મેરાન્યૂઝ નેવટવર્ક.ભિલોડાઃ ભિલોડા પોલીસે જન્માષ્ટમી પર્વને લઈને ભિલોડાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ માર્ગો પર સઘન પેટ્રોલિંગ હાથધરતાં વિદેશી દારૂ ભરી પસાર થતી મારુતિ ફ્રન્ટી કારની બાતમી મળતા બાતમી આધારિત કાર પસાર થતા પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મઉં ગામ નજીક બુટલેગરો કાર રોડ નજીક મૂકી ડુંગરોમાં અદ્રશ્ય થઈ જતા પોલીસે કારમાંથી ૫૦ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બે બુટલેગરોને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.

ભિલોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એચ.પરમારને રાજસ્થાન રાજ્યમાંથી મારુતિ ફ્રન્ટી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે વોચમાં ઉભા હતા. બાતમી આધારિત મારુતિ ફ્રન્ટી કાર (ગાડી.નં- GJ 18 AC 3625 ) પસાર થતા અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભાગવી મુકી હતી. પોલીસે પીછો કરતા કારમાં સવાર બુટલેગરો મઉં ગામ નજીક કાર મૂકી ડુંગરોમાં ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન કુલ નંગ-૧૫૬ કિં.રૂ.૫૦૪૦૦/- નો જપ્ત કરી મારુતિ ફ્રન્ટી કિં.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૧૫૦૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કારમાંથી ભાગવામાં સફળ રહેલા બે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.