મેરાન્યૂઝ નેટવર્ક, મહેસાણા: દેત્રોજના ગીતાપુરના યુવકે લગ્નના ચાર દિવસમાં જ ભાગી જનાર લુટેરી દુલ્હન અને 2 દલાલ સામે બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ગીતાપુર ગામના 30 વર્ષિય હરેશભાઈ બાબુભાઈ પટેલ નામના યુવકના ગઈ 21 જાન્યુઆરીએ બહુચરાજી ઉમિયા પથિકાશ્રમમાં ભાવનગરના ગારિયાધર તાલુકાના માંડવી ગામની કાજલ વિજયભાઇ પટેલ સાથે થયા હતા. આ લગ્ન અમદાવાદના નિકોલમાં ગેલેક્સી ઇન્ટરસિટીમાં રહેતી લલીતાબેન નરેશભાઈ પંચાલ ઉર્ફે આરતીબેન કનૈયાલાલ યાદવ અને મહેશ પ્રફૂલભાઇ પંચાલે રૂ.2 લાખ રોકડા લઇને કરાવી આપ્યા હતા. લગ્ન બાદ કાજલ હરેશભાઇના ઘરે ચાર દિવસ રોકાઇ હતી. ત્યાર બાદ મારી મમ્મીની તબિયત ખરાબ હોઇ હું ભાવનગર જાઉં છું તેમ કહી ઘરેથી ગયા બાદ પરત આવી ન હતી.

Advertisement


 

 

 

 

 

દરમિયાન, કાજલના અલગ અલગ વ્યક્તિઓ સાથે લગ્નનું નાટક કરી પૈસા પડાવ્યા હોવાની નરોડા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લલીતા પંચાલ અને મહેશ પંચાલ સામે ફરિયાદ નોંધાયેલી હોવાની જાણ થતાં હરેશ પટેલે બંને પોલીસ સ્ટેશનમાં જઇ ખરાઇ કરતાં ત્રણે શખ્સોએ લગ્નના નામે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેણે લુટેરી દુલ્હન કાજલ, લગ્ન કરાવી આપનાર લલીતા પંચાલ અને મહેશ પંચાલ વિરુદ્ધ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઇ છે.

Advertisement