મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: લોકોએ જેમને પ્રચંડ બહુમતી-વોટ આપીને ચૂંટયા હોય અને તેવા લોકોની બનેલી સરકાર જયારે લોકોની સમસ્યાઓ કે વાત સામે આંખ આડા કાન કરે ત્યારે ના છૂટકે સામાન્ય માણસને સડક ઉપર ઉતરી આવવું પડે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આવું વધી ગયુ છે. એ અલગ વાત છે કે મુખ્ય પ્રવાહનાં અખબારી કે ઇલેક્ટ્રોનિક માધ્યમો સરકારના ઈશારે તેને હાઈલાઈટ નથી કરતા. પરંતુ આવી ચળવળ કે દેખાવો જયારે સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગે છે ત્યારે આંખ બંધ કરીને બેઠેલા માધ્યમો અને સરકારને ના છૂટકે તેની નોંધ લેવી પડે છે.

એક તરફ જયાં બિન સચિવાલય પરીક્ષાને લઇને છાત્રો ગાંધીનગરમાં ત્રણ દિવસથી ધરણા કરી રહ્યા છે ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં એક મહિલા ધારાસભ્યને પણ લોકોની સમસ્યા માટે સરકાર સામે ધરણા ઉપર બેસવું પડ્યું છે. પૂર્વ કચ્છનાં વાગડ પંથકની રસ્તા સહિતની વિવિધ સમસ્યા માટે કચ્છનાં રાપર ક્ષેત્રનાં મહિલા એમએલએ સંતોકબેનને ધરણા કરવા પડ્યા છે. વાગડ પંથકની જુદી જુદી સરકારી સેવાઓની ઉણપોની સાથે સાથે વિવિધ સમસ્યાઓને લઈને તેમણે રાપર-ધોળાવીરા રોડ પર નંદાસર પાસે પુલ ઉપર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં રાપર ધોરાવીરા માર્ગ પર તુટી ગયેલા પુલ અને રસ્તા ને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવામાં આવે તેમજ સમયાંતરે આ રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારની બંધ કરવામાં આવતી પ્રાથમિક શાળા શરૂ રાખવા તથા આરોગ્ય કેન્દ્રમાં પુરતા પ્રમાણ મા સ્ટાફ ની નિમણૂક કરવામાં આવે તે માટે સરકાર સામે ધારાસભ્યએ બાંયો ચડાવી છે.

ખાસ કરીને રાપર વિસ્તારનાં ટુરિસ્ટ પોઇન્ટ ધોળાવીરા ને જોડતો એકમાત્ર માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે.  આ અંગે છેલ્લા 11 મહિનાથી રજુવાત કરવા પછી પણ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી તેવો આક્ષેપ રાપર ના ધારાસભ્ય એ કર્યો હતો. રાપર વિસ્તાર પ્રત્યે અનેક સમસ્યા છતાં સરકાર અને પ્રશાસન ધ્યાન ન આપતું હોવાનું નિવેદન કરીને તેમણે ધરણાની સાથે સાથે નર્મદા યોજનાના અધિકારીઓ અને મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. ધરણાના આ કાર્યક્રમમાં મહિલા ધારાસભ્યના પતિ એવા કોંગી અગ્રણી ભચુભાઈ આરેઠીયા ઉપરાંત રાપર તાલુકા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં સામેલ રહ્યા હતા.