રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): એનું નામ લિન્કન સુબુધિ; ઉંમર 29. નિવૃત આર્મી ઓફિસરની પુત્રી. તે કોઈ ફિલ્મ સ્ટાર કે સ્પોર્ટસ પર્સનાલિટી નથી; કે નથી કોઈ રાજકીય હસ્તી; છતાં ઓરિસ્સામાં તેને સૌ જાણે છે ! તેનું મૂળ વતન ભુવનેશ્વર, ઓરિસ્સા; પરંતુ નોઈડાની એક કંપનીમાં IT પ્રોફેશનલ તરીકે 2008માં જોબ શરુ કરી. કંપનીની ‘corporate social responsibility activities’ અંતર્ગત તેણે નજીકના સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને ભણાવવાનું શરુ કર્યું. દિલ્હીની NGO-પ્રયાગનો સંપર્ક થયો; સ્પેર ટાઈમમાં અને શનિ-રવિના સમયે ગરીબ બાળકોને શિક્ષણ આપવાની ઝૂંબેશ શરુ કરી !

આ દરમિયાન સુબુધિના ધ્યાનમાં આવ્યું કે નોઈડા સ્લમ વિસ્તારમાં સગીર બાળાઓના લગ્ન થાય છે. બાળકોને ભણાવવાની સાથે તેણે બાળલગ્નનું દૂષણ રોકવા જાગૃતિ-ઝૂંબેશ શરુ કરી. સપ્ટેમ્બર 2020માં એક ઘટના બની. 14 વર્ષની સોના ભણવામાં હોશિયાર હતી; તેણે સુબુધિને ફોન કર્યો. સુબુધિ તરત જ નોઈડા સ્લમ વિસ્તારમાં પહોંચી. જોયું તો સોનાના લગ્ન થઈ રહ્યા હતા; અને પોતાને બચાવી લેવા સોના વિનંતિ કરી રહી હતી ! સુબુધિએ બાળલગ્ન અટકાવવા કોશિશ કરી; પરંતુ તેની ઉપર કુટુંબીજનોએ લાકડીઓ અને ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો. સોનાની માતા જ હુમલો કરવામાં સામેલ હતી ! સ્લમ વિસ્તારમાં લોકો સુબુધિને માનથી જોતા હતા. બેભાન બની ગયેલી સુબુધિને લોકોએ તરત જ કૈલાષ હોસ્પિટલમાં પહોંચાડી.માથામાં 30 ટાંકા આવ્યા; એક અઠવાડિયા સુધી ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રહેવું પડ્યું.

કોઈ બીજું હોય તો હથિયાર હેઠા મૂકી દે; પણ આ તો સુબુધિ હતી ! હવે તે જોબ છોડીને સામાજિક સેવા કરવા ઈચ્છે છે. તે કહે છે : ‘હવે હું મારી પોતાની NGO ખોલીને ઓરિસ્સામાં કામ કરીશ; સાથે બીજા રાજ્યોમાં પણ બ્રાન્ચ રહેશે. સમાજસેવા સાથે હું રાજકારણમાં પણ જોડાઈશ; પૈસા કે પ્રસિધ્ધ માટે નહીં; પણ મારા કાર્યને આગળ લઈ જવા માટે.’ લોકલ અખબારો, સંસ્થાઓ, અગ્રણી વ્યક્તિઓ અને મુખ્યમંત્રી નવીન પટનાયકે સુબુધિના હિમ્મતભર્યા કાર્ય માટે અભિવાદન કર્યું છે ! તેમની લોકપ્રિયતા ધ્યાને લઈને બિજુ જનતા દલે આગામી ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપવાની ઓફર કરી છે. આ મહિલાની હિમ્મત તો જૂઓ ! ગરીબો પ્રત્યેની સંવેદનાએ એને ગજબની એક્ટિવિસ્ટ બનાવી દીધી...

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)