ કાશ્મીર ન ગયા હોત તો ફોટોગ્રાફીની દૃષ્ટિ કેળવાઈ ન હોત!

શોમ બાસુ પણ કાશ્મીરમાં લાંબા સમયથી ફોટોજર્નાલિસ્ટ તરીકે કાર્ય કરી રહ્યાં છે અને 2015માં તેમણે કાશ્મીરમાં ક્લિક કરેલી તેમની તસવીરોનું પુસ્તક –‘શેડ્સ ઓફ કાશ્મીર’ લોન્ચ કર્યું હતું. આ પુસ્તકમાં તેમણે કાશ્મીરની 176 તસવીરોને મૂકી છે, જે કાશ્મીરના જીવનને દર્શાવે છે. તેમણે અહીંયા જેટલો સમય ફોટોગ્રાફી કરી છે, તેમાં તેઓ અહીંના નિયમોને ચુસ્ત રીતે વળગી રહ્યાં છે. તેઓ કહે છે કે, “હું હંમેશા કાશ્મીરના નિયમોને અનુસરું છું, જેમાંનો એક નિયમ સાત વાગ્યા સુધીમાં તમારા હોટલ પર પહોંચી જવાનું પણ હોય છે. આમ, કરવાનું કારણ કે રાતરે જોખમ વધુ હોય છે અને પૂરો ખીણ વિસ્તાર સાત વાગ્ય પછી ભેંકાર ભાસે છે. અહીં હું મારું આઈકાર્ડ હંમેશા રાખું છું. કાશ્મીરનું જીવન જોખમી છે અને અહીંયા તમારે તકેદારી રાખવી પડે છે.”

જોકે આ બંને મૂળે કાશ્મીરના નથી. કાશ્મીરના જ હોય અને ત્યાં જ ફોટોજર્નાલિસ્ટ તરીકે કાર્ય કરી ચૂક્યાં હોય તેવાં નામો આપવા હોય તો તેમાં અલ્તાફ કાદરી, સાદિયા કોચર અને બુરહાન કિનુ છે. અલ્તાફ કાદરી ફોટોજર્નાલિસ્ટ તરીકે ખૂબ જાણીતું નામ છે અને તેઓના ફોટોગ્રાફ વિશ્વની નામાંકિત સંસ્થાઓ દ્વારા સન્માન પામ્યા છે. હાલમાં તેઓ વિશ્વ સ્તરે જાણીતી સંસ્થા એસોશિએટેડ પ્રેસ વતી કામ કરી રહ્યા છે. સ્થાનિક અખબારથી તેઓ આજે આંતરરાષ્ટ્રિય સ્તરે પહોંચ્યા છે અને તેમણે કાશ્મીરમાં તેમના ફોટોગ્રાફી વિશે એક લાંબી મુલાકાત આપી છે. આ મુલાકાતમાં તેમણે ફોટોજર્નાલિસ્ટે કેવી રીતે કામ કરવું જોઈએ તે અંગે કહ્યું છે. તેમના મતે એક અચ્છો ફોટોજર્નાલિસ્ટ “સાર્થક અને સબળ કામથી પોતાની રજૂઆત કરે છે, જેની તસવીર અસરકારક હોય જે આજકાલના સોશિયલ મીડિયા પર જે પ્રસરી રહ્યું છે, તેમાં પણ પોતાની કાયમી જગ્યા બનાવી શકે.”

અલ્તાફ કાદરીએ કાશ્મીરમાં વિવિધ પ્રોજેક્ટ પર કામ કર્યું છે અને તેમના મતે અહીંયા તલવારના ધારે કામ કરવું પડે છે. તમારા કામને સતત કોઈ મૂલવે છે. કાશ્મીરમાં મીડિયાના લોકો સાથે થતાં દુર્વ્યવહારમાં કામ કરવું કપરું છે. ઉપરાંત ઘણી વાર સૈન્યની ઉપસ્થિતિમાં મીડિયાનું કામ મુશ્કેલ થઈ જાય છે. સૈન્ય મીડિયા પર એક તરફી રિપોર્ટિંગનો પણ આરોપ લગાવે છે, જેમ અત્યારે બીબીસી પર આરોપ લગાવાઈ રહ્યાં છે.

