ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : જગતે આટલો ઝડપી કોમાંડીટીનો ભાવ વધારો, ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી અને તે અગાઉની ૧૯૭૦ના દાયકાની સમસ્યાઓમાં પણ ક્યારેય જોયો ન હતો. સોયાતેલ, આયર્ન ઓર અને કોપરના ભાવ  અગાઉના તમામ વિક્રમો આંબી ગયા છે. મકાઇ, સુગર, સોયાબીન, ઘઉ વિગેરે આઠ વર્ષની ઊંચાઈએ ગયા છે, ક્રૂડ ઓઇલે પણ બે વર્ષની ઊંચાઇ હમણાં જ વટાવી છે. 

યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇજેશન (ફઓ) તો ત્યાં સુધી કહે છે કે મે મહિનામાં કોમોડીટીના ભાવોમાં જે આગ લાગી હતી, તેવા ઉછાળાનો છેલ્લા એક દાયકામાં આ સૌથી વધુ માસિક ભાવોનો વિક્રમ હતો. આને લીધે વિકાસ પામતા દેશોના ખોરાક-ખાદ્યાનો અને ખાધ્યતેલ દોહ્યલા થઈ ગયા હતા. ફાઓનો તાજો માસિક ફૂડ ઇંડેક્સ કહે છે કે જાગતિક અનાજના ભાવ, મે સુધી છેલ્લા બાર મહિનાથી સતત વધ્યા હતા. છેલ્લા એક વર્ષમાં કોમોડિટીના ભાવ લગભગ ૪૦ ટકા વધી આવ્યા હતા. એનાલિસ્ટો કહે છે કે કેટલીક કોમોડિટીના ભાવ આગામી છથી ૮ મહિના સુધી ધીમી અને સ્થિરગતિએ વધ્યા કરશે. 

મંગળવારે પ્રસિધ્ધ થયેલા ફાઓના ડેટા કહે છે કે હેજ ફંડોએ સતત ત્રીજા સપ્તાહમાં કોમોડિટીમાંથી નાણાં પાછા ખેંચવાનું ચાલુ રાખ્યું હતું. ૨૩ કોમોડિટીના બનેલા ઇન્ડેક્સમાં લગભગ ૨૦માંથી નાણાં પાછા ખેંચી લેવાયા હતા. આમછતાં તેજીના મોટા ઓળીયા હજુ ઊભા છે, દૂર ડિલીવરીના કેટલાંક વાયદામાં તો આગળ ખેંચાયેલી તેજીની ઘણી બધી પોજીશન પણ જોવાઈ રહી છે. કેટલાંક કૃષિ વાયદામાં તો ગત એક જ સપ્તાહમાં જ તેજીના ઓળીયા ૧૦ ટકા જેટલા ઘટી ગયા હતા. વાયદામાં કૂલ ઊભા સોદા (હોલ્ડિંગ) ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા છે.

Advertisement


 

 

 

 

 

ઇકોનોમિસ્ટો કહે છે કે ક્રૂડ ઓઇલ સહિતની ઘણી બધી કોમોડિટીના ભાવ, કોરોના મહામારી પહેલાંની ઊંચાઈએ પહોંચી ગયા છે. ૨૦૨૦ની મધ્યમાં મહામારીને લીધે ઘટેલી વપરાશી માંગ અને ઘટેલા ભાવથી વધવા શરૂ થયેલા ભાવ, હજુ વધી રહ્યા છે. તમે જુઓ ક્રૂડ ઓઇલના ભાવ ૩૫ ડોલરથી વધવા શરૂ થયેલા જે બુધવારે ૭૨.૮૫ ડોલરની ઊંચાઈએ પહોંચ્યા હતા. જો કે ભાવ ૧૪૦ ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચવાની શક્યતા નથી.

કાચા માલોમાં આવેલા ઉછાળાને પગલે ભારત અને ચીન સહિતના અનેક દેશોના ફેક્ટરી ઉત્પાદન ખર્ચ, મે મહિનામાં છેલ્લા ૧૨ વર્ષમાં સૌથી ઝડપી વાર્ષિક સરેરાશ દરે વધ્યા હતા. જગતભરની સરકારો ફુગાવાનું વ્યાપક દબાણ અનુભવી રહી છે, ત્યારે મહામારી દરમિયાન દેશનો વિકાસ નબળો ના પડી જાય તેની સામે પણ ઝજુમિ રહી છે. કંજુમર પ્રાઇસ ઇંડેક્સ પણ છેલ્લા આઠ મહિનાથી વર્ષાનું વર્ષ વેગથી વધી રહ્યો છે. અલબત્ત, મે મહિનામાં ચીને આ દર ૩ ટકાના લક્ષ્યાંક પર જાળવી રાખ્યો હતો.

કોમોડિટીના અનાપસનાપ વધતાં ભાવએ વિશ્વભરના અર્થતંત્રોમાં સુધારાને બ્રેક મારી છે, ધંધાધાપા ખોરવાઇ ગયા છે, ઘરોના બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયા છે, આટલું અધૂરું હોય તેમ ફુગાવાના દરો વધતાં રહેશેની આગાહીઓ, લોકોને ડરાવી રહી છે. સાથે જ અન્ય અર્થશાસ્ત્રીઓ અને બેન્કરો એવું પણ કહે છે કે કોમોડિટીના ભાવ વધી રહ્યા છે, તેનાથી બહુ ડરવાની જરૂર નથી. 

Advertisement


 

 

 

 

 

કોમોડિટીના ભાવમાં અફડાતફડી એ સામાન્ય આર્થિક પ્રક્રિયા છે, તેનાથી ફુગાવો પણ વધે છે સાથે જ ઘરો સોના ચાંદી જેવી અસ્કયામતોની મૂલ્ય વૃધ્ધિ પણ થાય છે. જો કે કાચામાલના ઊંચા ભાવને લીધે ઉત્પાદકોના નફાના માર્જિન ઘસાવા લાગે છે. ગ્રાહકોએ પેટ્રોલ, અનાજ કરિયાણા અને હોટલોના ઊંચા બિલ ચૂકવવા પડે છે. પરિણામે તેમની અન્ય જીવનાવશ્યક્તાઓની ક્ષમતા ક્ષીણ થઈ જતી હોય છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)