મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઈન્સપેકટર જે એમ ચાવડા સામે ઉચાપતનો ગુનો દાખલ કરવાનો ભાવનગર ડીએસપીએ ગુરૂવારના રોજ આદેશ આપ્યો હતો. ત્યાર બાદ શુક્રવારની સવારે મહિલા ઈન્સપેકટરની ધરપકડ કરી લેવામાં આવી છે. આશ્ચર્ય તે બાબતનું છે કે મહિલા પોલીસ ઈન્સપેકટર જે એમ ચાવડા સામે જે ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે તે માત્ર રૂપિયા છ હજારની જ છે.

ભાવનગરના પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટર જે એમ ચાવડા ટ્રાફિકના નિયમોને ભંગ કરનારને મેમો આપી દંડ વસુલ કરતા હતા. તે મેમોમાં પાછળથી સુધારો કરી દંડની રકમ ઘટાડી તેઓ સરકારી તીજોરીમાં જમા કરાવતા હોવાની જાણકારી ડીએસપી પ્રવિણ માલને મળી હતી. જેના આધારે તેમણે ડેપ્યૂટી એસપી મનિષ ઠાકરને આ મામલે તપાસ સોંપી હતી. જેમાં પ્રાથમિક રીતે તથ્ય માલુમ પડતા રૂપિયા 6,400ની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી અને શુક્રવારના રોજ મહિલા પીઆઈ ચાવડાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

જો કે મહિલા પીઆઈ ચાવડાનો આરોપ અને દાવો એવો છે કે, જો તેમમે ઉચાપત કરવી જ હોય તો લાખો રૂપિયાની થઈ શકે છે. કોઈ પોલીસ ઈન્સપેકટર કક્ષાનો અધિકારી છ હજાર જેવી મામુલી રકમની ઉચાપત શા માટે કરે, તેમની સામે નોંધાયેલી ફરિયાદનું કારણ તેઓ એસપીને હપ્તો આપતા નથી. જેના કારણે કિન્નાખોરી રાખી ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભરતનગરના પોલીસ ઈન્સપેકટર મહિલા હોવા છતાં સમગ્ર વિસ્તારમાં તેમની ધાક હતી. રાતના દસ વાગ્યા પછી રસ્તાઓ અને ગલ્લાઓ ઉપર ટોળટપ્પા કરતા લોકો પોતાના ઘર તરફ જતાં રહેતા હતા. આમ ભરતનગરના ગુનેગાર પણ તેમનાથી ડરતા હતા.