કિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): અણુ રિએક્ટર પ્લાન્ટમાં થતાં અકસ્માત કેટલાં હદ સુધી તારાજી સર્જી શકે તેનું વિશ્વ સ્તરે પ્રતીક રશિયાની ચર્નોબાઈલની દુર્ઘટના છે. ચોત્રીસ વર્ષ અગાઉ ૨૬, એપ્રિલ ૧૯૮૬માં મધરાતે બનેલી આ ઘટનાથી ચર્નોબાઈલ નજીક આવેલું પ્રિપ્યાટ શહેર કલાકોમાં ખંડેર બની ગયું. આજે આ શહેરમાં મસમોટી બિલ્ડિંગો છે, પહોળાં રાજમાર્ગ છે, આધુનિક હોસ્પિટલ છે, થિયેટર્સ, મોલ, બજાર બધું દેખા દે છે, પણ આ શહેર એ ઘટના બન્યા બાદ દસ દિવસમાં પૂરું ખાલી કરી દેવામાં આવ્યું હતું. પચાસ હજારથી વધુ લોકોની વસતી ધરાવતા આ નગરમાં ત્રીસ વર્ષ અગાઉ જેમ હતું, તેમ જ રહ્યું. તેમાં કુદરતી ક્રમ પ્રમાણે જે નાશ પામી રહ્યું છે તે જ, બાકી બધું એમને એમ જ છે. લોકોને એ ગોઝારા દિવસે બધું જ પડતું મૂકીને દોટ લગાવવી પડી હતી. દુર્ઘટના વખતે રશિયામાં આવતું આ શહેર આજે યુક્રેનમાં છે, અને તેનો ત્રીસ કિલોમીટરની આસપાસનો વિસ્તાર દુર્ઘટના દિવસથી જ સ્થાનિક સરકારે પ્રવેશ માટે પ્રતિબંધિત કર્યો હતો, આજે પણ તે પ્રતિબંધ જારી છે.

એક સંશોધન પ્રમાણે આગામી ૨૦,૦૦૦ વર્ષ માટે માનવ વસાહત અર્થે નકામી બની ચૂકેલાં આ શહેરના પ્રકાશિત થયેલા ફોટોગ્રાફ્સ જાઈએ ત્યારે તેમાં સ્વિમિંગ પૂલ, ઇમારતો, જીમ, ઇન્ડોર સ્ડેડિયમ, ફેક્ટરીઝ દૃશ્યમાન થાય છે, પણ તેમાં માનવવસ્તી નથી. ભયાવહ માહોલમાં જીવી રહેલા આ મૃતપાયઃ શહેરમાં એટલી તારાજી સર્જાઈ છે કે આજેય આ શહેરની જમીન ન્યૂક્લિઅરના ટોક્સિકથી મુક્ત થઈ શકી નથી. શહેરમાં માનવ વસતીના પુનઃવસવાટ અંગે થયેલા રિસર્ચ પ્રમાણે હજુ આ જમીનને ઝેરમુક્ત થવા માટે અંદાજે વીસ હજાર વર્ષ લાગશે.

આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે અહીંયા કોઈ પગ મૂકવાની પણ હિંમત ન કરે, પરંતુ ઘટના બન્યાના માત્ર ત્રણ જ મહિનામાં ૧૨૦૦ જેટલાં પચાસી વટાવી ચૂકેલાં વતનપ્રેમી લોકો અહીંના તમામ જાખમો અવગણીને ફરી પ્રિપ્યાટના આ ખંડેર શહેરમાં વસવા આવી પહોંચ્યા હતા. સરકારે તેમને અટકાવવાના અનેક પ્રયત્નો કર્યા, ધરપકડો કરવાની તૈયારી કરી, પણ તેમનું એક જ ગાણું હતું, એક દિવસ તો બધાંયને મરવાનું જ છે, તો અમે અમારી માતૃભૂમિ પર મરીશું. છેવટે સરકારે ઝુકવું પડ્યું. જાતને હોમવાની તૈયારી અને અનેક જાખમો વહોરવાની તૈયારી સાથે આવેલાં આ લોકોએ છેવટે અહીં વસવાટ આરંભ્યો.

