મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: શિયાળાની ઋતુ, ઠંડીની સાથે ડિપ્રેશન વધારનાર મૌસમ છે. આ ઋતુગત ડિપ્રેશનને સીઝનલ એફેકટીવ ડીસઓર્ડર એટલે કે, એસડી પણ કહેવાય છે. શિયાળાની ઋતુ સામાન્ય રીતે દરેક વ્યક્તિનો મૂડ ઓછો કરનારી હોય છે. જો સામાન્ય રીતે તણાવ રહેતો હોય તો શિયાળો આવતા જ આ સમસ્યા વધી જાય છે. શિયાળાની ઋતુમાં બેચેની, તણાવ અને ડિપ્રેશન વધી જવાનાં ખાસ કારણો હોય છે. તેનાથી કેવી રીતે બચી શકાય તે જાણવા જેવું છે.

શિયાળો આવતા જ ઘણાં લોકો દુખી થઇ જતા હોય છે. જેમાં ખાસ કરીને ૪૦ ટકા મહિલાઓને આ સમસ્યા હોય છે. હમણાં જ પ્રસિદ્ધ થયેલા એક મેડીકલ અહેવાલમાં આ જણાવાયું છે. સાયકોલોજીસ્ટ ડો.અજય તનેજાએ કહ્યું કે, જો જીવનમાં બધું જ ઠીકઠાક ચાલતું હોય છતાં પણ વ્યક્તિ દુખી હોય તો સીઝનલ એફેકટીવ ડીસઓર્ડરની લપેટમાં હોઈ શકો છો. જયારે સીનીયર ન્યુરોલોજીસ્ટ ડો.પવન કુમારનું કહેવું છે કે, શિયાળાની ઋતુમાં કેટલાક લોકો ઉદાસ થઇ જાય છે. આ ઉદાસી પ્રકાશ પૂરતા પ્રમાણમાં નહિ મળવાનાં કારણે આવી જાય છે. તેને દરરોજ કસરત કરવા સાથે સૂર્યના પ્રકાશ એટલે કે તડકામાં બેસવાથી નિયંત્રણમાં લાવી શકાય છે.

શિયાળામાં દિવસ ટૂંકો અને રાત્રી લાંબી રહેતી હોવાથી ઊંઘવા-જાગવાના સમયમાં ગડબડ થઇ જતી હોવાથી થાક અનુભવાતો હોય છે. ઠંડીમાં સૂર્ય પ્રકાશ ઓછો મળવાના કારણે વ્યક્તિના મગજમાં વધારે પ્રમાણમાં મેલેટોનીન હોર્મોન બને છે. જે અનિંદ્રા જેવી સ્થિતિનું નિર્માણ કરે છે. કારણ કે, આ સ્લીપ હોર્મોનને સૂર્ય પ્રકાશ અને અંધારા સાથે સીધો સબંધ હોય છે. શિયાળામાં સુરજ જલ્દી આથમી જતો હોવાથી વ્યક્તિના મગજમાં મેલેટોનીન બનવા માંડે છે. જેના કારણે સાંજ ઢળતા જ ઊંઘવા માટે આપની ઈચ્છા થવા લાગે છે. શિયાળામાં આપણી શારીરિક સક્રિયતા થોડી ઓછી થઇ જતી હોવાથી થકાવટનો અનુભવ થાય છે. જેના કારણે આળસથી ગંભીર વિન્ટર ડિપ્રેશન અનુભવાય છે.

આ સંશોધનમાં જણાયું છે કે, ઓછા સૂર્યપ્રકાશના કારણે મગજમાં સેરોટોનીન કેમિકલનું નિર્માણ ઓછું થઇ જાય છે. તેની સીધી અસર વ્યક્તિના મૂળ પર પડે છે. તેનાથી વ્યક્તિ ઉદાસી, બેચેની અને ડિપ્રેશન થવા લાગે છે. થકાવટ, માથામાં દુખાવો, આળસ, કામમાં મન નહિ લાગવું, એકલાપણું, બેચેની તેમજ નાની નાની વાતોમાં તણાવમાં આવી જવું તે તેના લક્ષણો છે.

આ સીઝનલ એફેકટીવ ડીસઓર્ડર દુર કરવા માટે જમવામાં ન્યુટ્રીશન સામેલ કરવું જોઈએ. આ ઉપરાંત આપણને ખુશી આપે તેવું કરવા સાથે સંગીત, વાંચન કે ફિલ્મ જોવા જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. કસરત મૂળ બદલવામા મદદ કરતી હોવા સાથે મિત્રો સાથે સમય વિતાવવા ઉપરાંત પરિવાર સાથે રહેવું જોઈએ. શિયાળાની ઋતુ સાથે જોડાયેલી વસ્તુઓનું શોપિંગ કરવા સાથે ક્યાય એકાંતમાં ના રહેવું જોઈએ અને મનમાં નકારાત્મક વિચાર પણ લાવવા જોઈએ નહિ.