રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): 2019નું ચોમાસું સારું ગયું. ફેબ્રુઆરી, 2020 ની ઠંડી ઓછી થઈ એટલે હાલમાં મારી વાડીએ ઉનાળુ મગફળીનું વાવેતર ચાલે છે. ઊભા કપાસમાં ટ્રેક્ટર સાથે શ્રેડર ચાલે છે; કપાસના છ ફૂટ ઊંચા છોડના ઝીણાઝીણા કટકા થઈ જાય છે. શ્રેડરની પાછળ પાછળ સફેદ બગલાઓનું ટોળું ફરે છે. નાની જીવાંતને શોધી શોધીને ગળી જાય છે. શ્રેડર પછી ભોથા-થડિયા કાઢવા ત્રાસી રાપ ચાલે, દાંતી ચાલે, રોટોવેટર ચાલે, પછી મગફળી વાવવા વાવણિયો ચાલે. દરેક વખતે ટ્રેક્ટરની પાછળ પાછળ બગલાઓનું ઝૂંડ ચાલે. બગલાને જીવાંત ગળી જવાની મોજ પડે ! બીજા પક્ષીની જેમ બગલો પણ સેક્યુલર છે; દરેકના ખેતરમાં જાય; તેને આભડછેટ ન લાગે ! મગફળીનો કોઈ દાણો બહાર રહી ગયો હોય તો બગલો તેને ન ખાય. બગલો બિનઉપયોગી જીવાંત જ ખાય છે; તેથી ખેડૂતને બહુ ઉપયોગી છે. કાગડા/ કાબર/ ગીધ પણ ખૂબ ઉપયોગી છે; પણ તે હવે ગામડામાં જોવા મળતા નથી. તેના માટે જંતુનાશક દવાઓનો અવિચારી ઉપયોગ જવાબદાર છે. પર્યાવરણની અસમતુલતા વિપરિત પરિણામો આપશે. પૂજાપાઠ/ યજ્ઞ/ પ્રાર્થના/ દુઆ/ દેવદેવીઓની સ્તુતિ કશું જ કામમાં નહીં આવે.

કુદરત બિલકુલ સેક્યુલર છે. વરસાદ મુસ્લિમના ખેતરમાં પડે એટલો જ હિન્દુના ખેતરમાં પડે ! ચીકુ/ કેરી/ જમરૂખ/ દાડમ/ પપૈયા/ ઘઉં/ બાજરો/ જુવાર/ ડાંગર વગેરે ધર્મ આધારિત પાકતા નથી; પરંતુ કેળવણી/ માવજત મુજબ થાય છે. કપાસમાં ગુલાબી ઈયળ હિન્દુ-મુસ્લિમના ખેતરમાં આવે છે. કુદરત ધર્મ આધારિત ભેદભાવ કરતી નથી. દુષ્કાળ/ અતિવૃષ્ટિ/ ભૂકંપ/ કુદરતી હોનારતોમાં સૌનો ભોગ લેવાય છે; એમાં હિન્દુ બાકાત રહે, અને મુસ્લિમોનો ભોગ લેવાય, એવું કુદરત કરતી નથી. સારું છે કુદરતને ધર્મનો નશો ચડતો નથી ! 

કુદરત વચ્ચે રહેવાથી માણસ સેક્યુલર બને છે; ખેડૂતો સૌથી વધુ સેક્યુલર હોય છે. રાત્રે આકાશદર્શન કરવાથી ખ્યાલ આવે છે કે બ્રહ્માંડ અનંત છે, અનેક આકાશગંગા છે. માણસના હિન્દુ-મુસ્લિમપણાનો કોઈ અર્થ નથી ! માણસ-માણસ વચ્ચે ભેદભાવનો કોઈ અર્થ નથી ! કુદરતનો અભ્યાસ કરવાથી માણસ સમજદાર બને છે; કુદરત માણસને સેક્યુલર બનાવે છે. કુદરતથી દૂર રહેનાર માણસ આતંકવાદી બને છે, ક્રૂર બને છે.