આજે આ ઘટનાને ૩૦ વર્ષ થયા છે, અને ત્યાં પુનઃવસવાટ કરનારાઓને પણ ૩૦ વર્ષ થવા આવ્યા છે. અનેક જાખમો વચ્ચે, રેડિએશનના ખતરા વચ્ચે પણ વસવાટ માટે આવેલાં ૧૨૦૦ જેટલાં લોકોમાંથી અત્યારે માંડ ૨૩૦ બચ્યાં છે અને તેઓ અત્યારે એંસી-પંચ્યાંસીની ઉંમરે પહોંચી ચૂક્યાં છે. અત્યારે જે હયાત છે, તેમાંની મોટાભાગની મહિલાઓ જ છે. સુમસાન ભાસતાં શહેરમાં એકલ-દોકલ દેખાતી આ વૃદ્ધ મહિલાઓ જોનાર ભયની લાગણી જન્માવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે એ મહિલાઓએ પોતે ખૂબ જ ખુશખુશાલ જીવન જીવી રહી છે અને સૌથી નવાઈની વાત એ છે કે તેઓને પોતે તેમના જીવનનો અંતિમ ગાળો પોતાની માતૃભૂમિ ઉપર જીવવા મળ્યો તેનો ખૂબ આનંદ છે. કદાચ આ જ કારણે અહીંથી વિસ્થાપિત થઈ ગયેલાં લોકો કરતાં સ્ટ્રેસરહિત જીવન જીવી રહ્યાં હોવાનું કહેવાય છે.

આ વૃદ્ધોના આ પગલાંને બિરદાવવા માટે તેઓને ‘વર્લ્ડ ઑફ બાબુશ્કાસ’ના નામથી ઓળખવામાં આવે છે. આ શબ્દનો રશિયન અર્થ થાય છે, ‘દાદીમાઓનું વિશ્વ’ ‘વર્લ્ડ ઑફ બાબુશ્કાસ’ના ટાઈટલ પર ફિલ્મ પણ બની ચૂકી છે. ‘બાબુશ્કાસ’નો બીજા અર્થ છે: ‘ઓલ્ડ કન્ટ્રીવુમન’. હિરોશિમા-નાગાસાકીમાં અણુનું જે ઝેરી રેડિએશન ફેલાયું હતું, તેના કરતાં ચારસો ગણું રેડિએશન પ્રિપ્યાટના પાણી, હવામાં હાજર હતું. તેમ છતાં આ બારસો લોકો પોતાની ભૂમિને છોડવા માંગતા ન્હોતાં. આ દાદીમાઓ અને તેમના પરિવારોએ કેમ આવા અતિજાખમી વિસ્તારમાં રહેવા માટે આવ્યાં? તેઓ શું આ જાખમથી અજાણ હતાં કે પછી આ તેમનું ગાંડપણ હતું? તેની પાછળનું કારણ જાણવા માટે એક ‘બાબુશ્કાસ’ છેક ઓગણીસમી સદીના મધ્યમાં થયેલાં સ્ટાલિનના અત્યાચારને ટાંકે છે. હાલની આ ‘બાબુશ્કાસ’ માંડ તે વખતે દસ-પંદર વર્ષની હશે, જ્યારે તેમના પરિવારોના સભ્યોની સ્ટાલીનની સેનાએ હત્યા કરી. તે વખતે તેઓ કોઈક રીતે પોતાને બચાવવામાં કામિયાબ રહી. તેમની સામે તેમના પરિવારોને રહેંસી નાંખવામાં આવ્યાં. મહિનાઓ સુધી તેઓ ભૂખી રહ્યાં, રઝળપાટ કર્યો, પરંતુ તેમના વહારે કોઈ ન આવ્યું. ત્યાર બાદ નાઝીઓએ પણ એવો જ કહેર વરસાવ્યો. એટલે જ તેમાંથી એક ‘બાબુશ્કાસ’ એવું નિવેદન આપે છેઃ “મારા માટે ભૂખ્યા રહેવું એ ડરામણું છે, નહીં કે આ રેડિએશન, તે કાળે જીવવું એટલે ક્ષણે ક્ષણે મરવા બરાબર હતું”