અલ્તાફ કાદરી જેમ કાશ્મીરના સંઘર્ષને કેમેરામાં કેંદ કર્યો છે તે જ રીતે ‘કાશ્મીર : પેરેડાઇઝ લોસ્ટ’  પ્રોજેક્ટમાં તેમણે કાશ્મીરમાં અવિરત સંઘર્ષ છતાંય જે રીતે ત્યાંનું રોજિંદુ જીવન શાંતિથી પસાર થઈ રહ્યું છે, બધા પોતપોતાના કામમાં પરોવાયેલાં છે, અને કુદરતના વિવિધ રંગોને તેમાં ઝિલ્યા છે. અલ્તાફની જેમ સાદિયા કોચર પણ કાશ્મીરમાં ખાસ્સું કામ કરી ચૂક્યાં છે. તેમણે કાશ્મીરના તસવીરોને ‘લોસ’ નામના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યું હતું. બુરહાન કીનુ તો કાશ્મીરના એવોર્ડ વિનિંગ ફોટોજર્નાલિસ્ટ છે. શ્રીનગરમાં જ જન્મેલા બુરહાને 2011 સુધી કાશ્મીરની બ્યુટી અને કન્ફ્લીક્ટને કેમેરામાં ઝિલ્યો છે. હવે તેઓ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ માં દિલ્હી ખાતે કામ કરી રહ્યાં છે. 2010માં શ્રીનગરમાં સૈન્ય-આંતકવાદીઓના ઝડપમાં તેઓ માંડ માંડ બચ્યા હતા.

કાશ્મીર અને ફોટોગ્રાફર્સના અનુબંધ વિશે વાત કરીએ ત્યારે 2017માં પ્રકાશિત થયેલી ‘વિટનેસ-કાશ્મીર 1986-2016’ ના પુસ્તકનો ઉલ્લેખ અચૂક કરવો રહ્યો. આ પુસ્તકમાં નવ ફોટોગ્રાફર્સના તસવીર દ્વારા કાશ્મીરના ત્રણ દાયકાના સંઘર્ષને રજૂ કરવામાં આવ્યો છે. આ ફોટોગ્રાફર્સમાં અલ્તાબ કાદરી સહિત નવ ફોટોગ્રાફર્સ છે. આ પુસ્તકના લોન્ચ વખતે ‘ધ ક્વિન્ટ’  સાઇટે તેનો એક વિડિયો તૈયાર કર્યો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ફોટોર્જનાલિસ્ટ કેવી રીતે કાશ્મીરમાં કામ કરે છે. આ વિડિયોમાં શૌકત નંદા નામના ફોટોજર્નાલિસ્ટ એવું કહે છે કે, “ઘણી વખત મને એવું લાગે છે કે મારી તસવીરોમાં લોકો સાથે જે થતું દેખાય છે, તે જાણે મારી સાથે જ થતું હોય તેવી અનુભૂતિ મને થાય છે.” અન્ય એક તસવીરકાર સૈયદ શાહરીયારે પુલવામાં આંતકવાદી બુરહાન વાણીના દફનવિધિ દરમિયાન લીધેલી તસવીર ખૂબ જાણીતી થઈ હતી. આ તસવીરને સૈયદ કાશ્મીરના વર્તમાન ઇતિહાસને દર્શાવતી તસવીર ગણાવે છે. આ વિડિયોમાં આ રીતે અન્ય તસવીરકારોના શ્રેષ્ઠ તસવીર સાથે એક-એક ઝલક દર્શાવવામાં આવી છે.

કાશ્મીરના આ સંઘર્ષરત ક્ષેત્રોમાં ફોટોર્જનાલિઝ્મ કરવાનો ઇતિહાસ અત્યાર સુધી પુરુષ વર્ગ સુધી જ સિમિત હતો, પણ હવે તેમાં મહિલાઓ પણ જોડાઈ છે. હવે આ પૂરા સંઘર્ષને મહિલા ફોટોજર્નાલિસ્ટના નજરે જોવાઈ અને કંડારાઈ રહ્યો છે.આ મહિલા ફોટોજર્નાલિસ્ટ્સમાં પ્રમુખ નામ ઉમરિયા હસન, ફુરકાન ખાન, તુબા નસીમ, દુર્દન્દા ભાટ અને મહેરમ આલમ છે. કાશ્મીરમાં મહિલાઓને ફોટોજર્નાલિસ્ટ તરીકે કામ કરવાના પડકાર વધુ છે, તેનો પણ એક વિડિયો ‘ધ ક્વિન્ટ’ દ્વારા જ નિર્માણ કરવામાં આવ્યો છે. કાશ્મીરની આ ફોટોજર્નાલિસ્ટ મહિલાઓના અનુભવની વાત વિસ્તારથી થાય એમ છે, નજીકના ભવિષ્યમાં જ આ વિષય પર ફરી વાત કરીશું.

[ગુજરાતમિત્ર રવિવારીયપૂર્તિ, 18-08-2019ના રોજ પ્રકાશિત]