રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉના સત્તાપક્ષના MLA કુલદીપ સેંગર અને તેના સાથીઓએ 2017માં સગીર બાળાનું અપહરણ કરી (Unnao Rape Case) બળાત્કારનું કૃત્ય કર્યું હતું. ત્યારબાદ પીડિતાના પિતાની હત્યા કરી હતી. પીડિતાએ UPના મુખ્યમંત્રી નિવાસસ્થાન સામે આત્મદાહની કોશિશ કરી ત્યારે આ મામલો દેશભરમાં ચમક્યો હતો. પછી CBI તપાસની માંગ ઊઠી. 12 એપ્રિલ 2018ના રોજ CBIએ તપાસ હાથ ધરી; અને કુલદીપ સેંગરને એરેસ્ટ કરેલા. સુપ્રિમકોર્ટના આદેશ મુજબ આ કેસ ઉત્તર પ્રદેશને બદલે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. કોર્ટે 20 ડીસેમ્બર 2019ના રોજ, કુલદીપને આજીવન કેદની સજા કરી હતી. તે પછી તેની વિધાનસભાની સદસ્યતા રદ કરી હતી. પીડિતાના પિતાની હત્યા માટે તીસ હજારી કોર્ટે કુલદીપ અને તેના છ સાથીઓને 10 વર્ષ કેદની સજા કરી હતી. 

બેટી બચાઓ, બેટી પઢાઓ’ના નગારા પીટતા સત્તાપક્ષની આબરુનું ધોવાણ થયું હતું. શરુઆતમાં રેપની ફરિયાદ લેવાને ઈન્કાર પોલીસે કર્યો હતો. બળાત્કારના કેસમાં સગીર વિક્ટિમને મદદ કરવી તે પોલીસની / તંત્રની ફરજ છે; પરંતુ વિક્ટિમને બદલે સત્તાપક્ષના MLA કુલદીપની તરફેણ કરવામાં આવી હતી; તેવો અહેવાલ CBIએ UPના ચીફ સેક્રેટરીને પાઠવ્યો છે. આ અહેવાલ ચોંકાવનારો છે. CBIએ ઉન્નાવના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ અદિતી સિંહ, IAS તથા બે IPS અધિકારીઓ નેહા પાંડેય અને પુષ્પાંજલિ સિંહની સામે બેકાળજી, લાપરવાહી દાખવવા સબબ ખાતાકીય પગલાં ભરવા જણાવ્યું છે ! રેપ પીડિતાએ કેટલીય વખત ફરિયાદ કરી હતી છતાં આ ત્રણેય મહિલા અધિકારીઓએ ધ્યાન આપ્યું ન્હોતું. CBIએ સીનિયર SP અષ્ટભુજા સિંહની નિષ્કાળજી પણ ઠરાવી છે.

સગીર બાળા ઉપર રેપ થાય; ન્યાય માટે માંગણી કરનાર પીડિતાના પિતાની હત્યા થાય; આવી શરમજનક ધટના બને છતાં જિલ્લાના ત્રણેય મહિલા અધિકારીઓ સંવેદનશૂન્ય કઈ રીતે રહી શક્યા હશે? સત્તાપક્ષના MLA હતા, એટલે આંખમીંચામણા કર્યા હશે? જો વિપક્ષના MLAએ આવું કૃત્ય કર્યું હોત તો આ ત્રણેય મહિલા અધિકારીઓએ અતિ કડક કાર્યવાહી કરી હોત ! મહિલા અધિકારીઓએ, બળાત્કાર વિક્ટિમની તરફેણ કેમ ન કરી? ચોક્કસ હોદ્દા ઉપર ટકવા માટે; વહિવટીતંત્ર કેટલું ગુલામ બન્યું છે; તેનું આ ઉદાહરણ છે ! આને લોકશાહી તંત્ર કહેવાય કે રાજાશાહી તંત્ર? સત્તાપક્ષનો સભ્ય ભયંકર ગુનો કરે તો તે રાઈના દાણા જેવડો લાગે; અને વિપક્ષનો સભ્ય નાનો ગુનો કરે તો પણ દેશદ્રોહના જેવો ગુનો લાગે ! તંત્રની આ કેવી માનસિકતા?