જે પ્રિપ્યાટના પુનઃ રહેવાસી બન્યા તેમાં સૌના અલગ-અલગ કારણ છે, તેમાં કોઈ એમ કહે છે કે, અમે કોઈ પણ હિસાબે પોતાની માતૃભૂમિને છોડવા માંગતા નહોતા. કોઈએ એમ કહ્યું કે, અમે અહીં સંઘર્ષ કર્યો, પોતાનું ઘરબાર વસાવ્યું અને એક દિવસ કોઈ આવીને કહે કે અહીંથી જતા રહો, તો તે સ્વીકારવું અમારા માટે મોતથી બદ્‌તર હતું. આ કારણે જ અમે અહીં છીએ. ચર્નોબોલી પ્લાન્ટની દુર્ઘટના બાદ પ્રિપ્યાટ શહેરના અસરગ્રસ્ત લોકોને કિવ ક્ષેત્રમાં પુર્નવસિત કરવામાં આવ્યાં હતાં. તેમને ઘર, પેન્શન, નિયમિત હેલ્થ ચેક અપ અને અન્ય સુવિધા પણ આપવામાં આવી હતી. જોકે આની સામે તે લોકોને પોતાના પેઢીઓના ઘરને છોડવાનું હતું. મહદંશે લોકોએ કિવ ક્ષેત્રમાં રહેવામાં જ સમાધાન માન્યું, પરંતુ શું જેઓ કિવના નિવાસી બન્યા તેઓ વધુ સારું જીવન જીવ્યાં? તો તેનો જવાબ ‘ના’ છે. પ્રિપ્યાટમાં જે દાદીમાંઓ તેમના પરીવાર સાથે ફરી વસ્યાં તેમના કરતાં પણ વધું પીડાદાયક જીવન કિવમાં જેઓને વિસ્થાપિત કરવામાં આવ્યા, તેમનું હતું. આ આશ્ચર્યજનક ઘટના છે, પણ આ જ સત્ય છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી એક સ્વાસ્થ્ય તપાસમાં એવા તારણો આવ્યા કે, કિવમાં વિસ્થાપિત થનારા અણુ પ્લાન્ટના અસરગ્રસ્ત ચિંતા, ડિપ્રેશન અને તૂટેલા સામાજિક માળખાના કારણે પોતાનું જીવન ફરી પુર્વવત ન કરી શક્યા. જ્યારે પ્રિપ્યાટમાં આવીને ફરી વસનારાં વધુ મોજીલું જીવન જીવ્યાં. જેઓ હાલમાં પ્રિપ્યાટમાં અવસાન પામ્યાં તેઓે રેડિએશનના કારણે નહીં, પણ મોટીં ઉંમરના કારણે અવસાન પામ્યાં છે. આમ કેમ થયું તેના કોઈ ઠોસ જવાબ નથી, પરંતુ જે રીતે આ દાદીમાંઓ પ્રિપ્યાટમાં પોતાના દિવસો આનંદથી પસાર કરી રહી છે, તે તેનું કારણ હોઈ શકે. આ તમામ દાદીઓ રોજ પોતાના માટે જાતે જ આહારની વ્યવસ્થા કરે છે, આહાર માટે શિકાર કરે છે, લાકડાં કાપી લાવે છે, કોઈ વાહન શહેરમાં ન હોવાથી એકબીજાને ઘરે મુલાકાત લેવા ચાલતી જાય છે, અઠવાડિયે મળીને પત્તા રમે છે, સમયાંતરે પાર્ટી કરે છે. હવે તો યુક્રેનની સરકારે આ વિસ્તારમાં વીજળી ઉપલબ્ધ કરાવી છે એટલે મજાથી ટીવીમાં સિરિયલ્સ જોવે છે.

ચર્નોબોઈલ દુર્ઘટનામાં તાત્કાલિક અસરથી પચાસ લોકોના મૃત્યુ થયા હતા. કેટલાંક નિષ્ણાંત આ આંકડાને ખોટો પણ ગણાવે છે, કારણે કે રશિયાની સરકાર ચર્નોબાઈલ પાછળ ઘણું છૂપાવવા માંગતી હતી. ત્યાર બાદ પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં ચાર હજાર જેટલાં થાઈરોડ કેન્સરના કેસ ડિટેક્ટ થયા. હજુ આવનારા પચાસ વર્ષમાં થાઈરોડ અને અન્ય કેન્સરના આવા દોઢ લાખ કેસ સામે આવવાની ભીતિ છે. આની સામે પ્રિપ્યાટમાં વસનારા દાદીઓ અને તેમના પરિવાર ‘સેફ’ રહ્યાં છે! કેટલીક દાદીઓ કેન્સરથી પીડિત હોવા છતાં તેમના સામાન્ય જનજીવનમાં તેઓને કોઈ મુશ્કેલી નડી રહી નથી. પ્રિપ્યાટનો આ વિસ્તારમાં ‘વર્લ્ડ ઑફ બાબુશ્કાસ’નો તો ચમત્કાર જોઈ જ શકાય છે, પરંતુ અહીં સાથે-સાથે જંગલી પ્રાણીઓ પણ ફરી દેખાઈ રહ્યાં છે. જેમાં ડુક્કર, હરણ અને શિયાળ જેવા પ્રાણીઓ છે. દાદીમાંઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ડુક્કરનો શિકાર પણ કરે છે. પ્રિપ્યાટના આ વૃદ્ધ મહિલાઓ પર ‘વર્લ્ડ આૅફ બાબુશ્કાસ’નામની એક ફિલ્મ પણ બની છે. આ ફિલ્મ બનાવવાર ડિરેક્ટર-પ્રોડ્યુસર હોલી મોરીસ નામની મહિલા છે. હોલી મોરીસ ‘બાબુશ્કાસ’ વિશે થોડી વિગત મેળવી શકી છે, પરંતુ હજુય આ વિષયમાં ખેડાણ જરુરી છે.