મેરાન્યૂઝ નેટવર્ક.તાલાલાઃ છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનને લઈને આહિર સમાજ ભાજપની સામે પડ્યો છે. તેમણે અગાઉ પણ રેલીઓ કરીને પોતાની વાત સરકાર સમક્ષ મુકી ધારાસભ્ય ભગવાન બારડનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવે તેવી માગ કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીના કેસને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અગાઉ થોડા દિવસ પહેલા વેરાવળમાં આહિર સમાજની મોટી મહારેલી યોજાઈ હતી. આ દરમિયાન સભામાં ભગવાન બારડે એવું નિવેદન આપ્યું હતું કે, જો હું માની ગયો હોત તો આજે લાલ લાઈટ વાળી ગાડીમાં હોત. ઉલ્લેખનીય છે કે જે તે સમયે આહિર સમાજે ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આજે તાલાલા અને સુત્રાપાડા મતવિસ્તારની અંદાજીત 3 હજાર મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી ધારાસભ્યની પડખે ઊભા રહી બંડ પોકાર્યું છે. તેમણે પોસ્ટકાર્ડ સાથે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, અમારા ધારાસભ્ય નિર્દોષ અને સાચા છે. સત્ય બહાર લાવીને રહીશું. જોકે મહિલાઓએ લખેલા પોસ્ટ કાર્ડની અસર કેટલી થાય છે તે હવે જોવું રહ્યું.