મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ કરી રહેલા લગભગ 700 ખેડૂતોના મોત અને તેમના પરિવારજનોને વળતર આપવાના સવાલ પર કેન્દ્ર સરકારે કહ્યું કે તેમની પાસે એવો કોઈ રેકોર્ડ જ નથી. લોકસભામાં સરકારને સવાલ કરાયો હતો કે મૃતક ખેડૂતોના પરિવારજનોને નાણાકીય સહાય આપવાનો કોઈ પ્રસ્તાવ તૈયાર કરાયો છે કે નહીં. જેના પર કેન્દ્રએ લોકસભામાં જવાબ આપ્યો હતો કે કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના મોતનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. તેથી તેમને વળતર ચુકવવાના કે પછી તે સંબંધ પર કોઈ સવાલ ઊભો થતો નથી.

મિડિયા રિપોર્ટ્સ અનુસાર ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરતાં દેશમાં અંદાજે 700 ખેડૂતોના મોત થઈ ગયા હતા. તે ખેડૂતોના પરિવારજનોને વળતર ચુકવવા માટે માગ કરવામાં આવી રહી છે. વિપક્ષ આ મુદ્દા પર સરકારને ઘેરી લેવાના પ્રયત્નો કરી રહ્યું છે. અહીં સુધી કે કોંગ્રેસના નેતાઓની તરફથી આ મુદ્દા પર સ્થગિત પ્રસ્તાવ (Adjournment motion) મોકલીને ચર્ચા કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.