પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): લગભગ છેલ્લાં વીસ વર્ષથી મારો નિત્યક્રમ છે, રોજ સવારની તમામ રસોઈ હું બનાવુ છું, સવારની પહેલી ચ્હા બનાવવાની લઈ સવારના ભોજનના દાળ-ભાત શાક સહિતની તમામ વાનગીઓ મારે જ બનાવવાની હોય છે. આ કામ મારે પરાણે કરવું પડતું કામ નથી, મને ગમતા કામ પૈકીનું એક કામ છે. આ વાત મારા નજીકના તમામ મિત્રો માટે બહુ સહજ અને જાણિતી વાત છે. પરંતુ જ્યારે કોઈને હું રસોઈ બનાવું છું તેવી ખબર પડે ત્યારે તેમને  બહુ આશ્ચર્ય થાય છે. પહેલા તો તેઓ સાચુ માનતા નથી કે હું રસોઈ બનાવુ છું, તેઓ મારી વાતની ખાતરી કરવા મારી પત્નીને મારી રસોઈ અંગે વિવિધ સવાલો પુછે છે. મારા કેટલાંક મિત્રોની પત્ની તેમના પતિદેવને ઠપકો આપતા કહે છે જુઓ તમે કંઈક શીખો.. હું રસોઈ કરૂ છુ તે વાત મારી પત્ની તેના મિત્રોને પણ બહુ ગૌરવપુર્વક કહે છે. મને રસોઈ કરવાનું કામ બહુ જ સહજ લાગે છે. છતાં જ્યારે મિત્રો મારા આ કામની પ્રસંશા કરે ત્યારે મને મનના કોઈ ખુણામાં હું બીજા કરતા અલગ છુ તેવો ભાવ પણ થાય છે.

મારો એક બહુ જ અંગત મિત્ર છે, તે અને તેની પત્ની અંગત કારણસર થોડાક વર્ષોથી અલગ થયા છે. અલગ થવાના નિર્ણય પછી મારા મિત્રએ પોતાના બાળકોની સંભાળ લેવાનો નિર્ણય કર્યો અને તે પોતાના બે નાના બાળકોને પોતાની સાથે લઈ આવ્યો, તે પોતાના બાળકોની સંભાળ જે રીતે કરે છે જાણે તે જ તેમની માતા હોય. સવારે વહેલા  ઉઠી બાળકોનો નાસ્તો બનાવવાનો, તેમને સ્કૂલે મુકવા જવાના, બાળકો સ્કૂલે જાય ત્યાર બાદ ઘરની રસોઈ જાતે બનાવે, કપડાં ધોવા સહિત ઘરનું કામકાજ પુરૂ કરે ત્યાર બાદ તે નોકરી ઉપર રવાના થાય, બપોરે બાળકો સ્કૂલમાંથી છુટવાના સમયે તે સમય કાઢી ઘરે પહોંચે, તેમને જમાડે, તેમને સુવાડાવી પાછો કામ ઉપર જાય. સાંજે સમયસર ઘરે પહોચી રસોઈ કરે, બાળકોને હોમવર્ક કરાવે. તેને જોઈ મને લાગે કે આ માણસ જીંદગી સાથે કેવી રીતે તાલ મીલાવતો હશે?

મારા એક બીજા મિત્ર છે, તેમના પત્ની લાંબો સમય બીમાર પડ્યા.મારા મિત્રએ પોતાની પત્નીની ખરા મનથી થાક્યા વગર બહુ જ પ્રેમથી પત્ની સેવા કરી. રાત દિવસ જોયા વગર ઉજાગરા  કરી હોસ્પિટલમાં તેની પથારી પાસે બેસી રહ્યા, મરણ તરફ જઈ રહેલી પત્નીને તેઓ મોતના  મુખમાંથી પાછી લાવ્યા. મારા મિત્રના પત્ની પતિની સેવા લઈ ગદગદ થઈ ગયા, હું જ્યારે પણ તેમની ખબર જોવા માટે જઉ ત્યારે તેઓ અચુક મારા મિત્રએ કરેલી સેવાને યાદ કરે તેમની વાતમાં એક પ્રકારનો આભાર હોય છે. આ મારા સહિત કેટલાંક ઉદાહરણ અહિંયા એટલા માટે મુક્યા છે કે જ્યારે કોઈ પુરૂષ સામાન્ય રીતે સ્ત્રીના ભાગે આવતા કામ અથવા સેવાનું કામ કરે ત્યારે તેની ખુબ ચર્ચા પરિવારમાં અને આસપાસના લોકો કરતા હોય છે. જેના કારણે એક માણસ તરીકે સારૂ કામ કરનાર પુરૂષ પણ ક્રમશ: માનવા લાગે છે તે બીજા કરતા જુદો છે અને માણસ તરીકે ઉત્તમ છે.

