મેરાન્યૂઝ નેટવર્ક મોરબી: ગુજરાત ખાતે જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર યોજાતી આરોહણ આવરોહણ સ્પર્ધામાં દર વર્ષે દેશભરમાંથી સેંકડો સ્પર્ધકો ભાગ લે છે. જેમાં ગઈ ૧૨ જાન્યુઆરીએ યોજયેલી 12મી ઓલ ઇન્ડિયા નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મોરબીના મહિલા પોલીસ ભૂમિબેન ભૂત પ્રથમ ક્રમાંક હાંસલ કરીને મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે.

જુનાગઢ ખાતે ૧રમી ઓલ ઇન્ડીયા ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના ૧૨ રાજયોની બહેનોએ ભાગ લીધો હતો. સીનીયર બહેનોના વિભાગમાં મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ભૂમિબેન દુર્લભજીભાઇ ભૂત રાજય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયા હતા. આ સાથે તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં તેમણે ૩૯: ૦૭ મીનીટમાં ગિરનારનું આરોહણ અને અવરોહણ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધારનાર મહિલા પોલીસ ભૂમિબેન ભૂત પર  અભિનંદન વર્ષા થઈ રહી છે.