મેરાન્યૂઝ નેટવર્ક.મહીસાગર: મહીસાગર જીલ્લામાં કાળજાને કંપાવી દેનાર આઘાતજનક ઘટના બની હતી જેમાં એક માતાએ તેની ફૂલ જેવી માસુમ દીકરીઓ સાથે કુવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે  કડાણા તાલુકાના ડીટવાસ ગામે ત્રણ દિકરીઓ સાથે માતાએ કૂવામાં પડતુ મૂકીને આપઘાત કર્યો હોવાની ઘટનાએ આખા પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો છે. સંતાનમાં દિકરો ન હતો, માત્ર દિકરીઓ હોવાથી લાગણીમાં અટવાયેલી મહિલાએ એક વર્ષથી પાંચ વર્ષ સુધી ત્રણ દિકરીઓને કૂવામાં ફંગોળી દઇને નિર્મમ હત્યા કરી હતી. ત્યારે બાદ તેણે જાતે પણ કૂવામાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે આત્મહત્યા સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા પોલીસે મહિલા અને ત્રણ બાળકીઓના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
પ્રાપ્ત માહિતી મુજબ, કડાણા તાલુકાના ડીટવાસ ગામે ખેડફળીયામાં રહેતા રમણભાઇ દલાભાઇ ડામોર ખેતી કરે છે. તેના લગ્ન મંગુબેન રમણભાઇ ડામોર (ઉ.૨૭) નામની મહિલાની સાથે થયા હતા. આ દંપતીને સંતાનોમાં ત્રણ દિકરી હતી. જેમાં શર્મિષ્ઠા (ઉ.૫), સુરા (ઉ.૩) તથા ભૂરી (ઉ.૧)નો સમાવેશ થાય છે. 
                 
બુધવારે સાંજે મંગુબેન તેની એક દીકરી સાથે  ઘરમાંથી બહાર નીકળી હતી. તે મોડી રાત સુધી પરત ન આવતાં આખરે શોધખોળ કરી હતી. તે મળી ન હતી. આખરે ઘરમાં બધા તે પરત આવશે તેમ વીચારીને સૂઇ ગયા હતા. રાત્રીના બાર વાગ્યાની આસપાસ તે પરત ફરી હતી. ત્યાર બાદ તમામ સૂઇ ગયા હતા.સવારે છ વાગે જ્યારે પરિવારજનો ઉઠ્યા ત્યારે મંગુબેન તેની ત્રણે દિકરીઓની સાથે ઘરમાં હાજર ન હતી. આખરે તેની શોધખોળ કરવા પરીવારજનો ફરીથી નીકળ્યા હતા. આ તબક્કે ગામના કૂવા પાસેથી એક સ્વેટર તથા ચાદર રમણભાઇ ડામોરની મળી આવી હતી. જેના કારણે કૂવામાં તપાસ કરતાં ત્રણેવ દિકરીઓની લાશ તરતી જણાઇ આવી હતી. તેની સાથે મંગુની પણ લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતાં ગ્રામજનોનો ટોળેટોળા કૂવા પર ઉમટી પડ્યા હતા. 

મંગુબેન ડામોરે ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી ગુરુવારે  બપોરે સવા વાગ્યા દરમિયાન ગામમાં જ કૂવામાં તેમની ત્રણ દિકરીઓની સાથે આપઘાત કર્યો હોવાની ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. ચારેની  લાશને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. 

ડીંટવાસ પોલીસે મૃતક મહિલાના પતિ રમણભાઇ દલાભાઈ ડામોરે પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, મારે સંતાનોમાં ત્રણ છોકરીઓ જ હતી. છોકરો ન હોવાથી મારી પત્નીને અજુગતુ લાગતુ હતુ. જેથી તેણે લાગણીમાં આવીને છોકરીને કૂવામાં નાંખી દઇને હત્યા કરી છે, જ્યારે તેણે આપઘાત કરી લીધો છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.