મને લાગે છે કે સ્ત્રીના ભાગે આવતા કામ જ્યારે પુરૂષ કરે ત્યારે પુરૂષોની પ્રસંશા થાય છે. પરંતુ પુરૂષના ભાગે આવતા હજારો કામ આપણા દેશની લાખો સ્ત્રી કરે છે પણ તેની ચર્ચા આપણે કરતા નથી અને તેવુ કામ કરનાર સ્ત્રી પણ પોતાને બીજા કરતા અલગ સમજતી નથી. હું મારી વ્યક્તિગત વાતથી શરૂઆત કરૂ તો મારા માતા-પિતા બંને નોકરી કરતા હતા. આમ તો આપણે સમાજ વ્યવસ્થા પ્રમાણે પુરૂષનું કામ પૈસા કમાવવાનું છે, પરંતુ મારી માતા ઘરની જવાબદારી ઉપરાંત અમારા ઉછેરની સાથે નોકરી પણ કરતી હતી. છતાં અમને કોઈને એવુ લાગ્યુ નહીં કે ઘરની જવાબદારી ઉપરાંત તે નોકરી પણ કરે છે. પરંતુ મારા પિતાને મારી જેમ રસોઈ કરવી ગમતી હોવાને કારણે મારા પિતા રસોઈ બનાવે તો મેં તેઓ બીજા કરતા કેવી રીતે અલગ છે તેની ચર્ચા સાંભળી છે.

દેશની લાખો સ્ત્રીઓ પોતાના પતિની સાથે મજુરી કરવા જાય છે. લાખો સ્ત્રીઓ અનાજની વીસ-વીસ બોરી લાદેલા ગાડા ખેંચે છે. દેશની હજારો સ્ત્રી સરકારી અને ખાનગી ઓફિસમાં કામ કરવાની સાથે પરિવારને પણ સંભાળે છે. દેશની અનેક સ્ત્રીઓ પોતાના બીમાર પતિની સેવા કરે છે અને બીમાર પતિ કામ ના કરી શકે તેવી સ્થિતિમાં ઘર ચલાવવા માટે કામ પણ કરે છે.  દેશની લાખો વિધવાઓ એકલા હાથે બાળકોનો ઉછેર કરે છે અને કામ પણ કરે છે. આમ આપણને ત્યાં સ્ત્રીઓ તમામ કામ કરે છે જે પુરૂષો માટે નક્કી કરવામાં આવ્યા હતા. છતાં આ સ્ત્રીઓને બીજા કરતા અલગ છે તેવુ આપણે કહેતા નથી અને તે પોતે પણ તેવુ માનતી નથી પણ પુરૂષ જ્યારે સમાજે સ્ત્રીઓ માટે નક્કી કરેલા કામો પૈકી થોડાક કામ કરે તો તેની ઉપર પ્રસંશાના ફુલોનો વરસાદ થાય છે.

સ્ત્રી ક્યારેય પોતાના પરિવારને કહેતી નથી કે તેણે તેમના માટે શુ કર્યુ છે, તે ક્યારેય પોતાના બલીદાનોની યાદી બનાવતી નથી. જ્યારે પુરૂષ તેણે પોતાના પરિવાર માટે કરેલી નાની મોટી તમામ બાબતોનો હિસાબ રાખે છે અને સમય આવે તે હિસાબ જાહેર પણ કરે છે. પુરૂષ માને છે કે તેણે પરિવાર માટે કરેલા તમામ કામ માટે ખુબ મહેનત કરી છે, યાતના સહન કરી છે. પોતાની ઈચ્છાઓને મારી પરિવારના સુખની ચિંતા કરી છે, પુરૂષ અને સ્ત્રીઓ પરિવાર માટે સરખા હિસ્સે કામ કરતા હોવા છતાં પુરૂષ તેણે કરેલા કામોનો ભાર પોતાના માથે લઈ ફરે છે જ્યારે સ્ત્રીને તેનો ભાર ક્યારેય  લાગતો નથી. સ્ત્રી જીંદગીને ભાર વગર જીવી શકે છે. તેણે પરિવાર માટે જે કંઈ કર્યુ તે તેના માટે શ્વાસ લેવા જેટલુ સહજ હોય છે. જ્યારે પુરૂષ પોતે સારો છે, ઉત્તમ છે તેવી માન્યતાના ભાર નીચે પોતાના જ ચગદી નાખે છે.