અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): સુરત રેન્જ આઈજી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની બીએસએફમાં પાંચ વર્ષ માટે પ્રતિનિયુક્તિનો હુકમ થયો છે. 1993 બેચના આઈજીપી જી એસ મલિકને ટુંક સમયમાં એડીશનલ ડીજીપીમાં બઢતી મળવાની હતી અને સાઈડ પોસ્ટીંગ થાય તે પહેલા જ તેમને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જવાનો નિર્ણય લઈ લીધો હતો અને આજે તેમનો હુકમ પણ થઈ ગયો છે.

સુરત રેન્જ આઈજી જી એસ મલિકની સુરતમાં સુરત રેન્જ આઈજી તરીકે બદલી થઈ તે પહેલા તેઓ વડોદરા રેન્જના આઈજી હતા. 1993 બેચના આઈજી જી એસ મલિકને ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ એમ એસ ડાગુર સાથે સારા સબંધો હોવાને કારણે સુરત રેન્જનું પોસ્ટીંગ મેળવ્યું હોવાની ચર્ચા અધિકારીઓમાં ઉઠી હતી.

1993 બેચના સુરત રેન્જ આઈજી મલિકને ટુંક સમયમાં એડી.ડીજીમાં બઢતી મળવાની છે. એડી. ડીજીમાં બઢતી મળે તો રેન્જમાં રહી શકાય નહીં અને હાલમાં ગુજરાત આઈપીએસ કેડરમાં તેમનાથી પણ ઘણા બધા સિનિયર એડી. ડીજી હોવાથી તેમને સાઈડમાં પોસ્ટીંગ મળે તેમ હોવાથી આઈજી મલિકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાય છે. તેમના પહેલાના સુરત રેન્જ આઈજી શમશેરસિંગને સરકારે એડી.ડીજીમાં બઢતી આપી તે જગ્યા પર જ ચાલુ રાખ્યા હતા અને ગત વર્ષે તેમની એસસીઆરબીમાં બદલી કરવામાં આવી હતી. બીએસએફમાં ગુજરાત કેડરના આઈજી અજય તોમર ગુજરાત બીએસએફ ફ્રન્ટીયરના વડા છે, તે ઉપરાંત પ્રફુલ્લા રોશન ગોરખપુર બીએસએફમાં ડીઆઈજી તરીકે કાર્યરત છે. હવે, ગુજરાતના વધુ એક આઈપીએસ અધિકારી બીએસએફમાં પ્રતિનિયુક્તિ પર જશે.

આ અહેવાલને અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો